Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


Aarti and bhajan Aarti and bhajan
હોમ > સ્પોર્ટ્સ સમાચાર > ક્રિકેટ > આર્ટિકલ્સ > કિવીઓએ ૨૧મી સદીમાં પહેલી વાર અને ૩૬ વર્ષ બાદ ભારતને એની જ ધરતી પર ટેસ્ટમાં હરાવ્યું

કિવીઓએ ૨૧મી સદીમાં પહેલી વાર અને ૩૬ વર્ષ બાદ ભારતને એની જ ધરતી પર ટેસ્ટમાં હરાવ્યું

Published : 21 October, 2024 09:00 AM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

પહેલા જ સેશનમાં ૧૦૭ રનનો ટાર્ગેટ ચેઝ કરીને ત્રણ મૅચની સિરીઝમાં ન્યુ ઝીલૅન્ડે ૧-૦થી લીડ મેળવી લીધી

ભારત સામેની ટેસ્ટ મૅચ જીત્યા બાદ વિલ યંગ અને મૅન ઑફ ધ મૅચ રાચિન રવીન્દ્રના ચહેરા પર ખુશી જોવા મળી હતી.

ભારત સામેની ટેસ્ટ મૅચ જીત્યા બાદ વિલ યંગ અને મૅન ઑફ ધ મૅચ રાચિન રવીન્દ્રના ચહેરા પર ખુશી જોવા મળી હતી.


૧૦૭ રનનો ટાર્ગેટ ડિફેન્ડ ન કરી શકી ભારતીય ટીમ, જસપ્રીત બુમરાહ જ લઈ શક્યો બે વિકેટ


બૅન્ગલોરમાં એમ. ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં  ટેસ્ટ-સિરીઝની પહેલી મૅચમાં ભારતને ૮ વિકેટે હરાવીને ૩૬ વર્ષ બાદ ભારતની ધરતી પર ટેસ્ટ જીતવાનો સ્વાદ ચાખ્યો હતો. પાંચમા અને અંતિમ દિવસે ન્યુ ઝીલૅન્ડને જીતવા માટે ૧૦૭ રન અને ભારતને ૧૦ વિકેટની જરૂર હતી. ભીના આઉટફીલ્ડને કારણે મૅચ સવારે ૯.૧૫ને બદલે ૧૦.૧૫ વાગ્યે શરૂ થઈ હતી. બપોરે ૧૨.૩૦ વાગ્યે પહેલું સેશન સમાપ્ત થાય એની ૧૦ મિનિટ પહેલાં ન્યુ ઝીલૅન્ડે બે વિકેટના ભોગે ૧૧૦ રન બનાવીને ટાર્ગેટ ચેઝ કરી લીધો હતો. પ્રથમ બૅટિંગ પસંદ કરનાર ભારતીય ટીમે પહેલી ઇનિંગ્સમાં ૪૬ અને બીજી ઇનિંગ્સમાં ૪૬૨ રન કર્યા હતા, જ્યારે ન્યુ ઝીલૅન્ડે પહેલી ઇનિંગ્સમાં ૪૦૨ રન કર્યા હતા.



પહેલા સેશનમાં વિલ યંગ ૪૮ રન અને રાચિન રવીન્દ્ર ૩૯ રન બનાવીને અણનમ રહ્યા હતા. નવા બૉલને સંભાળતા ફાસ્ટ બોલર જસપ્રીત બુમરાહે ૧૯ ઓવરમાં ૨૯ રન આપીને બે વિકેટ લીધી હતી, પણ ઓપનિંગ જોડીને આઉટ કરનાર બુમરાહને ન્યુ ઝીલૅન્ડને રોકવા માટે બીજા બોલરનો સાથ નહોતો મળી શક્યો.


