T20 ફૉર્મેટમાં ૧૨,૦૦૦ રન પૂરા કરનાર ઇંગ્લૅન્ડનો કૅપ્ટન જોસ બટલર કહે છે...
રાજસ્થાન રૉયલ્સના પોતાના કૅપ્ટન સંજુ સૅમસન સાથે વાતચીત કરી રહેલો જોસ બટલર.
કલકત્તામાં ભારત સામેની સિરીઝની પહેલી T20 મૅચમાં ઇંગ્લૅન્ડનો કૅપ્ટન જોસ બટલર ૪૪ બૉલમાં ૮ ચોગ્ગા અને બે છગ્ગાની મદદથી ૬૮ રનની ધમાકેદાર ઇનિંગ્સ રમ્યો હતો. તે પ્લેયર ઑફ ધ મૅચ સ્પિનર વરુણ ચક્રવર્તીના બૉલમાં ઑલરાઉન્ડર નીતીશ કુમાર રેડ્ડીના હાથે કૅચઆઉટ થયો હતો. ભારતીય ટીમે ઇંગ્લૅન્ડ સામે ૪૩ બૉલ બાકી રાખીને ૭ વિકેટે જીત મેળવી હતી. બાકી રહેલા બૉલના મુદ્દે ભારતીય ટીમની ઇંગ્લૅન્ડ સામે આ સૌથી મોટી જીત હતી.
આ કારમી હાર બાદ ઇંગ્લૅન્ડના કૅપ્ટન જોસ બટલરે કહ્યું હતું કે ‘અમે જે રીતે રમવા માગતા હતા તે રીતે રમ્યા નહીં. ભારતીયોએ સારી બોલિંગ કરી. અમારા અમુક બૅટ્સમેન પહેલી વાર અમુક બોલરનો સામનો કરી રહ્યા હતા. દરેક વ્યક્તિ સારું રમવા માગે છે અને તેમના પર દબાણ લાવવા માગે છે. ભારતમાં સ્પિન સતત પડકાર રહેશે. દરેક મૅચમાં લગભગ ત્રણ સ્પિનર્સનો સામનો કરવો પડશે. અમારે તેમનો સામનો કરવા માટે વ્યક્તિગત વ્યૂહરચના ઘડવી પડશે. અમે હંમેશાં T20 ક્રિકેટમાં આક્રમક રમવાનો પ્રયાસ કરીએ છીએ અને એ જ રીતે રમતા રહીશું.’
ADVERTISEMENT
જોસ બટલરે કલકત્તામાં ૩૩ રનનો આંકડો વટાવીને આ ફૉર્મેટમાં ૧૨,૦૦૦ રન પૂરા કર્યા હતા. તે આ સિદ્ધિ મેળવનાર વિશ્વનો સાતમો અને ઇંગ્લૅન્ડનો બીજો પ્લેયર બન્યો હતો. આ પહેલાં ઇંગ્લૅન્ડનો ભૂતપૂર્વ બૅટર ઍલેક્સ હેલ્સ ૨૦૦૦થી વધુ બાઉન્ડરી ફટકારીને T20 ફૉર્મેટમાં ૧૨,૦૦૦ રન પૂરા કરી ચૂક્યો છે.
7
ઇંગ્લૅન્ડ આટલામી ટીમ બની 200 T20 ઇન્ટરનૅશનલ મૅચ રમનારી.