ભારતે દુબઈમાં પાકિસ્તાન સામે ત્રણ વન-ડે મૅચ જીતીને અજેય રહેવાનો રેકૉર્ડ જાળવી રાખ્યો છે.
ગઈ કાલે પાકિસ્તાન સામે દુબઈમાં રમાયેલી વન-ડેમાં સેન્ચુરી મારીને મૅચ જીત્યા બાદ વિજયી મુદ્રામાં વિરાટ કોહલી.
કી હાઇલાઇટ્સ
- વન-ડેમાં ફાસ્ટેસ્ટ ૧૪,૦૦૦ રન
- ૪૬૫ દિવસ બાદ સેન્ચુરી ફટકારી
- સૌથી વધારે ૧૫૮ કૅચ પકડીને અઝહરુદ્દીનનો રેકૉર્ડ તોડ્યો
છેલ્લા થોડા સમયથી ઢચુપચુ લાગતા કોહલીએ ચૅમ્પિયન્સ ટ્રોફીની સૌથી મોટી મૅચમાં ક્લાસ દેખાડી દીધોઃ ૨૪૨ રનનો ટાર્ગેટ ઇન્ડિયાએ ૪૫ બૉલ બાકી રાખીને ચેઝ કરી લીધોઃ આની સાથે ભારતે સેમી ફાઇનલમાં મારી એન્ટ્રીઃ ડિફેન્ડિંગ ચૅમ્પિયન પાકિસ્તાન ટુર્નામેન્ટમાંથી ઑલમોસ્ટ આઉટ
કોહલીની ૫૧મી વન-ડે સેન્ચુરી સાથે ભારત ચૅમ્પિયન્સ ટ્રોફીની સેમી-ફાઇનલમાં પહોંચ્યું- દુબઈમાં પાકિસ્તાને આપેલા ૨૪૨ રનના ટાર્ગેટને ભારતે ૪૫ બૉલ પહેલાં ચાર વિકેટે ચેઝ કરી લીધો- સતત બે હાર સાથે ડિફેન્ડિંગ ચૅમ્પિયન પાકિસ્તાન ટુર્નામેન્ટમાંથી ઑલમોસ્ટ આઉટ થયું, ભારત ગ્રુપ-Aમાં બે જીત સાથે ટૉપ પર પહોંચ્યું
ADVERTISEMENT
ગઈ કાલે દુબઈ ઇન્ટરનૅશનલ સ્ટેડિયમમાં પાકિસ્તાન સામેની બહુચર્ચિત મૅચ ૬ વિકેટે જીતીને ભારતે ચૅમ્પિયન્સ ટ્રોફી માટે ગ્રુપ-Aમાંથી સેમી-ફાઇનલની ટિકિટ કન્ફર્મ કરી છે. પહેલી બૅટિંગ કરીને પાકિસ્તાન ૪૯.૪ ઓવરમાં ૨૪૧ રનમાં ઑલઆઉટ થયું હતું. જવાબમાં ભારતે વિરાટ કોહલીની ૫૧મી વન-ડે સેન્ચુરીની મદદથી ૪૨.૩ ઓવરમાં ચાર વિકેટે ૨૪૪ રન ફટકારીને ૨૪૨ રનનો ટાર્ગેટ ચેઝ કરી લીધો હતો. આ સાથે ચૅમ્પિયન્સ ટ્રોફીમાં ભારતે પાકિસ્તાન સામેનો હેડ-ટુ-હેડ રેકૉર્ડ ૩-૩થી બરાબર કર્યો હતો. ICC ટુર્નામેન્ટની બાવીસ મૅચમાં હવે ભારત-પાકિસ્તાનની જીતનો રેશિયો ૧૮ઃ૪ થયો છે. ભારતે દુબઈમાં પાકિસ્તાન સામે ત્રણ વન-ડે મૅચ જીતીને અજેય રહેવાનો રેકૉર્ડ જાળવી રાખ્યો છે.
વિરાટ કોહલીએ ધીરજપૂર્વક ૧૧૧ બૉલમાં માત્ર ૭ ચોગ્ગાની મદદથી ૧૦૦ રન કરીને ટીમને ૪૫ બૉલ પહેલાં જીત અપાવી હતી.