ન્યુ ઝીલૅન્ડની ટીમે ૨૧મી સદીમાં પહેલી વાર અને ઑલમોસ્ટ ૩૬ વર્ષ બાદ ભારતની ધરતી પર ભારતીય ટીમ સામે ટેસ્ટમાં જીત મેળવી હતી. છેલ્લે ન્યુ ઝીલૅન્ડે ૧૯૮૮માં વાનખેડે સ્ટેડિયમમાં જૉન રાઇટની કૅપ્ટન્સીમાં ભારતને ૧૩૬ રનથી હરાવ્યું હતું. ટેસ્ટ-ઇતિહાસમાં ભારતની ધરતી પર એ માત્ર ટેસ્ટ જીત્યું છે. ન્યુ ઝીલૅન્ડે ૧૯૬૯માં નાગપુરમાં ભારતને પહેલી વાર એની જ ધરતી પર ૧૬૭ રને હરાવ્યું હતું.  ૧૯૮૮માં ભારતમાં છેલ્લી વાર જીત્યા બાદ કિવીઓની ૯ ટેસ્ટ ડ્રૉ ગઈ હતી, જ્યારે ૧૦ ટેસ્ટમાં એને હાર મળી હતી.

ભારત ૧૯ વર્ષ બાદ એમ. ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં ટેસ્ટ હાર્યું છે. છેલ્લે ૨૦૦૫માં પાકિસ્તાને ભારતને ટેસ્ટમાં ૧૬૮ રને હરાવ્યું હતું. ત્યાર બાદ આ મેદાન પર ભારત પાંચ ટેસ્ટ જીત્યું અને ત્રણ મૅચ ડ્રૉ રહી હતી. છેલ્લાં ૧૦ વર્ષમાં ઑસ્ટ્રેલિયા અને ઇંગ્લૅન્ડ બાદ ન્યુ ઝીલૅન્ડની ટીમ ભારતને ઘરઆંગણે ટેસ્ટમાં હરાવવામાં સફળ રહી છે. બૅન્ગલોરમાં વરસાદને કારણે પહેલા દિવસની રમત ધોવાઈ ગઈ હતી અને બાકીના દિવસોમાં સમય પણ વેડફાયો હતો. જોકે બન્ને ટીમની આક્રમક રમતથી આ ટેસ્ટ રસપ્રદ બની રહી હતી.


CSKની મદદથી રાચિન રવીન્દ્રએ કરી હતી ભારતને હરાવવાની તૈયારી

ન્યુ ઝીલૅન્ડનો ઑલરાઉન્ડર રાચિન રવીન્દ્ર બૅન્ગલોર ટેસ્ટમાં પહેલી ઇનિંગ્સમાં ૧૩૪ રન અને બીજી ઇનિંગ્સમાં અણનમ ૩૯ રન કરીને પ્લેયર ઑફ ધ મૅચનો અવૉર્ડ 
જીત્યો હતો. ૨૪ વર્ષના આ ભારતીય મૂળના ક્રિકેટરે પોતાના સેકન્ડ હોમ પર શાનદાર પ્રદર્શન કર્યા બાદ ચોંકાવનારો ખુલાસો કરતાં કહ્યું હતું કે ‘સિરીઝ પહેલાં ચેન્નઈમાં તૈયારી કરતી વખતે હું લાલ અને કાળી માટીની પિચનો અનુભવ કરવાનો પ્રયાસ કરી રહ્યો હતો અને એ જાણવાની કોશિશ કરી રહ્યો હતો કે હું કઈ પરિસ્થિતિમાં વિવિધ બોલરોનો સામનો કરી શકીશ. ચેન્નઈ સુપર કિંગ્સ (CSK)ના કૅમ્પમાં એક શાનદાર સેટઅપ, ઓપન વિકેટ, અલગ-અલગ વિકેટ, દરરોજ નેટ-બોલર્સનો એક અમૂલ્ય અનુભવ હતો.’ CSKએ IPL 2024માં તેને ૧.૮૦ કરોડ રૂપિયામાં ખરીદ્યો હતો. તેણે આ મૅચમાં શાનદાર પ્રદર્શન બાદ પ્રૅક્ટિસની સુવિધા આપવા બદલ પોતાની ફ્રૅન્ચાઇઝીનો આભાર માન્યો હતો.

