ભારતીય ક્રિકેટ ટીમનો બચાવ કરતાં હેડ કોચ ગૌતમ ગંભીરે કહ્યું...
પુણેના પિચ ક્યુરેટર સાથે ચર્ચા કરતા ભારતીય ટીમના કૅપ્ટન અને હેડ કોચ.
પુણે ટેસ્ટમાં સૌની નજર ભારતીય ટીમની પ્લેઇંગ-ઇલેવન પર રહેશે. યુવા સ્ટાર શુભમન ગિલ ગળાની ઇન્જરી બાદ ટેસ્ટમાં વાપસી માટે તૈયાર છે ત્યારે કે. એલ. રાહુલ અને સરફરાઝ ખાનમાંથી કોને ડ્રૉપ કરવામાં આવશે એ ચર્ચાએ વેગ પકડ્યો છે. સાધારણ પ્રદર્શનને કારણે કે. એલ. રાહુલની બાદબાકી થાય એ સ્વાભાવિક લાગી રહ્યું છે, કારણ કે તે બંગલાદેશ સામેની ટેસ્ટ-સિરીઝમાં કુલ ૧૦૬ રન અને ન્યુ ઝીલૅન્ડ સામેની પહેલી ટેસ્ટમાં માત્ર ૧૨ રન ફટકારી શક્યો છે પણ ગઈ કાલે પ્રેસ-કૉન્ફરન્સમાં હેડ કોચ ગૌતમ ગંભીરે ભારતીય ટીમ સાથે તેનો પણ બચાવ કરીને સૌને અસમંજસમાં મૂક્યા હતા.
ચાલો જાણીએ હેડ કોચે પુણે ટેસ્ટ પહેલાં કઈ મહત્ત્વની વાત કહી હતી...
ADVERTISEMENT
રિષભ પંતની ફિટનેસની કોઈ સમસ્યા નથી અને તે વિકેટકીપિંગ કરશે. અમારે ફાસ્ટ બોલર્સનું પણ ધ્યાન રાખવું પડશે. ઑસ્ટ્રેલિયા ટૂર પહેલાં જસપ્રીત બુમરાહના વર્કલોડ વિશે પુણે ટેસ્ટ બાદ નિર્ણય લેવામાં આવશે.
શુભમન ગિલ વાપસી નથી કરી રહ્યો, તે ટીમમાં પહેલાંથી જ હતો. તે છેલ્લી મૅચમાં ઈજાગ્રસ્ત થયો હતો જેના કારણે તે રમી શક્યો નહોતો.
જો તમે કાનપુરમાં અમારી રમતનો આનંદ માણ્યો હોય તો તમારે બૅન્ગલોર ટેસ્ટ જેવા દિવસો પણ સ્વીકારવા પડશે. સારી વાત એ છે કે ૪૬ રનમાં ઑલઆઉટ થવા છતાં અમે ટેસ્ટ જીતવાનો પ્રયાસ કરી રહ્યા હતા. અમે આ પ્રકારનું ક્રિકેટ રમવા માગીએ છીએ. અમારું અંતિમ લક્ષ્ય કોઈ પણ કિંમતે જીતવાનું છે.
સોશ્યલ મીડિયાથી કોઈ ફરક પડતો નથી. ટીમ-મૅનેજમેન્ટ અને નેતૃત્વ શું વિચારે છે એ મહત્ત્વનું છે. કે. એલ. રાહુલ સારી બૅટિંગ કરી રહ્યો છે અને કાનપુરમાં ૬૮ રનની સારી ઇનિંગ્સ રમ્યો છે. મને ખાતરી છે કે તે જાણે છે કે તેણે મોટી ઇનિંગ્સ રમવી છે અને તે રમી શકે છે. આ કારણે ટીમ તેની સાથે છે. ઇન્ટરનૅશનલ ક્રિકેટમાં દરેક વ્યક્તિ પર કમેન્ટ કરવામાં આવે છે.