Gujarati Mid-day
Happiest Places to Work

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ

બ્રેકિંગ સમાચાર

App banner App banner
હોમ > સ્પોર્ટ્સ સમાચાર > ક્રિકેટ > આર્ટિકલ્સ > રાજકોટ ટેસ્ટમાં હાર્યા બાદ પણ અંગ્રેજોની અક્કડ ઓછી નથી થઈ

રાજકોટ ટેસ્ટમાં હાર્યા બાદ પણ અંગ્રેજોની અક્કડ ઓછી નથી થઈ

Published : 21 February, 2024 07:04 AM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

વિશાખાપટ્ટનમ અને રાજકોટમાં ખરાબ રીતે હાર્યા બાદ પણ ઇંગ્લૅન્ડની ટીમ પોતાની રણનીતિમાં કોઈ ફેરફાર કરશે નહીં

બ્રેન્ડન મૅક્લમ, ભૂતપૂર્વ ઑસ્ટ્રેલિયન કૅપ્ટન ઇયાન ચૅપલ

બ્રેન્ડન મૅક્લમ, ભૂતપૂર્વ ઑસ્ટ્રેલિયન કૅપ્ટન ઇયાન ચૅપલ


છેલ્લાં બે વર્ષમાં બાઝબૉલ સ્ટાઇલથી ટેસ્ટ-ક્રિકેટને બદલનાર ઇંગ્લૅન્ડની ટીમની ભારતમાં હવા નીકળી ગઈ છે. ટેસ્ટ-ક્રિકેટમાં ટી૨૦ સ્ટાઇલમાં બૅટિંગ કરવાની અંગ્રેજોની રણનીતિ વિશાખાપટ્ટનમ અને રાજકોટમાં કામ ન લાગી. રાજકોટની ધરતી પર ઇંગ્લિશ ટીમે ભારત સામે ૪૩૪ રનની હારનો સામનો કરવો પડ્યો હતો. ૧૯૩૪ બાદ ઇંગ્લૅન્ડની આ સૌથી મોટી હારમાંથી એક હતી. બાઝબૉલની હવા નીકળતાં જ ક્રિકેટફૅન્સ અને ભૂતપૂર્વ ક્રિકેટર્સ ઇંગ્લિશ ટીમની ભારે ટીકા કરી રહ્યા છે. આ આલોચનાઓ વચ્ચે ઇંગ્લૅન્ડ ટીમના કોચ બ્રેન્ડન મૅક્લમે મોટો દાવો કર્યો છે. 


ઇંગ્લૅન્ડના કોચ બ્રેન્ડન મૅક્લમે એક ઇન્ટરવ્યુમાં જણાવ્યું હતું કે ‘ત્રીજી ટેસ્ટમાં ભારત સામેની કારમી હાર ભાવનાત્મક રીતે ચોક્કસપણે નુકસાન પહોંચાડનારી હતી, પણ અમે પાંચ મૅચની સિરીઝની બાકીની મૅચોમાં આક્રમક બૅટિંગ કરવાના ‘બાઝબૉલ’ અભિગમને વળગી રહીશું. અમે પાસાં પલટીશું અને ભારતને ફરીથી દબાણમાં લાવવાનો પ્રયાસ કરીશું. લોકોને તેમનો અભિપ્રાય વ્યક્ત કરવાની સ્વતંત્રતા છે, પરતું અમે અમારી વ્યૂહરચનાને વળગી રહીશું.’ 



ડકેટની બોલતી બંધ કરી દીધી 
યશસ્વી જયસ્વાલની ડબલ સેન્ચુરી પર સવાલ પુછાતાં ઇંગ્લૅન્ડના સ્ટાર બૅટ્સમૅન બેન ડકેટે વિચિત્ર નિવેદન આપ્યું હતું કે ‘જ્યારે તમે વિરોધી ટીમના ખેલાડીને આ રીતે રમતા જુઓ છો ત્યારે એવું લાગે છે કે આપણે શ્રેય લેવો જોઈએ કે તેઓ અન્ય લોકો કરતાં અલગ રમી રહ્યા છે. એ જોવું રોમાંચક છે કે અન્ય ખેલાડી અને અન્ય ટીમ પણ અમારી આક્રમક શૈલીથી ક્રિકેટ રમી રહ્યાં છે. યશસ્વી આવનારા સમયનો સુપરસ્ટાર છે. જોકે અમારા માટે આ દુર્ભાગ્યપૂર્ણ છે કે તે આ સમયે સારા ફૉર્મમાં છે.’ 


ઇંગ્લૅન્ડના ભૂતપૂર્વ કૅપ્ટન નાસિર હુસેને ડકેટના નિવેદન પર નારાજગી વ્યક્ત કરતાં કહ્યું કે ‘તે તમારી પાસેથી શીખ્યો નથી. તે તેના ઉછેર દરમ્યાન આ શીખ્યો છે. બૅટિંગ કરતી વખતે તેણે જે મહેનત કરવી પડી હતી એ તમામ તે આઇપીએલમાંથી શીખ્યો છે. ગમે તે થાય, તેનું વલણ એવું છે કે હું તેને જોઈશ અને તેની પાસેથી કંઈક શીખીશ. જો કંઈ પણ થાય તો તમે તેને જુઓ અને એમાંથી શીખો. હું આશા રાખું છું કે કંઈક આત્મનિરીક્ષણ કરવામાં આવશે.’ 

ઇંગ્લૅન્ડના ભૂતપૂર્વ કૅપ્ટન માઇકલ વૉને એક કૉલમમાં લખ્યું છે કે ‘ઇંગ્લૅન્ડના ખેલાડીઓની વાત સાંભળીને એવું લાગે છે કે કંઈ ખોટું નથી થઈ રહ્યું. જેમ્સ ઍન્ડરસન કહી રહ્યો છે કે વિશાખાપટ્ટનમમાં ઇંગ્લિશ ટીમ ૬૦૦ રનનો પીછો કરી શકી હોત. બેન ડકેટ કહી રહ્યો છે કે ટાર્ગેટ જેટલું ઊંચું હશે એટલું ટીમ માટે સારું રહેશે. માઇકલ વૉન એક રીતે ઇંગ્લૅન્ડની ટીમને  આત્મનિરીક્ષણ કરવાની સલાહ આપી રહ્યો છે. 


ચૅપલે આપી અમૂલ્ય સલાહ 
ભૂતપૂર્વ ઑસ્ટ્રેલિયન કૅપ્ટન ઇયાન ચૅપલે ઇંગ્લૅન્ડના આઉટ ઑફ ફૉર્મ બૅટ્સમૅન જો રૂટને મહત્ત્વની સલાહ આપતાં કહ્યું કે ‘વાઇડ વર્લ્ડ ઑફ સ્પોર્ટ્સ’માં ‘બાઝબોલ’ ખૂબ નબળી વ્યૂહરચના છે. તેની નૅચરલ રમત સાથે રૂટનો રેકૉર્ડ અદ્ભુત છે. તે તેની નૅચરલ રમતથી પણ પ્રમાણમાં ઝડપથી રન બનાવી શકે છે. મને ખબર નથી કે તે તેની રમતમાં આટલો બધો ફેરફાર કેમ કરી રહ્યો છે. રૂટ ભારત સામેની પાંચ મૅચની સિરીઝમાં રન બનાવવા માટે સંઘર્ષ કરી રહ્યો છે. છેલ્લી ૬ ઇનિંગ્સમાં તેનો સર્વોચ્ચ સ્કોર ૨૯ રનનો રહ્યો છે.

Whatsapp-channel Whatsapp-channel

21 February, 2024 07:04 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK