ગુરુવારથી બંગલાદેશ સામે છેલ્લી ટેસ્ટ
India vs Bangladesh
પહેલી ટેસ્ટમાં બંગલાદેશના ઝાકિર હસને સદી ફટકારી હતી. જોકે તેની નજીક ફીલ્ડિંગ કરી રહેલા ચપળ ફીલ્ડર શુભમન ગિલે બીજા દાવમાં મૅચ-વિનિંગ સેન્ચુરી ફટકારી હતી. તસવીર એ.એફ.પી.
ગુરુવારે મીરપુરમાં બંગલાદેશ સામે શરૂ થનારી બીજી અને અંતિમ ટેસ્ટમાં પણ રોહિત શર્મા નહીં રમે અને કે. એલ. રાહુલ ફરી આ ટેસ્ટમાં પણ સુકાન સંભાળશે અને ચેતેશ્વર પુજારા તેના ડેપ્યુટી તરીકેની ફરજ બજાવશે. રોહિત શર્માને બંગલાદેશ સામેની વન-ડે સિરીઝની બીજી મૅચમાં ફીલ્ડિંગ દરમ્યાન ડાબા હાથના અંગૂઠામાં ગંભીર ઈજા થઈ હતી. તે ફરી રમવાની ઉતાવળ નહીં કરે, કારણ કે આવનારા બે મહિનામાં ભારતે ઘણી મૅચો રમવાની છે.
૭ ડિસેમ્બરે બંગલાદેશ સામેની બીજી વન-ડેમાં રોહિત શર્મા ફીલ્ડિંગમાં થયેલી ઈજા બાદ જરૂર પડતાં નવમા નંબરે બૅટિંગ કરવા આવ્યો હતો અને તેણે પાંચ સિક્સર તથા ત્રણ ફોરની મદદથી અણનમ ૫૧ રન બનાવ્યા હતા, પરંતુ ભારત પરાજય નહોતું ટાળી શક્યું.
ADVERTISEMENT
બંગલાદેશ સામેની પ્રથમ ટેસ્ટ ભારતે ૧૮૮ રનથી જીતી લીધી હતી. ભારતીય ટીમ ગઈ કાલે ઢાકા પહોંચી ગઈ હતી. બે દિવસના પ્રૅક્ટિસ-સેશન બાદ ગુરુવારે મીરપુરમાં સવારે ૯.૦૦ વાગ્યે બીજી ટેસ્ટ શરૂ થશે. જાન્યુઆરીમાં ભારતીય ટીમ ઘરઆંગણે શ્રીલંકા તથા ન્યુ ઝીલૅન્ડ સામે કુલ ૬ વન-ડે અને ૬ ટી૨૦ રમશે.