ડે-નાઇટ ટેસ્ટમાં ૧૦ વિકેટે જીત મેળવી આૅસ્ટ્રેલિયન ટીમે બૉર્ડર-ગાવસકર ટ્રોફી ૧-૧થી બરાબર કરી : ભારત-આૅસ્ટ્રેલિયા વચ્ચે સૌથી ઓછા બૉલમાં પૂરી થયેલી ટેસ્ટ-મૅચ બની, ભારતની ૧૦ વિકેટે ૧૯મી હાર અને કિવીઓની ૧૦ વિકેટે ૩૨મી ટેસ્ટ-જીત થઈ
ગઈ કાલે બીજી ટેસ્ટ ખરાબ રીતે હારી ગયા બાદ ખૂબ જ નિરાશ થયેલી ભારતીય ટીમ.
ગઈ કાલે ઍડીલેડ ઓવલના સ્ટેડિયમમાં બીજી ટેસ્ટના ત્રીજા દિવસે ભારતીય ટીમને ૧૦ વિકેટે હારનો સામનો કરવો પડ્યો છે. પહેલી ઇનિંગ્સમાં ૧૮૦ રન બનાવનારી ભારતીય ટીમ બીજી ઇનિંગ્સમાં ૧૭૫ રને ઑલઆઉટ થઈ ગઈ હતી. પહેલી ઇનિંગ્સમાં ૩૩૭ રન ફટકારનાર યજમાન ટીમને બીજી ટેસ્ટ જીતવા ૧૯ રનનો ટાર્ગેટ મળ્યો હતો જે એણે ૩.૨ ઓવરમાં એક પણ વિકેટ ગુમાવ્યા વગર ચેઝ કરી લીધો હતો. પર્થ ટેસ્ટમાં ૨૯૫ રને હારનાર ઑસ્ટ્રેલિયન ટીમે જોરદાર કમબૅક કરતાં સિરીઝ ૧-૧થી બરાબર કરી છે. બૉર્ડર-ગાવસકર ટ્રોફી (BGT)ની ત્રીજી ટેસ્ટ હવે બ્રિસબેનના ધ ગૅબા સ્ટેડિયમમાં ૧૪ ડિસેમ્બરથી રમાશે.
ભારતીય ટીમની ટેસ્ટ-ઇતિહાસમાં આ ૧૦ વિકેટે ૧૯મી હાર છે. એ આ લિસ્ટમાં ઇંગ્લૅન્ડ (પચીસ વાર) બાદ બીજા ક્રમે છે, જ્યારે ઑસ્ટ્રેલિયાએ ટેસ્ટ-ક્રિકેટમાં સૌથી વધુ ૩૨ વાર ૧૦ વિકેટે જીત મેળવી છે.
ADVERTISEMENT
ગઈ કાલે ૨૪ ઓવરમાં ૧૨૮/૫ના સ્કોરથી શરૂ થયેલી ભારતીય ઇનિંગ્સ ૩૬.૫ ઓવરમાં ૧૭૫/૧૦ના સ્કોર પર ખતમ થઈ હતી. ઑલરાઉન્ડર નીતીશ કુમાર રેડ્ડી (૪૨ રન) અને વિકેટકીપર રિષભ પંત (૨૮ રન)ની પચીસ બૉલમાં ૨૩ રનની પાર્ટનરશિપ ખતમ થતાં જ ભારતીય ટીમ વિખરાઈ ગઈ હતી. રેડ્ડીએ સ્પિનર રવિચન્દ્રન અશ્વિન (૭ રન) સાથે પણ ૨૦ રનની પાર્ટનરશિપ કરી પણ કૅપ્ટન પૅટ કમિન્સ (પાંચ વિકેટ) અને ફાસ્ટ બોલર સ્કૉટ બોલૅન્ડ (ત્રણ વિકેટ)ના તરખાટ સામે ભારતીય ટીમ પહેલા સેશનમાં જ પૅવિલિયન પહોંચી ગઈ હતી.
ઍડીલેડ ઓવલ સ્ટેડિયમમાં ઑસ્ટ્રેલિયન ટીમે અજેય રહેવાનો રેકૉર્ડ જાળવી રાખ્યો છે. ૮ મૅચમાંથી ઑસ્ટ્રેલિયાએ બે વાર તો ભારતીય ટીમને જ મહાત આપી છે. ઑસ્ટ્રેલિયા માટે ૧૩ ડે-નાઇટ ટેસ્ટમાં આ ૧૨મી જીત છે. પિન્ક બૉલથી ટીમની એક માત્ર હાર વેસ્ટ ઇન્ડીઝ સામે થઈ હતી.
આ મૅચની બન્ને ઇનિંગ્સમાં ભારતીય બૅટ્સમેનો માત્ર ૮૧ ઓવર એટલે કે ૪૮૬ બૉલમાં જ બૅટિંગ કરી શક્યા હતા. ઑસ્ટ્રેલિયાએ માત્ર ૭ સેશનમાં જીત મેળવી હતી જે બૉલની દૃષ્ટિએ ભારત સામેની તેની સૌથી ટૂંકી ટેસ્ટ-મૅચ છે. આ મૅચમાં સંભવિત ૨૭૦૦ બૉલમાંથી માત્ર ૧૦૩૧ બૉલ જ નાખવામાં આવ્યા હતા. બન્ને ટીમ વચ્ચે છેલ્લે ૨૦૨૩માં ઇન્દોરમાં ૧૧૩૫ બૉલની જ ટેસ્ટ-મૅચ રમાઈ હતી. સૌથી ટૂંકી ડે-નાઇટ ટેસ્ટમાં ઍડીલેડ ટેસ્ટ ચોથા ક્રમે છે. ૨૦૨૧માં અમદાવાદમાં ભારત અને ઇંગ્લૅન્ડ વચ્ચે ૮૪૨ બૉલમાં ટેસ્ટ પૂરી થઈ હતી.