બીજી ટેસ્ટના પહેલા દિવસની રમતના અંતે આફ્રિકાના ૬૨ રનના ભોગે ૩ વિકેટ, ૩૬ રનથી હજી પાછળ : ભારતના ૬ બૅટ્સમેન માત્ર ૧૧ બૉલમાં આઉટ થઈ ગયા
ભારતીય બૉલર મોહમ્મદ સિરાજના કહેર સામે આફ્રિકાના બૅટ્સમેનો ટકી શક્યા નહીં
કેપટાઉન: ભારત અને સાઉથ આફ્રિકા વચ્ચે બીજી અને સિરીઝની અંતિમ ટેસ્ટ મૅચ ગઈ કાલથી કેપટાઉનમાં ચાલુ થઈ ગઈ હતી, જેમાં સાઉથ આફ્રિકાએ ટૉસ જીતી પહેલાં બૅટિંગ પસંદ કરી હતી. ભારતીય બૉલર મોહમ્મદ સિરાજના કહેર સામે આફ્રિકાના બૅટ્સમેનો ટકી શક્યા નહીં અને પહેલી ઇનિંગ્સમાં સાઉથ આફ્રિકાની ટીમ ૨૩.૨ ઓવરમાં ૫૫ રનના સામાન્ય સ્કોરમાં ઑલઆઉટ થઈ ગઈ. સિરાજે કુલ ૬ વિકેટ ઝડપી હતી. આફ્રિકા તરફથી વિકેટકીપર વેર્રેયને સૌથી વધુ ૧૫ રન કર્યા હતા. ભારત તરફથી સિરાજે ૬, બુમરાહ અને મુકેશ કુમારે ૨-૨ વિકેટ ઝડપી હતી.
જવાબમાં ભારતની પણ સારી શરૂઆત રહી નહોતી અને ઓપનર જયસ્વાલ શૂન્યમાં આઉટ થઈ ગયો હતો. સુકાની રોહિત ફરી નિષ્ફળ રહ્યો હતો. તે ૩૯ રનના સ્કોર પર આઉટ થઈ ગયો હતો. ભારત તરફથી જેની પાસે આશા હતી તે વિરાટ કોહલીએ થોડા આક્રમક શૉટ્સ લગાવ્યા હતા. તેણે ૫૯ બૉલમાં ૬ ચોગ્ગા અને ૧ છગ્ગાની મદદથી ૪૬ રનનો સ્કોર કર્યો હતો, પરંતુ તે પણ લાંબી ઇનિંગ્સ રમી શક્યો નહીં અને ભારતીય ટીમ ૧૫૩ રનમાં સમેટાઈ ગઈ હતી. બીજી ઇનિંગ્સમાં મેદાન આવેલી આફ્રિકા ટીમની શરૂઆત પણ સારી રહી નહોતી અને સુકાની એલગર ૧૨ રન, ઝોર્ઝી અને સ્ટુબ્બસ ૧-૧ રનમાં આઉટ થઈ ગયા હતા. ભારત તરફથી મુકેશ કુમારે ૩ અને બુમરાહે ૧ વિકેટ ઝડપી હતી.
ADVERTISEMENT
૧૧ બૉલમાં ૬ ભારતીય બૅટ્સમેન આઉટ
ભારતીય ટીમ ૧૫૩ રનના સ્કોર પર ઑલઆઉટ થઈ ગઈ હતી, પણ મહત્ત્વની વાત એ છે કે જ્યારે ભારતનો સ્કોર ૪ વિકેટે ૧૫૩ રન હતો ત્યારે લાગતું નહોતું કે ભારત આજ સ્કોરમાં ઑલઆઉટ થઈ જશે, પણ ત્યાર બાદના માત્ર ૧૧ બૉલ કાફી હતા બાકીના ૬ બૅટ્સમેનને પેવિલિયન મોકલવા માટે. ૧૫૩ના સ્કોર બાદ માત્ર ૧૧ બૉલમાં બાકીના તમામ ૬ બૅટ્સમેન આઉટ થઈ જતાં તમામ ક્રિકેટચાહકો ચોંકી ઊઠ્યા હતા. ભારતે ૩૩ ઓવરમાં ૪ વિકેટે ૧૫૩નો સ્કોર કરી દીધો હતો. વિકાટ કોહલી અને કે. એલ. રાહુલ ક્રિઝ પર હતા. ૩૪મી ઓવર લઈને આવનાર એન્ગિડીએ પહેલા જ બૉલમાં કે. એલ. રાહુલને આઉટ કર્યો. ત્યાર બાદ ત્રીજા બૉલમાં રવીન્દ્ર જાડેજાને આઉટ કર્યો. તો પાંચમા બૉલમાં બુમરાહને આઉટ કર્યો. ત્યાર બાદ ૩૫મી ઓવરમાં રાબાડાએ બીજા બૉલમાં કોહલીને ૪૬ રનના સ્કોર પર આઉટ કર્યો. ત્યાર બાદ ચોથા બૉલમાં નૉન-સ્ટ્રાઇક પર સિરાજ રન આઉટ થઈ ગયો. ત્યાર બાદ પાંચમા બૉલમાં પ્રસિદ્ધ કૃષ્ણાને આઉટ કરી ભારતને ઑલઆઉટ કરી દીધું.
