આજથી બૅન્ગલોરમાં ટીમ ઇન્ડિયા અને ન્યુ ઝીલૅન્ડ વચ્ચે ત્રણ મૅચની સિરીઝની પ્રથમ ટેસ્ટ. બંગલાદેશ સામેની બીજી ટેસ્ટમાં ત્રણેક દિવસની રમત ધોવાઈ ગઈ હોવા છતાં રોહિત ઍન્ડ કંપનીએ T20 સ્ટાઇલમાં રમીને રોમાંચક વિજય મેળવ્યો હતો
બૅન્ગલોર એમ. ચિન્નાસ્વામી સ્ટેડિયમ
બંગલાદેશ સામે ૨-૦થી રોમાંચક જીત મેળવ્યા બાદ આજથી ન્યુ ઝીલૅન્ડ સામેની ત્રણ મૅચની સિરીઝની પ્રથમ ટેસ્ટ બૅન્ગલોરના એમ. ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં (સવારે ૯.૩૦ વાગ્યાથી) શરૂ થઈ રહી છે. છેલ્લા કેટલાક દિવસથી બૅન્ગલોરમાં પડી રહેલા વરસાદને લીધે ગઈ કાલે પ્રૅક્ટિસ સેશનમાં ખલેલ પડી હતી અને પિચ પર પણ કવર હોવાથી બન્ને ટીમ તેમની પ્લેઇંગ-ઇલેવનની જાહેરાત હજી સુધી નથી કરી શકી.
કિવીઓનો પણ કરવો છે વાઇટવૉશ
ભારતીય ટીમે જ્યારે બંગલાદેશ સામેની ટેસ્ટથી હોમ સીઝનની શરૂઆત કરી ત્યારે વર્લ્ડ ટેસ્ટ ચૅમ્પિયનશિપની ફાઇનલ પહેલાંની બાકી રહેલી ૧૦ ટેસ્ટમાંથી ફાઇનલમાં સ્થાન પાકું કરવા સાતમાં વિજય મેળવવો જરૂરી હતો. અમુક સંજોગોમાં ભારતીય ટીમ પાંચ ટેસ્ટ જીતે તો પણ ફાઇનલ પ્રવેશ નિશ્ચિત કરી શકે એમ છે. આથી બંગલાદેશ સામેની બન્ને ટેસ્ટમાં વિજય બાદ હવે કિવીઓને પણ ૩-૦થી હરાવી ભારતીય ટીમ ઑસ્ટ્રેલિયાની ટફ સિરીઝ પહેલાં નિશ્ચિંત થઈ જવા માગતી હોવાથી રોહિત ઍન્ડ કંપની કિવીઓના વાઇટવૉશના મક્કમ ઇરાદા સાથે મેદાનમાં ઊતરશે.
ADVERTISEMENT
મિશન વર્લ્ડ ચૅમ્પિયનશિપની ફાઇનલને લીધે ટીમ ઇન્ડિયા કિવીઓ સામે ત્રણેય ટેસ્ટ ગમે તે ભોગે જીતવા માગે છે. આથી જો બૅન્ગલોરમાં વરસાદ વિઘ્ન નાખશે તો ટીમ ઇન્ડિયા ફરી કાનપુરવાળી કમાલ કરવા તૈયારી કરી રહી છે. બંગલાદેશ સામેની કાનપુરમાં રમાયેલી ટેસ્ટમાં ઑલમોસ્ટ ત્રણેક દિવસ વરસાદે ધોઈ નાખવા છતાં ભારતીય ટીમે T20 સ્ટાઇલમાં રમીને રોમાંચક વિજય મેળવ્યો હતો.
કોશિશ જીતવાની જ રહેશે: રોહિત
પ્લેઇંગ ઇલેવન કેવી હશે એવા સવાલના જવાબમાં ગઈ કાલે રોહિતે જણાવ્યું હતું કે ‘પ્લેઇંગ ઇલેવનની પસંદગી પરિસ્થિતિઓ પર નિર્ભર રહેશે. આજે અહીં વરસાદ પડી રહ્યો છે. પિચ પર કવર્સ છે. કાલે સવારે અમે નિર્ણય લઈશું કે ત્રણ ફાસ્ટ બોલર સાથે મેદાનમાં ઊતરવું છે કે બે. અમે બધા જ વિકલ્પો ખુલ્લા રાખ્યા છે.’
અમે એક જ સ્ટાઇલમાં રમવા નથી માગતા એમ જણાવીને રોહિતે વધુમાં કહ્યું હતું કે ‘અમે પરિસ્થિતિઓ પ્રમાણે રમવા માગીએ છીએ. કાનપુરમાં બે દિવસ સાવ જ ધોવાઈ ગયા બાદ અમે જીત માટે પ્રયાસ કરવાનો નિર્ણય લીધો હતો. મને ખબર નથી અહીં શું થવાનું છે. અમારી કોશિશ મૅચ જીતવાની જ રહેશે.’
