ઑસ્ટ્રેલિયાના પચીસ વર્ષના ઓપનર નૅથન મૅકસ્વીનીએ પોતાની ઇન્ટરનૅશનલ કરીઅરની નિરાશાજનક શરૂઆત કરી છે.
નૅથન મૅકસ્વીની
ઑસ્ટ્રેલિયાના પચીસ વર્ષના ઓપનર નૅથન મૅકસ્વીનીએ પોતાની ઇન્ટરનૅશનલ કરીઅરની નિરાશાજનક શરૂઆત કરી છે. પર્થ ટેસ્ટમાં ડેબ્યુ કરનાર મૅકસ્વીનીએ પહેલી ચાર ઇનિંગ્સમાં અનુક્રમે ૧૦, શૂન્ય, ૩૯ અને ૧૦ રન*નો સ્કોર કર્યો છે. ડે-નાઇટ ટેસ્ટની છેલ્લી ઇનિંગ્સમાં નૉટઆઉટ રહેલો મૅકસ્વીની પહેલી ત્રણ ઇનિંગ્સમાં ભારતીય ફાસ્ટ બોલર જસપ્રીત બુમરાહ સામે આઉટ થયો હતો. પહેલી બે વાર તે LBW અને ત્રીજી ઇનિંગ્સમાં કૅચઆઉટ થયો હતો છતાં બ્રિસબેનની ત્રીજી ટેસ્ટ પહેલાં તેણે આ વર્લ્ડ ક્લાસ બોલર સામે વાપસીની આશા વ્યક્ત કરી છે. તે કહે છે કે ‘કરીઅરની શરૂઆતમાં જ જસપ્રીત બુમરાહ જેવા બોલરનો સામનો કરવા કરતાં વધુ મુશ્કેલ કંઈ નથી. ઍડીલેડમાં છેલ્લી ઇનિંગ્સ રમ્યા બાદ મારો આત્મવિશ્વાસ વધી રહ્યો છે. હું જેટલો વધુ તેનો સામનો કરીશ, હું તેની સામે વધુ આરામદાયક બનીશ. પ્રથમ વખત તેનો સામનો કરી રહ્યો છું, તે ખૂબ જ અનોખો બોલર છે. તે ચોક્કસપણે વર્લ્ડ ક્લાસ છે અને મેં જે બોલર્સનો સામનો કર્યો છે તેનાથી થોડો અલગ છે. હું વિશ્વકક્ષાના પ્લેયર્સ સામે રણનીતિ બનાવવાનો અનુભવ માણી રહ્યો છું. આશા છે કે ધ ગૅબા સ્ટેડિયમમાં હું તેની સામે સારા રન બનાવી શકીશ.’