૨૦૨૨ના વર્ષની ૧૨ રમતોની કુલ ૧૨૧૨ મૅચ પર સંદેહ : સૌથી વધુ ૭૭૫ મૅચ ફુટબૉલની : ૨૦૨૩માં શંકાસ્પદ મૅચોની સંખ્યા વધવાની ધારણા : આઇપીએલમાં ૧૨૦૦ કરોડ રૂપિયાના સટ્ટાનું ટર્નઓવર
પ્રતીકાત્મક તસવીર
કોરોનાકાળને કારણે વિશ્વના તમામ દેશો લૉકડાઉનના સકંજામાં આવી ગયા હતા અને એને કારણે ૨૦૨૦-’૨૧માં મહિનાઓ સુધી રમતગમતની આંતરરાષ્ટ્રીય હરીફાઈઓ જ નહોતી થઈ શકી. જોકે ૨૦૨૨નું વર્ષ ખેલકૂદ ક્ષેત્રે ફરી ધમધમતું થઈ ગયું હતું, પરંતુ એ વર્ષ દરમ્યાન વિવિધ રમતોની કુલ ૧૨૧૨ મૅચો એવી હતી જેના પર શંકાનાં વાદળ ઘેરાયાં છે. એમાં ક્રિકેટની ૧૩ મૅચને શંકાસ્પદ બતાવાઈ છે, પરંતુ એમાંથી એકેય મૅચ એવી નથી જે ભારતમાં રમાઈ હોય. જોકે સ્વિટ્ઝરલૅન્ડ-સ્થિત આ સંસ્થાના અહેવાલમાં જણાવાયું છે કે ૧૩૫ મિલ્યન યુરો (૧૨૦૦ કરોડ રૂપિયા)નું બેટિંગ ટર્નઓવર (સટ્ટો) ઇન્ડિયન પ્રીમિયર લીગ (આઇપીએલ)માં થયું હોવાનો અંદાજ છે.
કઈ કંપની દ્વારા કેવી રીતે તપાસ થઈ?
ADVERTISEMENT
સ્પોર્ટરડાર ઇન્ટિગ્રિટી સર્વિસિસ એક એવી એક્સપર્ટ્સ પૅનલ છે જે વિવિધ રમતોમાં જો કોઈ સ્થળે કે કોઈ તબક્કે સટ્ટાબાજી થઈ હોય કે મૅચ-ફિક્સિંગ કે પછી ખેલકૂદને લગતા અન્ય પ્રકારના કોઈ ભ્રષ્ટાચારની ઘટના બની હોય તો એની જાણકારી મળતાં વિશ્લેષણ કરે છે. મૅચ દરમ્યાન કંપની સંદેહજનક ગતિવિધિનો તાગ મેળવવા યુનિવર્સલ ફ્રૉડ ડિટેક્શન સિસ્ટમ (યુએફડીએસ) ઍપ્લિકેશનનો ઉપયોગ કરે છે. આ સંસ્થા ૨૦૨૦માં બોર્ડ ઑફ કન્ટ્રોલ ફૉર ક્રિકેટ ઇન ઇન્ડિયા (બીસીસીઆઇ)ની ઍન્ટિ કરપ્શન યુનિટ (એસીયુ) સાથે કામ કરી ચૂકી છે.
ક્રિકેટમાં પહેલી વાર ૧૩ મૅચ પર શંકા
કંપનીના અંદાજ મુજબ આ સંદેહજનક મૅચો કુલ ૧૨ રમતોની છે અને એ મૅચો ૯૨ દેશમાં રમાઈ હતી. સ્પોર્ટરડારના જણાવ્યા મુજબ જે ૧૩ ક્રિકેટમૅચ શંકાસ્પદ છે એમાંની એક પણ મૅચ ભારતમાં નહોતી રમાઈ. જોકે કોઈ એક વર્ષમાં ક્રિકેટની આટલી મોટી સંખ્યા (૧૩)માં મૅચો પર શંકા થઈ હોય એવું પહેલી વાર બન્યું છે.
આ પણ વાંચો: મહિલા ક્રિકેટમાં ફિક્સિંગથી ફફડાટ
૨૦૨૩માં શંકાસ્પદ મૅચોની સંખ્યા વધશે
સ્પોર્ટરડારની પૅનલનો અંદાજ છે કે ૨૦૨૩ના વર્ષમાં શંકાસ્પદ મૅચોની સંખ્યાનું પ્રમાણ ૨૦૨૨ના વર્ષની જેમ જ ઊંચું રહેશે અને આ સંખ્યામાં કદાચ વધારો પણ જોવા મળી શકે. કોરોનાકાળની અસર તરીકે નાણાકીય અનિશ્ચિતતા હજી પણ જોવા મળી શકે. ૨૦૨૩માં પણ સૌથી વધુ શંકાસ્પદ મૅચો ફુટબૉલની હશે અને આવી મૅચોનું સૌથી વધુ પ્રમાણ યુરોપમાં રહેશે એવી પણ આગાહી છે.
630
યુરોપના દેશોમાં રમાયેલી કુલ આટલી મૅચ શંકાસ્પદ બતાવાઈ છે. ત્યાર પછી એશિયા (૨૪૦ મૅચ), દક્ષિણ અમેરિકા (૨૨૫), આફ્રિકા (૯૩) અને ઉત્તર અમેરિકા (૨૪)નો સમાવેશ છે.
152
૨૦૨૨ના વર્ષમાં આટલી સૌથી વધુ શંકાસ્પદ મૅચો બ્રાઝિલમાં રમાઈ હતી. ૯૨ મૅચ સાથે રશિયા બીજા નંબરે છે. અન્ય દેશોમાં ચીન, ચેક રિપબ્લિક, પોલૅન્ડ, કઝાખસ્તાન, ગ્રીસ, થાઇલૅન્ડ, ફિલિપીન્સ અને આર્જેન્ટિનાનો સમાવેશ છે.