૩૪૦ રનના વિશાળ ટાર્ગેટ સામે જપાનને ૨૧૧ રનથી હરાવ્યું.
મોહમ્મદ અમાન
UAEમાં આયોજિત અન્ડર-19 એશિયા કપમાં ગઈ કાલે જપાનને ૨૧૧ રને હરાવીને ભારતીય ટીમે વિજયી શરૂઆત કરી છે. પાકિસ્તાન સામે પહેલી મૅચ હારનાર ભારતીય ટીમે છ વિકેટ ગુમાવીને જપાનને ૩૪૦ રનનો વિશાળ ટાર્ગેટ આપ્યો હતો જેની સામે જપાનની ટીમ આઠ વિકેટ ગુમાવીને ૧૨૮ રન બનાવી શકી હતી.
ભારતીય કૅપ્ટન મોહમ્મદ અમાન (૧૨૨ રન)ની અણનમ સેન્ચુરી, ઑલરાઉન્ડર કે. પી. કાર્તિકેય (૫૭ રન) અને ઓપનર આયુષ મ્હાત્રે (૫૪ રન)ની ફિફ્ટીની મદદથી ભારતીય ટીમે ૩૩૯ રનનો વિશાળ સ્કોર ઊભો કર્યો હતો. જપાન સામે ભારત તરફથી કે. પી. કાર્તિકેય, હાર્દિક રાજ અને ચેતન શર્માએ બે-બે વિકેટ લીધી હતી.
ADVERTISEMENT
ભારતીય ટીમ પોતાની અંતિમ ગ્રુપ-સ્ટેજ મૅચ ચોથી ડિસેમ્બરે UAE સામે રમશે. બન્નેમાંથી જે ટીમ જીતશે એ છઠ્ઠી ડિસેમ્બરની સેમી ફાઇનલ મૅચમાં એન્ટ્રી મારશે, કારણ કે ગ્રુપ Aમાં પાકિસ્તાન (ચાર પૉઇન્ટ) પહેલા ક્રમે, UAE (બે પૉઇન્ટ) બીજા ક્રમે, ભારત (બે પૉઇન્ટ) ત્રીજા ક્રમે અને જપાન (શૂન્ય પૉઇન્ટ) ચોથા ક્રમે છે. તમામ ટીમ હવે તેમની અંતિમ મૅચ રમશે. ૮ ડિસેમ્બરે આ ટુર્નામેન્ટની ફાઇનલ મૅચ રમાશે.
૧૬ વર્ષની ઉંમરે અનાથ થયો હતો ભારતીય કૅપ્ટન
૧૮ વર્ષના ભારતીય કૅપ્ટન મોહમ્મદ અમાને ૧૧૮ બૉલમાં ૭ ચોગ્ગાની મદદથી ૧૨૨ રનની ધમાકેદાર ઇનિંગ્સ રમી હતી. ૨૦૧૯માં મમ્મી અને ૨૦૨૨માં પપ્પાને ગુમાવ્યા બાદ ઉત્તર પ્રદેશના આ ક્રિકેટરે ૧૬ વર્ષની ઉંમરે ભાઈ-બહેનની જવાબદારી સંભાળવા ક્રિકેટ રમવાની શરૂઆત કરી હતી. તે જપાન સામે અન્ડર-19 લેવલે અને ઇન્ટરનૅશનલ લેવલ પર સેન્ચુરી ફટકારનાર પહેલો ભારતીય ક્રિકેટર બન્યો છે.
૧.૧૦ કરોડ રૂપિયાનો વૈભવ સૂર્યવંશી ફરી ફ્લૉપ
રાજસ્થાન રૉયલ્સે બિહારના ૧૩ વર્ષના વૈભવ સૂર્યવંશીને ૧.૧૦ કરોડ રૂપિયામાં ખરીદીને મેગા ઑક્શનનો યંગેસ્ટ કરોડપતિ બનાવ્યો છે પણ અન્ડર-19 એશિયા કપ 2024ની બન્ને મૅચમાં તે ફ્લૉપ ગયો છે. પાકિસ્તાન સામે એક રન ફટકારનાર આ ઓપનિંગ બૅટર જપાન સામે ૨૩ બૉલમાં ૨૩ રન બનાવી શક્યો હતો. જોકે તેણે ૩ ચોગ્ગા અને એક છગ્ગો ફટકારી ટીમને ધમાકેદાર શરૂઆત અપાવી હતી.