ગઈ કાલે કલકત્તામાં શરૂ થયેલી પાંચ મૅચની T20 સિરીઝની પહેલી મૅચમાં ભારતે ઇંગ્લૅન્ડને કચડી નાખ્યું હતું
અભિષેક શર્માએ આક્રમક ૭૯ રન ફટકાર્યા હતા, સ્પિનર વરુણ ચક્રવર્તીએ ત્રણ વિકેટ લીધી હતી.
૭ વિકેટથી આસાન વિજય : ઇંગ્લૅન્ડ ૧૩૨ રનમાં ઑલઆઉટ, ભારતે ૧૨.૫ ઓવરમાં ત્રણ વિકેટે કરી લીધા ૧૩૩ : અંગ્રેજ કૅપ્ટન જોસ બટલરે એકલવીર બનીને ૬૮ રન કર્યા, બાકીના દસમાંથી કોઈએ ૨૦ રનનો આંકડો પણ પાર ન કર્યો : અભિષેક શર્માએ તોફાની બૅટિંગ કરીને ૩૪ બૉલમાં ૭૯ રન કર્યા, પણ ૪ ઓવરમાં ૨૩ રન આપીને ત્રણ વિકેટ લેનારો વરુણ ચક્રવર્તી પ્લેયર આૅફ ધ મૅચ
ગઈ કાલે કલકત્તામાં શરૂ થયેલી પાંચ મૅચની T20 સિરીઝની પહેલી મૅચમાં ભારતે ઇંગ્લૅન્ડને કચડી નાખ્યું હતું. ઇંગ્લૅન્ડે આપેલા ૧૩૩ રનના ટાર્ગેટને ભારતે માત્ર ૧૨.૫ ઓવરમાં માત્ર ત્રણ વિકેટે હાંસલ કરી લીધો હતો.
ADVERTISEMENT
ભારતે ટૉસ જીતીને ઇંગ્લૅન્ડને પહેલાં બૅટિંગમાં ઉતાર્યું હતું. ઇંગ્લૅન્ડ ૨૦ ઓવરમાં ૧૩૨ રન કરીને ઑલઆઉટ થઈ ગયું હતું. ઇંગ્લૅન્ડના બૅટરોમાં એકમાત્ર કૅપ્ટન જોસ બટલર ભારતીય બોલરો સામે ટકી શક્યો હતો. તેણે ૪૪ બૉલમાં બે સિક્સ અને ૮ ફોરની મદદથી ૬૮ રન કર્યા હતા. બટલર સિવાયના બે જણ ૧૭ (હૅરી બ્રુક) અને ૧૨ (જોફ્રા આર્ચર)નો દ્વિઅંકી સ્કોર નોંધાવી શક્યા હતા. ઓપનર ફિલ સૉલ્ટ અને ડેન્જરસ લિઆમ લિવિંગસ્ટન ઝીરો પર આઉટ થયા હતા અને બાકીના ૬ જણ એક આંકના સ્કોર પર આઉટ થયા હતા.
ભારત વતી સૌથી વધુ વિકેટ વરુણ ચક્રવર્તીએ લીધી હતી. તેણે ૪ ઓવરમાં ૨૩ રન આપીને બટલર, બ્રુક અને લિવિંગસ્ટન જેવા ત્રણ મહારથીઓને પૅવિલિયનભેગા કર્યા હતા. તેના આ પર્ફોર્મન્સ બદલ વરુણને પ્લેયર ઑફ ધ મૅચ ઘોષિત કરવામાં આવ્યો હતો. અર્શદીપ સિંહ, હાર્દિક પંડ્યા અને અક્ષર પટેલે બે-બે વિકેટ લીધી હતી.
ભારતે ૧૩૩ રનનાે ટાર્ગેટ ઓપનર અભિષેક શર્માની તોફાની બૅટિંગની મદદથી આસાનીથી હાંસલ કર્યો હતો. તેણે ૩૪ બૉલમાં ૮ સિક્સ અને પાંચ ફોર ફટકારીને ૭૯ રન કર્યા હતા. સંજુ સૅમસન ૨૬ રન કરીને અને કૅપ્ટન સૂર્યકુમાર યાદવ ઝીરો પર આઉટ થયા હતા.