માત્ર ત્રણ ભારતીય બૅટર્સ બે આંકડાનો સ્કોર નોંધાવી શક્યા
ઋતુરાજ ગાયકવાડ
ગઈ કાલે ઑસ્ટ્રેલિયામાં ઇન્ડિયા A ટીમે પોતાના અભિયાનની ખરાબ શરૂઆત કરી હતી. બે અનઑફિશ્યલ મૅચની સિરીઝની પહેલી મૅચમાં ટૉસ હારીને બૅટિંગ કરવા ઊતરેલી કૅપ્ટન ઋતુરાજ ગાયકવાડની ટીમ ૧૦૭ રનમાં જ ઑલઆઉટ થઈ હતી. ઑસ્ટ્રેલિયન ટીમે પહેલા દિવસના અંતે ૩૯ ઓવરમાં ચાર વિકેટ ગુમાવીને ૯૯ રન ફટકાર્યા હતા. ભારતીય ટીમ પાસે માત્ર ૮ રનની લીડ છે.
ભારત તરફથી માત્ર સાઈ સુદર્શન (૨૧ રન), દેવદત્ત પડિક્કલ (૩૬ રન) અને નવદીપ સૈની (૨૩ રન) બે આંકડાનો સ્કોર ફટકારી શક્યા છે. ઑસ્ટ્રેલિયાના ફાસ્ટ બોલર બ્રેન્ડન ડોગેટે ૧૧ ઓવરમાં માત્ર ૧૫ રન આપીને ૬ વિકેટ ઝડપી હતી. એ આ ૩૦ વર્ષના બોલરની કરીઅરનો સર્વશ્રેષ્ઠ આંકડો બન્યો છે. બાઉન્સ અને સીમ મૂવમેન્ટ સાથે પિચ પર ભારતીયોનો સંઘર્ષ સ્પષ્ટ હતો, કારણ કે વિકેટકીપર જોશ ફિલિપે પાંચ કૅચ ઝડપ્યા હતા. ભારતીય ટીમમાં વાપસી કરનાર ઈશાન કિશને પણ ચાર રનમાં આઉટ થઈ ફૅન્સને નિરાશ કર્યા છે.
ADVERTISEMENT
બૉર્ડર-ગાવસકર ટ્રોફી સિરીઝ માટે ભારતીય સ્ક્વૉડમાં સામેલ અભિમન્યુ ઈશ્વરન (૭ રન) અને ઑલરાઉન્ડર નીતીશ કુમાર રેડ્ડી (ઝીરો રન)નું પ્રદર્શન પણ સાધારણ રહ્યું હતું. જ્યારે પ્રસિદ્ધ ક્રિષ્નાએ મુકેશ કુમાર સાથે બે-બે વિકેટ ઝડપીને ટીમની મૅચમાં વાપસી કરાવી હતી.