ટૉસ જીતીને બૅટિંગ કરવા ઊતરેલા પાકિસ્તાનના બૅટર્સ ભારતીય બોલર્સ સામે આક્રમક બૅટિંગ કરી શક્યા નહોતા. ૯.૨ ઓવરમાં ૪૭ રનના સ્કોર પર બે વિકેટ ગુમાવનાર પાકિસ્તાન માટે સાઉદ શકીલ (૭૬ બૉલમાં ૬૨ રન) અને કૅપ્ટન મોહમ્મદ રિઝવાન (૭૭ બૉલમાં ૪૬ રન)એ ત્રીજી વિકેટ માટે ૧૦૪ રનની પાર્ટનરશિપ કરી હતી. તેમના સિવાય માત્ર ખુશદિલ શાહ (૩૯ બૉલમાં ૩૮ રન)એ મહત્ત્વની ઇનિંગ્સ રમીને ટીમનો સ્કોર ૨૦૦ને પાર પહોંચાડ્યો હતો. ભારતીય સ્પિનર કુલદીપ યાદવે ૯ ઓવરમાં ૪૦ રન આપીને સૌથી વધુ ૩ વિકેટ લઈને પોતાની ૩૦૦ ઇન્ટરનૅશનલ વિકેટ પૂરી કરી હતી. તેના સિવાય હાર્દિક પંડ્યા (બે વિકેટ), હર્ષિત રાણા, અક્ષર પટેલ અને રવીન્દ્ર જાડેજાને ૧-૧ સફળતા મળી હતી.
ટાર્ગેટ ચેઝ કરવા ઊતરતાં જ ફરી વાઇસ-કૅપ્ટન શુભમન ગિલે (બાવન બૉલમાં ૪૬ રન) કૅપ્ટન રોહિત શર્મા (૧૫ બૉલમાં ૨૦ રન) સાથે ૩૦ બૉલમાં ૩૧ રન અને વિરાટ કોહલી સાથે બીજી વિકેટ માટે ૭૫ બૉલમાં ૬૯ રનની પાર્ટનરશિપ કરીને ટીમને શાનદાર શરૂઆત અપાવી હતી. અહીંથી સ્ટાર બૅટર વિરાટ કોહલીએ ધીરજપૂર્વક ૧૧૧ બૉલમાં માત્ર ૭ ચોગ્ગાની મદદથી ૧૦૦ રન કરીને ટીમને ૪૫ બૉલ પહેલાં જીત અપાવી હતી. તેણે મુંબઈકર શ્રેયસ ઐયર (૬૭ બૉલમાં ૫૬ રન) સાથે ત્રીજી વિકેટ માટે ૧૨૮ બૉલમાં ૧૧૪ રન કરીને જીત સુનિશ્ચિત કરી હતી. પાકિસ્તાનના બોલિંગ યુનિટમાંથી ફાસ્ટ બોલર શાહીન શાહ આફ્રિદીને બે વિકેટ, સ્પિનર્સ અબરાર અહમદ અને ખુશદિલ શાહને ૧-૧ વિકેટ મળી હતી.
મોહમ્મદ શમીએ જસપ્રીત બુમરાહનો ક્યો શરમજનક રેકૉર્ડ તોડ્યો?
ભારતના ફાસ્ટ બૉલર મોહમ્મદ શમીએ પાકિસ્તાન સામે ૮ ઓવરમાં ૪૩ રન આપ્યા, પણ એક પણ વિકેટ ઝડપી શક્યો નહોતો. તેણે પહેલી ઓવરમાં અગિયાર બૉલ (વાઇડ બૉલ સહિત) ફેંકીને ફાસ્ટ બોલર જસપ્રીત બુમરાહનો એક અનિચ્છનીય રેકૉર્ડ તોડ્યો હતો. ચૅમ્પિયન્સ ટ્રોફીમાં કોઈ ભારતીય દ્વારા ફેંકવામાં આવેલી સૌથી લાંબી ઓવર ફેંકવાનો વર્ષ ૨૦૧૭નો જસપ્રીત બુમરાહ (નવ બૉલ)નો રેકૉર્ડ શમીએ તોડ્યો હતો. મોહમ્મદ શમીએ પહેલી ઓવરમાં પાંચ વાઇડ બૉલ કર્યા હતા. ત્રીજી ઓવરમાં તેના પગમાં દુખાવો થતાં તેને થોડા સમય માટે ટીમના ફિઝિયો સાથે મેદાનની બહાર જવું પડ્યું હતું.
