૨૦૦થી વધુ પોલીસ અધિકારીઓ અને ૩૦૦૦ જેટલા પોલીસ-કર્મચારીઓ સિક્યૉરિટીમાં તહેનાત હશે
અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમના મેદાનની ગઈ કાલની તસવીર. તસવીર જનક પટેલ
મૅચ પહેલાં નરેન્દ્ર મોદી અને ઍન્થની એલ્બાનેશ મેદાનમાં એક રાઉન્ડ મારીને સ્ટેડિયમના એક લાખથી વધુ પ્રેક્ષકોનું અભિવાદન ઝીલશે : ૨૦૦થી પણ વધુ પોલીસ અધિકારી અને ૩૦૦૦ જેટલા પોલીસ-કર્મચારી થ્રી લેયર સિક્યૉરિટીમાં રહેશે તહેનાત : વડા પ્રધાન ટૉસ ઉછાળશે એવી સંભાવના
ભારત-ઑસ્ટ્રેલિયા વચ્ચે રોમાંચપૂર્ણ બની રહેલી ચાર ટેસ્ટ મૅચની શ્રેણીની છેલ્લી ટેસ્ટ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ગુરુવાર ૯ માર્ચથી શરૂ થઈ રહી છે ત્યારે આ મૅચ સીમાચિહ્નરૂપ બની રહેશે, કેમ કે ભારતના વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને ઑસ્ટ્રેલિયાના પ્રાઇમ મિનિસ્ટર ઍન્થની એલ્બાનેશ બન્ને સાથે બેસીને આ મૅચ માણશે. એટલું જ નહીં, આ મેચનો ટૉસ પણ વડા પ્રધાન ઉછાળે એવી વિગતો સૂત્રો દ્વારા મળી છે.
ADVERTISEMENT
ભારત સિરીઝમાં ૨-૧થી આગળ છે. બન્ને વડા પ્રધાનો મૅચની શરૂઆત પહેલાં મેદાનની ફરતે એક રાઉન્ડ મારીને એક લાખથી વધુ પ્રેક્ષકોનું અભિવાદન ઝીલશે અને બન્ને ટીમને મળીને તેમને શુભકામના આપશે. એક લાખથી વધુની ક્ષમતા ધરાવતું નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ફુલ થઈ જશે અને એ રીતે એક રેકૉર્ડ પણ બની શકે છે. આ મૅચને લઈને ક્રિકેટચાહકો ઉત્સાહમાં છે. બીજેપીના ઘણા કાર્યકરો પણ મૅચ જોવા સ્ટેડિયમમાં પહોંચશે.
આ પણ વાંચો: અમદાવાદમાં સ્પિનર્સને મદદગાર પિચ બનાવાશે
નો-ડ્રોન ફ્લાય ઝોન જાહેર
સ્ટેડિયમમાં થ્રી લેયર સિક્યૉરિટી હશે. ૨૦૦થી વધુ પોલીસ અધિકારીઓ અને ૩૦૦૦ જેટલા પોલીસ-કર્મચારીઓ સિક્યૉરિટીમાં તહેનાત હશે. આ ઉપરાંત અમદાવાદ શહેરના પોલીસ કમિશનર સંજય શ્રીવાસ્તવે મહાનુભાવોની અને જનતાની સલામતીને ધ્યાને લઈને ૮થી ૧૩ માર્ચ સુધી અમદાવાદ શહેરના તમામ વિસ્તારોમાં નો-ડ્રોન ફ્લાય ઝોન જાહેર કર્યો છે.
મેટ્રો ટ્રેનની ફ્રીક્વન્સી વધશે
ક્રિકેટચાહકોને સ્ટેડિયમ સુધી પહોંચવામાં સરળતા રહે એ માટે ૯થી ૧૩ માર્ચ દરમ્યાન મેટ્રો ટ્રેન દર ૧૨ મિનિટે ઉપલબ્ધ થશે એવી વ્યવસ્થા મેટ્રો રેલ સત્તાવાળાઓ દ્વારા કરવામાં આવી છે.

