શેફાલી વર્માના સુકાનમાં ભારતીય ટીમ સૌથી પહેલા વર્લ્ડ કપમાં બની ચૅમ્પિયનઃ ઇંગ્લૅન્ડની ટીમને ૭ વિકેટે કચડીને જીતી લીધી ઐતિહાસિક ટ્રોફી : પેસ બોલર તીતાસ સાધુ પ્લેયર ઑફ ધ ફાઇનલ
ICC Women’s U19 T20 World Cup
ભારતની ગર્લ્સ અન્ડર-19 ટી૨૦ ટીમે રચ્યો ઇતિહાસ
શેફાલી વર્માની કૅપ્ટન્સીમાં ભારતની ગર્લ્સ અન્ડર-19 ટી૨૦ ટીમે ગઈ કાલે મહિલાઓ માટેની ક્રિકેટમાં નવા ઇતિહાસનું સર્જન કર્યું છે. પહેલી વાર આ વર્લ્ડ કપ રમાયો અને એમાં ભારતીય ટીમે પૉશેફ્સ્ટ્રુમ ખાતેની સૌપ્રથમ ફાઇનલમાં ઇંગ્લૅન્ડની પડકારરૂપ ટીમને ૩૬ બૉલ બાકી રાખીને ૭ વિકેટના મોટા માર્જિનથી કચડી નાખી હતી અને આ પ્રારંભિક સ્પર્ધાની ટ્રોફી જીતી લીધી હતી.
પેસ બોલર તીતાસ સાધુ (૪-૦-૬-૨) પ્લેયર ઑફ ધ ફાઇનલનો અવૉર્ડ જીતી હતી.
ADVERTISEMENT
શેફાલીએ ટૉસ જીતીને ફીલ્ડિંગ લીધી હતી. ગ્રેસ સ્ક્રિવન્સના સુકાનમાં ઇંગ્લૅન્ડની ટીમ ભારતીય બોલર્સ સામે શરૂઆતથી જ ઝૂકી ગઈ હતી. ભારતીય બોલર્સ તથા ફીલ્ડર્સે બ્રિટિશ ટીમને કોઈ પણ તબક્કે પ્રભુત્વ મેળવવા નહોતું દીધું અને બ્રિટિશ ટીમ ૧૭.૧ ઓવરમાં ૬૮ રનના સ્કોરે ઑલઆઉટ થઈ ગઈ હતી. ભારતીય અન્ડર-19 ટીમે સૌમ્યા તિવારી (૨૪ અણનમ, ૩૭ બૉલ, ત્રણ ફોર), જી. ત્રિશા (૨૪ રન, ૨૯ બૉલ, ત્રણ ફોર), શેફાલી વર્મા (૧૫ રન, ૧૧ બૉલ, એક સિક્સર, એક ફોર), શ્વેતા સેહરાવત (પાંચ રન, ૬ બૉલ, એક ફોર)ની મદદથી ફક્ત ૧૪ ઓવરમાં ત્રણ વિકેટના ભોગે ૬૯ રન બનાવીને ભારત માટે નવો ઇતિહાસ રચી દીધો હતો. ઇંગ્લૅન્ડની ૬ બોલર્સમાંથી ત્રણને એક-એક વિકેટ મળી હતી.
કુલ ૧૬ ટીમ વચ્ચેની આ ટુર્નામેન્ટની સેમી ફાઇનલમાં ભારતે ન્યુ ઝીલૅન્ડને ૮ વિકેટે અને ઇંગ્લૅન્ડે ઑસ્ટ્રેલિયાને ૩ રનથી પરાજિત કરી ફાઇનલમાં એન્ટ્રી કરી હતી. શેફાલી વર્મા ભારતની સિનિયર ટીમની પણ મેમ્બર છે, પણ તેણે અન્ડર-19 ટીમમાં કમાલની કૅપ્ટન્સી સાથે રેકૉર્ડ-બુકમાં ભારતનું નામ સોનેરી અક્ષરે લખાવી દીધું છે. ભારતીય ટીમ ટ્રોફી જીતવા માટે ફેવરિટ હતી અને ચૅમ્પિયન બનીને રહી.