ગિલ ડાઉટફુલ
ટીમ ઇન્ડિયાના બે યુવા સ્ટાર શુભમન ગિલ અને યશસ્વી જાયસવાલ પર આ સિરીઝમાં પણ નજર રહેશે. ઑસ્ટ્રેલિયાની ટફ સિરીઝ પહેલાં આ બન્ને યુવા બૅટરો સીમ બોલિંગ સામેની તેમની નબળાઈ દૂર કરી લે એવું ટીમ-મૅનેજમેન્ટ ઇચ્છી રહ્યું છે. યશસ્વી ૨૦ ઇનિંગ્સમાંથી ૧૨ વાર પેસર સામે આઉટ થયો છે. ગિલને બંગલાદેશના યુવા પેસરોએ ખૂબ પરેશાન કર્યો હતો. જોકે અહેવાલ પ્રમાણે શુભમન ગિલની ગરદન જકડાઈ ગઈ છે અને જો મૅચ પહેલાં સમસ્યા દૂર નહીં થઈ તો મૅચમાંથી બહાર થઈ જશે. જોકે ફિઝિયો ગિલ સંપૂર્ણ ફિટ થઈ જાય એ માટે ખૂબ મહેનત કરી રહ્યા છે. જો ગિલ ન રમ્યો તો ટીમ-મૅનેજમેન્ટ ત્રીજા ક્રમાંકે તેના સ્થાને કાં તો વિરાટને અથવા કે. એલ. રાહુલને પ્રમોટ કરી શકે છે. ગિલે બંગલાદેશ સામે ચેન્નઈ ટેસ્ટમાં ૧૧૯ રનની ઇનિંગ્સ રમીને જીતમાં મહત્ત્વનો રોલ ભજવ્યો હોવાથી આ મૅચમાં ન રમ્યો તો તેની કમી મહેસૂસ થશે. ગિલના સ્થાને ટીમમાં સરફરાઝ ખાનને મોકો મળી શકે છે.
કિવીઓને લાગ્યો ઝટકો, ઇન્જર્ડ પેસર સીઅર્સ સિરીઝમાંથી આઉટ
પહેલી મૅચ પહેલાં જ ન્યુ ઝીલૅન્ડને ગઈ કાલે વધુ એક ઝટકો લાગ્યો હતો. પેસ બોલર બેન સીઅર્સ ઘૂંટણની ઈજાને લીધે પૂરી સિરીઝમાંથી આઉટ થઈ ગયો છે. ટીમ-મૅનેજમેન્ટે તેના સ્થાને પેસ બોલર જેકબ ડફીને મોકો આપ્યો છે. ડફીએ હજી સુધી એક પણ ટેસ્ટ નથી રમી. કિવી ટીમ ઇન્જર્ડ કૅપ્ટન કેન વિલિયમસન્સ વગર જ ભારત આવી છે.
3- વધુ આટલી સિક્સર સાથે ભારતીય ટીમ આ વર્ષમાં ટેસ્ટમાં સિક્સરોની સેન્ચુરી પૂરી કરશે. આવી કમાલ કરનાર એ પ્રથમ ટીમ બની જશે. એક વર્ષમાં સૌથી વધુ ૮૯ સિક્સરોનો ઇંગ્લૅન્ડનો રેકૉર્ડ ભારતે બંગલાદેશ સામેની સિરીઝમાં જ તોડી નાખ્યો હતો.
હેડ ટુ હેડ
બન્ને દેશો વચ્ચે ૧૯૫૫થી અત્યાર સુધી ૬૨ ટેસ્ટ રમાઈ છે અને ભારતે સૌથી વધુ બાવીસમા જીત મેળવી છે, જ્યારે કિવીઓનો ૧૩માં વિજય થયો છે. ૨૭ ટેસ્ટ-મૅચ ડ્રૉ રહી છે. છેલ્લી પાંચ મૅચની વાત કરીએ તો કિવીઓએ ૩ અને ભારતે એક જીતી છે તેમ જ એક ટેસ્ટ ડ્રૉ રહી છે.
બૅન્ગલોરમાં છેલ્લે ભારત અને ન્યુ ઝીલૅન્ડ વચ્ચે ૨૦૧૨માં ટક્કર થઈ હતી જેમાં ટીમ ઇન્ડિયાનો પાંચ વિકેટે શાનદાર વિજય થયો હતો. એ જીતનો હીરો વિરાટ કોહલી બન્યો હતો. પહેલી ઇનિંગ્સમાં તે ૧૦૩ રનની શાનદાર ઇનિંગ્સ રમ્યો હતો. બૅન્ગલોરવાસીઓ ૧૨ વર્ષ બાદ તેમનો લાડલો ફરી એવી કમાલ કરીને ભારતને જીત અપાવે એવી આશા સાથે સ્ટેડિયમમાં ઊમટી પડશે.
53- વિરાટ વધુ આટલા રન બનાવતાં જ ટેસ્ટમાં ૯૦૦૦ રનનો માઇલસ્ટોન હાંસલ કરી લેશે. આવી કમાલ કરનાર તે દુનિયાનો ૧૮મો તેમ જ સચિન તેન્ડુલકર (૧૫,૯૨૧), રાહુલ દ્રવિડ (૧૩,૨૬૫) અને સુનીલ ગાવસકર (૧૦,૧૨૨) બાદ ચોથો ભારતીય બૅટર બની જશે.