કાંગારૂઓની અડધી ટીમને આઉટ કરનાર બુમરાહ કહે છે...
જસપ્રીત બુમરાહ
ગૅબા ટેસ્ટમાં ઑસ્ટ્રેલિયાની પહેલી ઇનિંગ્સમાં છ વિકેટ લેનાર ભારતીય ફાસ્ટ બોલર જસપ્રીત બુમરાહે ટીમના અન્ય બોલર્સનો બચાવ કર્યો હતો. તેણે કહ્યું હતું કે ‘એક ટીમ તરીકે અમે એકબીજા પર સવાલ નથી કરતા. અમે એવી માનસિકતામાં આવવા માગતા નથી કે જ્યાં અમે એકબીજા પર આંગળી ચીંધીએ. અમે એક ટીમ તરીકે પરિવર્તનના સમયગાળામાંથી પસાર થઈ રહ્યા છીએ. નવા ખેલાડીઓ આવી રહ્યા છે અને ક્રિકેટ રમવા માટે આ સૌથી સરળ જગ્યા નથી. વિકેટ અલગ છે અને વાતાવરણ અલગ છે. હું સફળતા અને નિષ્ફળતાને સમાન રીતે જોઉં છું અને અપેક્ષાઓનો બોજ અનુભવતો નથી.’
બુમરાહ સિવાય મોહમ્મદ સિરાજ બે વિકેટ જ્યારે નીતીશ કુમાર રેડ્ડી અને આકાશ દીપ એક-એક વિકેટ લઈ શક્યા હતા. અન્ય બોલર્સ વિશે વાત કરતાં બુમરાહે કહ્યું હતું કે ‘કોઈ પણ અનુભવ સાથે નથી આવતું અને ન તો તે આવડત સાથે જન્મે છે. તમે શીખતા રહો અને નવા રસ્તાઓ શોધતા રહો. પરિવર્તનના સમયમાં અન્ય બોલર્સને મદદ કરવી એ મારું કામ છે. અમે બધા શીખવાનો પ્રયાસ કરી રહ્યા છીએ અને પ્રદર્શનમાં સુધારો થશે. મુશ્કેલ પરિસ્થિતિ હોવાથી મોહમ્મદ સિરાજે ઇન્જરી હોવા છતાં બોલિંગ કરી છે.’
ADVERTISEMENT
આૅસ્ટ્રેલિયાની ધરતી પર ફાસ્ટેસ્ટ ૫૦ ટેસ્ટ-વિકેટ લેનાર ભારતીય બોલર બન્યો જસપ્રીત બુમરાહ
જસપ્રીત બુમરાહે પહેલી ઇનિંગ્સમાં ૨૮ ઓવરમાં ૭૬ રન આપીને ૬ વિકેટ ઝડપી હતી. તે કપિલ દેવ (૧૦ વાર)ને પછાડીને વિદેશમાં ૧૧ વાર ટેસ્ટમાં પાંચ પ્લસ વિકેટ લેનાર ભારતીય બોલર બન્યો છે. તેણે ફાસ્ટ બોલર મિચલ સ્ટાર્કની વિકેટ ઝડપીને ઑસ્ટ્રેલિયામાં પોતાની ૫૦ ટેસ્ટ-વિકેટ પૂરી કરી હતી. તે કપિલ દેવ (૫૧ વિકેટ) બાદ ઑસ્ટ્રેલિયામાં ૫૦
ટેસ્ટ-વિકેટ લેનાર બીજો ભારતીય બોલર બન્યો છે. કપિલ દેવ (૧૧ ટેસ્ટ)થી એક ટેસ્ટ પહેલાં આ કમાલ કરી બુમરાહ (૧૦ ટેસ્ટ) કાંગારૂઓની ધરતી પર ફાસ્ટેસ્ટ ૫૦ ટેસ્ટ-વિકેટ લેનાર ભારતીય બોલર બન્યો હતો. તેણે ૨૧૪૧ બૉલ ફેંકીને ઑસ્ટ્રેલિયામાં ૫૦ વિકેટ ઝડપી છે.
કપિલ દેવ અને ઇશાન્ત શર્મા (ઇંગ્લૅન્ડમાં ૫૧ વિકેટ) બાદ બુમરાહ ત્રીજો ભારતીય બોલર છે જેણે વિદેશમાં ૫૦ ટેસ્ટ-વિકેટ લીધી હોય. વર્લ્ડ ટેસ્ટ ચૅમ્પિયનશિપ (WTC)ની વર્તમાન સીઝનમાં તેણે ટૉપ પર ભારતીય સ્પિનર રવિચન્દ્રન અશ્વિન (૬૩ વિકેટ)ની બરાબરી કરી લીધી છે.