વન-ડેમાં ફાસ્ટેસ્ટ ૧૪,૦૦૦ રન હવે કોહલીના
વન-ડે ક્રિકેટમાં ૪૬૫ દિવસ બાદ સેન્ચુરી ફટકારીને વિરાટ કોહલીએ વન-ડેમાં ૫૧ અને ઇન્ટરનૅશનલ ક્રિકેટમાં ૮૨ સેન્ચુરી પૂરી કરી છે. ગઈ કાલે ૧૫મો રન લઈને કોહલીએ વન-ડેમાં ફાસ્ટેસ્ટ ૧૪,૦૦૦ રન કરવાનો રેકૉર્ડ પણ બનાવ્યો છે. તેણે ૨૮૭મી ઇનિંગ્સમાં આ કમાલ કરીને સચિન તેન્ડુલકર (૩૫૦ ઇનિંગ્સ)નો રેકૉર્ડ તોડ્યો છે.
ગ્રુપ-Aનું પૉઇન્ટ્સ-ટેબલ |
|||||
ટીમ |
મૅચ |
જીત |
હાર |
નેટ રન-રેટ |
પૉઇન્ટ |
ભારત |
૨ |
૨ |
૦ |
+૦.૬૪૭ |
૪ |
ન્યુ ઝીલૅન્ડ |
૧ |
૧ |
૦ |
+૧.૨૦૦ |
૨ |
બંગલાદેશ |
૧ |
૦ |
૧ |
-૦.૪૦૮ |
૦ |
પાકિસ્તાન |
૨ |
૦ |
૨ |
-૧.૦૮૭ |
૦ |
વન-ડેમાં સળંગ ૧૨ ટૉસ હારવાનો રેકૉર્ડ બનાવ્યો ટીમ ઇન્ડિયાએ
ગઈ કાલે દુબઈમાં ભારત અને પાકિસ્તાનની મૅચ પહેલાં ટીમ ઇન્ડિયાએ એક શર્મનાક રેકૉર્ડ પોતાને નામે કર્યો છે. પાકિસ્તાનના કૅપ્ટન મોહમ્મદ રિઝવાને ટૉસ જીતીને બૅટિંગ પસંદ કરી એની સાથે જ ભારતીય ટીમ સળંગ ૧૨ વન-ડે મૅચમાં ટૉસ હારનારી પહેલી ટીમ બની છે. આ સાથે નેધરલૅન્ડ્સ (૨૦૧૧થી ૨૦૧૩)નો સતત ૧૧ વન-ડેમાં ટૉસ હારવાનો શરમજનક વર્લ્ડ રેકૉર્ડ તૂટ્યો છે. ભારત નવેમ્બર ૨૦૨૩ની વન-ડે વર્લ્ડ કપ ફાઇનલથી તમામ ટૉસ હારી રહ્યું છે. રોહિત શર્મા પણ વન-ડેમાં સળંગ નવમો ટૉસ હાર્યો છે. આગામી ૪ મૅચ પણ જો ટૉસ હારશે તો તે વેસ્ટ ઇન્ડીઝના ભૂતપૂર્વ કૅપ્ટન બ્રાયન લારા (૧૯૯૮થી ૧૯૯૯)નો ૧૨ વન-ડે ટૉસ હારવાનો રેકૉર્ડ તોડી દેશે.
મુંબઈમાં લાગ્યો સ્વયંભૂ કરફ્યુ
રવિવારે મુંબઈમાં લોકો પરિવાર સાથે બહાર ફરવા નીકળે છે એટલે જુહુ-ચોપાટી, ગેટ-વે-ઑફ ઇન્ડિયા અને મરીન ડ્રાઇવમાં ભારે ગિરદી જોવા મળે છે. ગઈ કાલે ચૅમ્પિયન્સ ટ્રોફીમાં ભારત અને પાકિસ્તાન વચ્ચે મૅચ હોવાથી રવિવાર હોવા છતાં વરલી સી-ફેસ પાસે સન્નાટો હતો. મુંબઈના બીજા વિસ્તારોમાં પણ કરફ્યુ લાદવામાં આવ્યો હોય એમ રસ્તામાં ચકલુંય નહોતું ફરક્યું. (તસવીર: આશિષ રાજે)