સાઉથ આફ્રિકા સામે ભારતે બનાવેલા રેકૉર્ડ્સનું લિસ્ટ
55: કેપટાઉનમાં સાઉથ આફ્રિકાનો ટેસ્ટ મૅચમાં આ સાતમો સૌથી ઓછો સ્કોર છે. જોકે ૧૯૩૨ બાદ ટેસ્ટમાં આ એનો સૌથી ઓછો સ્કોર છે. ૧૯૩૨માં મેલબર્નમાં ઑસ્ટ્રેલિયા સામે ૩૬ અને ૪૫ રન બનાવ્યા હતા.
1: સાઉથ આફ્રિકાનો આ સ્કોર ટેસ્ટ ક્રિકેટમાં ભારત સામે કોઈ પણ ટીમ દ્વારા બનાવવામાં આવેલો સૌથી ઓછો સ્કોર છે. આ પહેલાં આ રેકૉર્ડ ન્યુ ઝીલૅન્ડના નામે હતો. ૨૦૨૧માં વાનખેડે સ્ટેડિયમમાં કીવી ટીમ ૬૨ના સ્કોરમાં ઑલઆઉટ થઈ ગઈ હતી.
9.4: ભારતને પહેલી ઇનિંગ્સમાં લીડ મેળવવા માટે ૯.૪ ઓવર લાગી હતી. ૨૦૦૧ બાદ પુરુષ ટેસ્ટમાં આ સૌથી ઝડપી છે. આ પહેલાં સાઉથ આફ્રિકાએ ૨૦૦૫માં ઝિમ્બાબ્વે સામે અને ૨૦૧૩માં ન્યુ ઝીલૅન્ડ સામે ૧૧.૨ ઓવરમાં લીડ મેળવી હતી.
55: કેપટાઉનમાં સાઉથ આફ્રિકાનો ટેસ્ટ મૅચમાં આ સાતમો સૌથી ઓછો સ્કોર છે. જોકે ૧૯૩૨ બાદ ટેસ્ટમાં આ એનો સૌથી ઓછો સ્કોર છે. ૧૯૩૨માં મેલબર્નમાં ઑસ્ટ્રેલિયા સામે ૩૬ અને ૪૫ રન બનાવ્યા હતા.
2: મોહમ્મદ સિરાજે ૧૫ રન આપી ૬ વિકેટ ઝડપી છે. ટેસ્ટ ક્રિકેટના ઇતિહાસમાં પહેલા દિવસે લંચ પહેલાં આ સિદ્ધિ મેળવનાર સિરાજ બીજો ક્રિકેટર બન્યો. સિરાજથી પહેલાં માત્ર સ્ટુઅર્ટ બ્રોડના નામે આ રેકૉર્ડ છે. તેણે ૨૦૧૫માં ઑસ્ટ્રેલિયા સામે ટ્રેન્ટ બ્રિજમાં ૧૫ રનમાં ૮ વિકેટ ઝડપી હતી.
23.2: ભારતે ૨૩.૨ ઓવરમાં સાઉથ આફ્રિકાની પૂરી ટીમને ઑલઆઉટ કરી દીધી હતી, જે એક નવો રેકૉર્ડ છે. આ પહેલાં ૨૦૦૬માં જોહનિસબર્ગમાં સાઉથ આફ્રિકાને જ ૨૫.૧ ઓવરમાં ઑલઆઉટ કરી દીધી હતી.
1899: સાઉથ આફ્રિકા પોતાના ઘરમાં ૧૮૯૯માં આનાથી ઓછા સ્કોરમાં ઑલઆઉટ થઈ ગયું હતું. ત્યારે સાઉથ આફ્રિકા કેપટાઉનમાં જ ઇંગ્લૅન્ડ સામે ૩૫ના સ્કોરમાં ઑલઆઉટ થઈ ગયું હતું.
9: સિરાજે કુલ ૯ ઓવર ફેંકી હતી. કોઈ પણ ભારતીય બોલરે આટલી ઓછી ઓવર ફેંકીને ૬ વિકેટ ઝડપી નથી. વેન્કટેશ પ્રસાદે ૧૯૯૯માં ચેન્નઈમાં પાકિસ્તાન સામે ૧૦.૨ ઓવરમાં ૩૩ રન આપી ૬ વિકેટ ઝડપી હતી.
કેપટાઉનમાં જ્યારે ‘રામ સિયારામ’ ગીત વાગ્યું ત્યારે વિરાટ કોહલીએ હાથ જોડ્યા અને તીર ચડાવ્યું
ભારત અને સાઉથ આફ્રિકા વચ્ચેની બીજી અને અંતિમ ટેસ્ટ મૅચમાં વિરાટ કોહલીની ચર્ચા વિશ્વભરમાં થઈ રહી છે. વાત એમ છે કે સાઉથ આફ્રિકાના કેશન મહારાજ જ્યારે બૅટિંગ કરવા મેદાન પર ઊતર્યો ત્યારે સ્ટેડિયમમાં ડીજેએ આદિપુરુષ ફિલ્મનું ગીત ‘રામ સિયારામ’ વગાડ્યું. આ સાંભળીને વિરાટ કોહલી ખુશ થઈ ગયો અને તેણે હાથ જોડ્યા અને ભગવાન શ્રીરામની જેમ ધનુષ ચલાવવાની ઍક્શન કરી હતી. આ જોઈને સ્ટેડિયમમાં હાજર તમામ દર્શકો ખુશ થઈ ગયા હતા અને તાળીઓ પાડીને તેને વધાવી લીધો હતો. મહત્ત્વનું છે કે વિરાટ કોહલીનો આ અંદાજ લોકોને ઘણો જ ગમ્યો હતો અને હાલ તેનો આ વિડિયો સોશ્યલ મીડિયામાં વાઇરલ થઈ રહ્યો છે.