ન્યુ ઝીલૅન્ડ છેલ્લે જીત્યું ત્યારે બાવીસમાંથી માત્ર ૪ ક્રિકેટર્સનો જન્મ થયો હતો
૧૯૮૮ની ૨૯ નવેમ્બરે જ્યારે ન્યુ ઝીલૅન્ડ છેલ્લી વાર ભારતની ધરતી પર ભારત સામે ટેસ્ટ જીત્યું હતું ત્યારે બૅન્ગલોર ટેસ્ટમાં રમી રહેલા બાવીસમાંથી માત્ર ૪ ક્રિકેટરનો જ જન્મ થયો હતો. ૩૭ વર્ષનો રોહિત શર્મા એ સમયે એક વર્ષ, સાત મહિનાનો, ૩૫ વર્ષનો વિરાટ કોહલી માત્ર ૨૪ દિવસનો, ૩૫ વર્ષનો એજાઝ પટેલ ૪૦ દિવસનો અને ૩૮ વર્ષનો આર. અશ્વિન બે વર્ષ બે મહિનાની ઉંમર ધરાવતો હતો. બાકીના ૧૮ ક્રિકેટર્સનો એ સમયે જન્મ જ નહોતો થયો.

 ન્યુ ઝીલૅન્ડે સારી બોલિંગ કરી અને અમે નિષ્ફળ રહ્યા. આવી મૅચો થતી રહે છે. અમે એને ભૂલી જઈશું અને આગળ વધીશું.  - રોહિત શર્મા

 ૩૬ વર્ષ પછી ટેસ્ટ જીતવાનો અહેસાસ ખાસ છે, પરંતુ ભારત આ સિરીઝમાં કાઉન્ટર અટૅક કરવાની ક્ષમતા ધરાવે છે. - ન્યુ ઝીલૅન્ડનો કૅપ્ટન ટૉમ લૅથમ

WTC પૉઇન્ટ-ટેબલમાં બે સ્થાનનો ફાયદો : હાર્યા છતાં ભારત હજી નંબર-વન
બૅન્ગલોર ટેસ્ટમાં હાર્યા બાદ વર્લ્ડ ટેસ્ટ ચૅમ્પિયનશિપ (WTC)ના પૉઇન્ટ-ટેબલમાં ભારતીય ટીમની પૉઇન્ટ ટકાવારી ૭૪.૨૪થી ઘટીને ૬૮.૦૬ થઈ ગઈ છે, પરંતુ ભારતીય ટીમ હજી પણ પૉઇન્ટ-ટેબલમાં પ્રથમ સ્થાને છે અને એને માટે WTCની ફાઇનલના દરવાજા ખુલ્લા છે. ૨૦૨૩-’૨૫ની આ સીઝનમાં ભારત ૧૨માંથી ૮ મૅચ જીત્યું અને ૩ મૅચ હાર્યું છે, જ્યારે એક મૅચ ડ્રૉ રહી છે. ભારત હજી ન્યુ ઝીલૅન્ડ સામે બે અને ઑસ્ટ્રેલિયા સામે પાંચ ટેસ્ટ રમવાનું છે.

જીત બાદ ન્યુ ઝીલૅન્ડની ટીમને બે સ્થાનનો ફાયદો થયો છે. ન્યુ ઝીલૅન્ડ ૪૪.૪૪ પૉઇન્ટ ટકાવારી સાથે ચોથા ક્રમે છે, જ્યારે ઑસ્ટ્રેલિયા (૬૨.૫૦ ટકા) બીજા ક્રમે અને શ્રીલંકા (૫૫.૫૬ ટકા) ત્રીજા ક્રમે છે. ન્યુ ઝીલૅન્ડ ભારત સામેની બાકીની બે અને ઇંગ્લૅન્ડ સામેની ઘરઆંગણાની ત્રણ મૅચની સિરીઝમાં શાનદાર પ્રદર્શન કરીને ટૉપ-ટૂમાં પહોંચી શકે છે. ન્યુ ઝીલૅન્ડની જીત સાથે ફાઇનલમાં પહોંચવાની આ રેસ રસપ્રદ બની છે.

Whatsapp-channel Whatsapp-channel

21 October, 2024 09:00 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK