વિમેન્સ ટી૨૦ વર્લ્ડ કપમાં ભારતને મોટો ઝટકો, વાઇસ કૅપ્ટન ઉપરાંત કૅપ્ટન હરમનપ્રીત કૌર પણ ખભાની ઈજાને કારણે પરેશાન
ICC Women`s T20 World Cup
ભારતની વાઇસ કૅપ્ટન સ્મૃતિ મંધાના
ભારતની વાઇસ કૅપ્ટન સ્મૃતિ મંધાના વિમેન્સ ટી૨૦ વર્લ્ડ કપની પાકિસ્તાન સામેની આવતી કાલની મૅચમાં નહીં રમી શકે. વૉર્મ-અપ મૅચમાં આંગળીમાં થયેલી ઈજામાંથી તે હજી સુધી બહાર આવી શકી નથી. ગયા સોમવારે ઑસ્ટ્રેલિયા સામેની વૉર્મ-અપ મૅચમાં ફીલ્ડિંગ દરમ્યાન તે ઈજા પામી હતી. આઇસીસીના સૂત્રએ જણાવ્યું હતું કે તેને પ્રૅક્ટિસ-મૅચમાં ઈજા થઈ છે, પરંતુ તે વર્લ્ડ કપમાંથી બહાર થઈ ગઈ છે એવું કહી શકાય નહીં. આક્રમક ઓપનરે ત્રીજા નંબરે બૅટિંગ કરી હતી. વળી તે માત્ર ત્રણ જ બૉલ રમી શકી હતી. મંધાના ઈજાને કારણે બંગલાદેશ સામેની બુધવારે રમાયેલી મૅચમાં પણ ભાગ લઈ શકી નહોતી.
ભારત માટે કૅપ્ટન હરમનપ્રીત કૌરની ફિટનેસને લઈને પણ ચિંતા છે. ગયા સપ્તાહે ટ્રાઇ સિરીઝની સાઉથ આફ્રિકા સામેની ફાઇનલમાં તેના ખભામાં ઈજા થઈ હતી. ફાઇનલ બાદ તેણે કહ્યું હતું કે આરામ કરીશ તો સારી થઈ જઈશ. જોકે તે પણ બન્ને મૅચોમાં બૅટિંગ કરવા માટે નહોતી આવી. ભારતીય ટીમનો સમાવેશ ગ્રુપ-બીમાં છે; જેમાં ઇંગ્લૅન્ડ, પાકિસ્તાન, વેસ્ટ ઇન્ડીઝ અને આયરલૅન્ડનો સમાવેશ છે.