ઇન્ડિયા Aનું ફરી એક વાર કંગાળ પ્રદર્શન, ૧૬૧ રનમાં ઑલઆઉટ
ધ્રુવ જુરેલ
ગઈ કાલે મેલબર્ન ક્રિકેટ ગ્રાઉન્ડમાં ઑસ્ટ્રેલિયા A અને ઇન્ડિયા A ટીમ વચ્ચે બીજી અનઑફિશ્યલ ટેસ્ટ શરૂ થઈ હતી. ટૉસ હારીને બૅટિંગ કરવા ઊતરેલી ભારતીય ટીમના બૅટર્સ પહેલી ઇનિંગ્સમાં ૫૭.૧ ઓવરમાં ૧૬૧ રનમાં જ સમેટાઈ ગયા હતા. યજમાન ટીમ પહેલા દિવસની રમતના અંતે ૧૭.૧ ઓવરમાં બે વિકેટે બાવન રન ફટકારી શકી છે.
ઇન્ડિયા A ટીમે ૨.૪ ઓવરમાં ૧૧ રનના સ્કોર પર ચાર વિકેટ ગુમાવી દીધી હતી. આ ટેસ્ટમાં ઇન્ડિયા A સ્ક્વૉડ સાથે જોડાયેલો કે. એલ. રાહુલ (ચાર રન) ફ્લૉપ રહ્યો છે, જ્યારે વિકેટકીપર-બૅટર ધ્રુવ જુરેલે ધીરજપૂર્વક બૅટિંગ કરીને ૧૮૬ બૉલમાં ૮૦ રનની ઇનિંગ્સ રમીને ટીમની લાજ બચાવી હતી. તેના સિવાય દેવદત્ત પડિક્કલ ૨૬ રનની ઇનિંગ્સ રમી શક્યો હતો. સિનિયર ક્રિકેટ ટીમની સ્ક્વૉડમાં સ્થાન મેળવનાર અભિમન્યુ ઈશ્વરન અને પહેલી ટેસ્ટની બીજી ઇનિંગ્સમાં સેન્ચુરી ફટકારનાર સાઈ સુદર્શન એક પણ રન ફટકારી શક્યા નહોતા. કૅપ્ટન ઋતુરાજ ગાયકવાડ પણ છ બૉલમાં માત્ર ચાર રન બનાવીને આઉટ થયો હતો.