ટેસ્ટમાં સૌથી વધુ પ્લેયર આૅફ ધ સિરીઝ અવૉર્ડ જીતવામાં મુથૈયા મુરલીધરનની કરી બરાબરી, જોકે તે ટેસ્ટમાં ૧૧ વખત પ્લેયર ઑફ ધ સિરીઝ જીતનાર ફાસ્ટેસ્ટ ખેલાડી બન્યો છે.
પ્લેયર ઑફ ધ સિરીઝની ટ્રોફી સાથે અશ્વિન
ચેન્નઈ ટેસ્ટમાં અનેક રેકૉર્ડ તોડનાર ભારતીય સ્પિનર રવિચન્દ્રન અશ્વિને કાનપુર ટેસ્ટમાં કુલ પાંચ વિકેટ લઈને માત્ર એક રન બનાવ્યો હતો છતાં તેણે અનેક કીર્તિમાન પોતાને નામે કર્યા છે. બંગલાદેશ સામેની ટેસ્ટ-સિરીઝમાં ૧૧૪ રન ફટકારીને ૧૧ વિકેટ લેનાર અશ્વિન પ્લેયર ઑફ ધ સિરીઝ જાહેર થયો છે. ૧૧મી વાર ટેસ્ટમાં પ્લેયર ઑફ ધ સિરીઝ બનીને તેણે શ્રીલંકાના દિગ્ગજ સ્પિનર મુથૈયા મુરલીધરનના રેકૉર્ડની બરાબરી કરી છે. જોકે તે ટેસ્ટમાં ૧૧ વખત પ્લેયર ઑફ ધ સિરીઝ જીતનાર ફાસ્ટેસ્ટ ખેલાડી બન્યો છે. મુરલીધરને ૬૦ ટેસ્ટ-સિરીઝ બાદ અને અશ્વિને માત્ર ૩૯ ટેસ્ટ-સિરીઝ બાદ ૧૧ વખત પ્લેયર ઑફ ધ સિરીઝ અવૉર્ડ જીત્યો છે.
IND vs BAN: ૪૨૪ વિકેટ સાથે અશ્વિન એશિયામાં સૌથી વધુ ટેસ્ટ-વિકેટ લેનાર ભારતીય બોલર છે. ભારત-બંગલાદેશ ટેસ્ટ-સિરીઝમાં ૮ ટેસ્ટમાં ૩૪ વિકેટ સાથે હવે તે લીડિંગ વિકેટટેકર બન્યો છે. આ દ્વિપક્ષીય ટેસ્ટ-સિરીઝ પહેલાં ઝહીર ખાન ૭ મૅચમાં ૩૧ વિકેટ સાથે લીડિંગ વિકેટટેકર હતો. વર્લ્ડ ટેસ્ટ ચૅમ્પિયનશિપ ૨૦૨૩-’૨૫ની ૧૦ મૅચમાં ૫૩ વિકેટ સાથે અશ્વિન હાઇએસ્ટ વિકેટટેકર બન્યો છે. તેણે આ મામલે ઑસ્ટ્રેલિયાના ફાસ્ટ બોલર જોશ હેઝલવુડને પછાડ્યો છે જેણે ૧૧ મૅચમાં ૫૧ વિકેટ લીધી હતી.
અશ્વિન હમણાં સુધીની ત્રણેય વર્લ્ડ ટેસ્ટ ચૅમ્પિયનશિપમાં ૫૦ વિકેટ લેનાર પહેલો બોલર બન્યો છે. ૨૦૧૯-’૨૧ની સીઝનમાં તેણે સૌથી વધુ ૭૧ વિકેટ લીધી હતી અને ૨૦૨૧-૨૩માં ૬૧ વિકેટ સાથે તે ત્રીજા સ્થાને હતો.
ટેસ્ટમાં સૌથી વધુ પ્લેયર આૅફ ધ સિરીઝ અવૉર્ડ
મુથૈયા મુરલીધરન (શ્રીલંકા) ૧૧
રવિચન્દ્રન અશ્વિન (ભારત) ૧૧
જૅક કૅલિસ (સાઉથ આફ્રિકા) ૯
ઇમરાન ખાન (પાકિસ્તાન) ૮
રિચાર્ડ હેડલી (ન્યુ ઝીલૅન્ડ) ૮
શેન વૉર્ન (ઑસ્ટ્રેલિયા) ૮