છેલ્લા કેટલાક સમયથી પાકિસ્તાનની ટીમ નબળી પડી ગઈ હોવાથી ટક્કર એટલી રોમાંચક નથી રહી, પણ વિમેન્સ પ્રીમિયર લીગની હરાજી હોવાથી ભારતીયોને સારું પ્રદર્શન કરવાની પ્રેરણા મળશે : મૅચનો સમય સાંજે ૬.૩૦
ICC Women`s T20 World Cup
વાઇસ કૅપ્ટન સ્મૃતિ મંધાના
ઘણા લાંબા સમયથી આઇસીસી ટ્રોફી જીતવા માગતું ભારત આજે સાઉથ આફ્રિકાના કેપટાઉનના મેદાનમાં પાકિસ્તાન સામે વિમેન્સ ટી૨૦ કપની પોતાની પહેલી મૅચ રમશે. ભારત અને પાકિસ્તાન વચ્ચેની મૅચ હંમેશાં રોમાંચ પેદા કરતી હોય છે, પરંતુ ભારતીય ટીમ પાકિસ્તાનની સરખામણીમાં ઘણી મજબૂત હોવાથી એવી મજા આવતી નથી. ગયા વર્ષે પાકિસ્તાને એશિયા કપમાં સારું પ્રદર્શન કર્યું હતું.
છેલ્લાં પાંચ વર્ષમાં ભારતે ઑસ્ટ્રેલિયા અને ઇંગ્લૅન્ડને સારી ટક્કર આપી છે. દરમ્યાન એની ગુણવત્તા પાકિસ્તાન કરતાં ઘણી સુધરી છે. એક દિવસ બાદ વિમેન્સ પ્રીમિયર લીગની હરાજી હોવાથી ભારતીયોને સારું પ્રદર્શન કરવાની પ્રેરણા મળશે. જોકે ભારતીય ટીમ કૅપ્ટન હરમનપ્રીત કૌર (ખભા) અને સ્મૃતિ મંધાના (આંગળી)ની ફિટનેસને લઈને પરેશાન છે. ક્રિકેટ બોર્ડનાં સૂત્રોએ જણાવ્યા પ્રમાણે બન્ને સિનિયર ખેલાડીઓ છે અને ટીમ માટે મહત્ત્વપૂર્ણ છે. જો તેમને લઈને થોડી પણ શંકા હશે તો તેમને રમાડવાનું જોખમ લેવામાં નહીં આવે. ભારત આઇસીસીની ઇવેન્ટની સેમી ફાઇનલમાં તો પહોંચશે જ એવું બધા માને છે, પરંતુ શક્તિશાળી ઑસ્ટ્રેલિયાને હરાવવાનું હશે તો એણે રમતના દરેક વિભાગમાં સુધારો કરવો પડશે.
ADVERTISEMENT
શ્રીલંકાએ સાઉથ આફ્રિકાને ત્રણ રનથી હરાવ્યું
કૅપ્ટન ચામરી અટાપટ્ટુના શાનદાર પ્રદર્શનને કારણે શ્રીલંકાએ યજમાન સાઉથ આફ્રિકાને હરાવીને વિમેન્સ ટી૨૦ વર્લ્ડ કપની પહેલી જ મૅચમાં અપસેટ સરજ્યો હતો. અટાપટ્ટુએ શુક્રવારે રાતે રમાયેલી મૅચમાં ૫૦ બૉલમાં કરેલા ૬૮ રનને કારણે સાઉથ આફ્રિકાને જીતવા માટે ૧૩૦ રનનો લક્ષ્યાંક અપાયો હતો, પરંતુ શ્રીલંકાના સ્પિનરોએ હરીફ ટીમને ૯ વિકેટે માત્ર ૧૨૬ રન જ કરવા દીધા હતા. શ્રીલંકાએ ૨૦૧૬ બાદ પ્રથમ વખત સાઉથ આફ્રિકાને હરાવ્યું છે.
મંધાના રમશે?
વિમેન્સ ટી૨૦ વર્લ્ડ કપની પાકિસ્તાન સામેની મૅચ વાઇસ કૅપ્ટન સ્મૃતિ મંધાના ગુમાવવા નથી માગતી. તેણે પોતાના ફોટો ટ્વિટર પર શૅર કરીને આ સંદર્ભનો ઇરાદો સ્પષ્ટ કરી દીધો છે. ઑસ્ટ્રેલિયા સામેની પ્રૅક્ટિસ મૅચ દરમ્યાન તેની વચલી આંગળીમાં ઈજા થઈ હતી, પરિણામે તે નહીં રમી શકે એવી શક્યતા હતી.