ટૉસ જીતીને બૅટિંગ પસંદ કરવાનો કૅપ્ટન શાકિબ-અલ-હસનનો નિર્ણય ભૂલભરેલો સાબિત થયો હતો
India vs Bangladesh
ગઈ કાલે મીરપુરમાં ટીમના બે સૌથી સફળ બોલર ઉમેશ યાદવ અને અશ્વિન. બન્નેએ ચાર-ચાર વિકેટ લીધી હતી. તસવીર એ.પી. /પી.ટી.આઈ.
ભારતે બંગલાદેશ સામેની પ્રથમ ટેસ્ટ આસાનીથી જીતી લીધા પછી ગઈ કાલે મીરપુરમાં શરૂ થયેલી બીજી અને છેલ્લી ટેસ્ટ (સવારે ૯.૦૦ વાગ્યાથી લાઇવ)માં પહેલા જ દિવસે યજમાન ટીમને ૨૨૭ રનમાં ઑલઆઉટ કરીને મૅચ પર પકડ જમાવી લીધી હતી. ટૉસ જીતીને બૅટિંગ પસંદ કરવાનો કૅપ્ટન શાકિબ-અલ-હસનનો નિર્ણય ભૂલભરેલો સાબિત થયો હતો. રમતના અંતે ભારતનો સ્કોર વિના વિકેટે ૧૯ રન હતો. કૅપ્ટન કે. એલ. રાહુલ ૩ રન અને ગઈ ટેસ્ટનો હીરો શુભમન ગિલ ૧૪ રને રમી રહ્યા હતા. પેસ બોલર ઉમેશ યાદવે (૧૫-૪-૨૫-૪) જૂના બૉલનો ફાયદો ઉઠાવીને શાકિબ (૧૬) અને ભરોસાપાત્ર બૅટર મેહદી મિરાઝ (૧૫)ની મહત્ત્વની વિકેટ લીધી હતી. આર. અશ્વિને (૨૧.૫-૩-૭૧-૪) પણ બંગલાદેશના બૅટર્સને કાબૂમાં રાખ્યા હતા. ૧૨ વર્ષે ફરી ટેસ્ટ રમી રહેલા અને વિવાદાસ્પદ સંજોગોમાં કુલદીપ યાદવને બદલે ટીમમાં સમાવવામાં આવેલા જયદેવ ઉનડકટે (૧૬-૨-૫૦-૨) પણ મહત્ત્વની ભૂમિકા ભજવી હતી. સિરાજને ૩૯ રનમાં અને અક્ષરને ૩૨ રનમાં વિકેટ નહોતી મળી. ટૉપ-સ્કોરર મોમિનુલ હક (૮૪ રન, ૧૫૭ બૉલ, ૨૫૧ મિનિટ, એક સિક્સર, બાર ફોર)ની વિકેટ અશ્વિને લઈને તેને ૧૨મી સદીથી વંચિત રાખ્યો હતો.
12
પેસ બોલર જયદેવ ઉનડકટને આટલાં વર્ષે ટેસ્ટ-ક્રિકેટમાં કમબૅક કરવા મળ્યું. ડિસેમ્બર ૨૦૧૦માં તે કરીઅરની પહેલી ટેસ્ટ રમ્યો ત્યાર બાદ આ વખતની ટેસ્ટ વચ્ચે ભારત ૧૧૮ ટેસ્ટ રમ્યું.