બંગલાદેશ સામે ટીમ ઇન્ડિયાનો ૧૮૮ રનથી વિજય : ગુરુવારથી મીરપુુરમાં રમાશે છેલ્લી ટેસ્ટ મૅચ
ચટગાંવમાં ભારતે ગઈ કાલે બંગલાદેશને સવારે જ હરાવી દીધું એને પગલે સૌથી સફળ બોલર કુલદીપ યાદવને વાળ ખેંચીને અભિનંદન આપતો કૅપ્ટન કે. એલ. રાહુલ. તસવીર એ.પી./પી.ટી.આઇ., એ.એફ.પી.
ચટગાંવમાં સિરીઝની પ્રથમ ટેસ્ટમાં યજમાન બંગલાદેશની છેલ્લી ચાર વિકેટ લેવા ભારતને ગઈ કાલે સવારે માત્ર ૧૧.૨ ઓવરની જરૂર પડી હતી અને આ વિજય સાથે ભારતે બે મૅચની ટેસ્ટ-સિરીઝમાં ૧-૦ની અપરાજિત સરસાઈ તો મેળવી જ છે, વર્લ્ડ ટેસ્ટ ચૅમ્પિયનશિપ (ડબ્લ્યુટીસી)માં ભારત બીજા નંબરે પહોંચી ગયું છે. હવે ભારતે આગામી કુલ પાંચમાંથી ચાર ટેસ્ટ જીતવાની છે અને એમાં સફળતા મળશે તો ભારત સતત બીજા ડબ્લ્યુટીસીની ફાઇનલમાં પહોંચી જશે.
ભારત ૧૮૮ રનના તોતિંગ તફાવતથી જીત્યું અને બીજી તરફ બ્રિસબેનમાં ઑસ્ટ્રેલિયા સામે સાઉથ આફ્રિકા ૬ વિકેટના માર્જિનથી હારી ગયું એટલે ભારતીય ટીમને ડબ્લ્યુટીસીમાં ૮૭ પૉઇન્ટ સાથે સાઉથ આફ્રિકાના બીજા સ્થાન પર કબજો કરી લેવા મળ્યું છે. કુલદીપ અને અક્ષરે મળીને બીજા દાવમાં કુલ ૭ વિકેટ લીધી હતી.
ADVERTISEMENT
શાકિબની જોરદાર ફટકાબાજી
ભારતે આપેલા ૫૧૩ રનના ટાર્ગેટ સામે બંગલાદેશ ગઈ કાલે પાંચમા દિવસે ૩૨૪ રનના સ્કોરે ઑલઆઉટ થયું હતું. નવા ઓપનર ઝાકિર હસન (૧૦૦ રન, ૨૨૪ બૉલ, એક સિક્સર, તેર ફોર) અને કૅપ્ટન શાકિબ-અલ-હસને (૮૪ રન, ૧૦૮ બૉલ, છ સિક્સર, છ ફોર) ભારતની જીતને થોડી વિલંબમાં જરૂર મૂકી હતી, પરંતુ તેમની મોટી ઇનિંગ્સ પાણીમાં ગઈ હતી.
કુલદીપનો કરીઅર-બેસ્ટ પર્ફોર્મન્સ
રિસ્ટ-સ્પિનર કુલદીપ યાદવે ત્રણ અને લેફ્ટ આર્મ સ્પિનર અક્ષર પટેલે ચાર વિકેટ લીધી હતી. કુલદીપનો કુલ ૮ વિકેટનો પર્ફોર્મન્સ ટેસ્ટમાં કરીઅર-બેસ્ટ છે. તે મૅન ઑફ ધ મૅચનો પુરસ્કાર જીત્યો હતો. અક્ષરની પ્રથમ દાવમાં એક વિકેટ હતી. મોહમ્મદ સિરાજ, ઉમેશ યાદવ, રવિચન્દ્રન અશ્વિનને એક-એક વિકેટ મળી હતી. બીજી અને અંતિમ ટેસ્ટ ગુરુવારથી મીરપુરમાં રમાશે.
મોસ્ટ વૅલ્યુએબલ પ્લેયર ઑફ ધ મૅચ : પ્રથમ દાવમાં ૯૦ રન અને બીજા દાવમાં અણનમ ૧૦૨ રન બનાવનાર પુજારાને પણ અવૉર્ડ મળ્યો.
પ્લેયર ઑફ ધ મૅચ : કુલદીપને મૅચમાં સૌથી વધુ ૮ વિકેટ લઈને ભારતની જીતમાં સૌથી મોટું યોગદાન આપવા બદલ પુરસ્કાર અપાયો હતો.
ટાઇગર ઑફ ધ મૅચ : બંગલાદેશની ભૂમિ ખૂંખાર વાઘની મોટી વસ્તી માટે પ્રખ્યાત છે. એના સેન્ચુરિયન ઝાકિર હસનને પણ પુરસ્કાર અપાયો હતો.
ભારતમાં મને ત્રણેય ફૉર્મેટનું ક્રિકેટ રમવાનું ગમે છે. એનાથી મોટું ગૌરવ બીજું કોઈ હોઈ ન શકે. હું મૅચ ન રમું ત્યારે પ્રૅક્ટિસ કરતો રહું જેથી આત્મવિશ્વાસ જળવાઈ રહે. મને એસજી કરતાં કૂકાબુરા બૉલથી બોલિંગ કરવાનું ખૂબ ગમે છે. એમાં બૉલ પર હું વધુ ગ્રિપ અને કન્ટ્રોલ મેળવી શકું છું.
કુલદીપ યાદવ
નોંધ : પાકિસ્તાન છઠ્ઠા, વેસ્ટ ઇન્ડીઝ સાતમા, ન્યુ ઝીલૅન્ડ આઠમા અને બંગલાદેશ નવમા સ્થાને છે.
રોહિતની ફિટનેસ વિશે એક-બે દિવસમાં જાણકારી : રાહુલ
ભારતીય ટેસ્ટ-ટીમના કાર્યવાહક સુકાની કે. એલ. રાહુલે ગઈ કાલે કહ્યું હતું કે ‘ગુરુવારે બંગલાદેશ સામે શરૂ થનારી બીજી ટેસ્ટમાં ઈજાગ્રસ્ત મુખ્ય કૅપ્ટન રોહિત શર્મા રમવા માટે ફિટ થઈ જશે કે નહીં એની મને પણ જાણ નથી. જોકે એક દિવસ પછી જાણવા મળશે.’ રોહિત ડાબા હાથના અંગૂઠાની ગંભીર ઈજાને પગલે ભારત પાછો આવી ગયો છે. તેના સ્થાને ટીમમાં અભિમન્યુ ઈશ્વરનને સમાવવામાં આવ્યો છે.