૨૦૦૭માં ધોનીની ટીમ ચૅમ્પિયન
મેન્સમાં સૌપ્રથમ ટી૨૦ વર્લ્ડ કપ ૨૦૦૭માં રમાયો હતો અને એમાં ભારતે મહેન્દ્રસિંહ ધોનીના સુકાનમાં ટ્રોફી જીતીને ઇતિહાસ રચ્યો હતો. ધોનીના એ ધુરંધરોની જેમ હવે અન્ડર-19 ગર્લ્સ ટી૨૦માં શેફાલીની શેરનીઓએ (ભારતીય ટીમે) એવા ઇતિહાસનું સર્જન કર્યું છે.
અન્ડર-19 બૉય્સે પણ બ્રિટનને હરાવેલું
ફેબ્રુઆરી ૨૦૨૨માં ઍન્ટિગામાં બૉય્સ અન્ડર-19 વન-ડે વર્લ્ડ કપની ફાઇનલમાં પણ ભારતે ઇંગ્લૅન્ડની બાજી બગાડીને ચૅમ્પિયનપદ મેળવી લીધું હતું. એમાં યશ ધુલના સુકાનમાં ભારતના રાજ બાવાની પાંચ અને રવિ કુમારની ચાર વિકેટને લીધે ઇંગ્લૅન્ડની ટીમ માત્ર ૧૮૯ રન બનાવી શકી હતી. ભારતે શેખ રાશિદ અને નિશાંત સિંધુની હાફ સેન્ચુરીની મદદથી ૪૭.૪ ઓવરમાં ૬ વિકેટે ૧૯૫ રન બનાવીને વિજય મેળવ્યો હતો.
સાધુના હાથે સિદ્ધિની શરૂઆત
ગઈ કાલે પશ્ચિમ બંગાળની ૧૮ વર્ષની રાઇટ-આર્મ પેસ બોલર તીતાસ સાધુએ ભારતને ઐતિહાસિક સિદ્ધિ અપાવવાની શરૂઆત કરી હતી. તેણે ફાઇનલની પહેલી જ ઓવરમાં વિકેટ અપાવવાની શરૂઆત કરી હતી. તેણે લિબર્ટી હીપ (૦)નો પોતાના જ ચોથા બૉલમાં કૅચ પકડ્યો હતો. ઉત્તર પ્રદેશની ૧૮ વર્ષની ઑફ-સ્પિનર અર્ચનાદેવી તો સાધુથી પણ સવાઈ નીકળી હતી. તેણે પોતાની બીજી ઓવરમાં બે વિકેટ લીધી હતી. ત્રીજા બૉલમાં નીઆમ હૉલેન્ડ (૧૦)ને ક્લીન બોલ્ડ કર્યા બાદ તેણે છઠ્ઠા બૉલમાં કૅપ્ટન ગ્રેસ સ્ક્રિવન્સ (૪)ને કૅચઆઉટ કરાવી હતી. ત્યાર બાદ સાધુએ ઇંગ્લૅન્ડની વિકેટકીપર સેરીન સ્મેલ (૩)ને ક્લીન બોલ્ડ કરીને બ્રિટિશ ટીમની ટોચની હરોળને સાવ તોડી પાડી હતી.
પાર્શ્વી ચોપડાએ પણ બે વિકેટ લીધી હતી. તેણે ટીમની ટૉપ-સ્કોરર રીઆના મૅક્ડોનલ્ડ-ગે (૧૯ રન)ને તેમ જ કૅરિસ પાવ્લી (૨ રન)ને આઉટ કરી હતી. ખુદ કૅપ્ટન-ઑફ સ્પિનર શેફાલી તેમ જ લેફ્ટ-આર્મ સ્પિનર મન્નત કશ્યપ અને સોનમ યાદવે પણ એક-એક વિકેટ લીધી હતી. યાદવે એક બૅટરને રનઆઉટ કરી હતી.
ઑલિમ્પિક્સમાં ભાલાફેંકની હરીફાઈમાં ભારતને ઐતિહાસિક ગોલ્ડ મેડલ અપાવનાર નીરજ ચોપડા (ડાબે)એ ગઈ કાલે પૉશેફ્સ્ટ્રુમના સ્ટેડિયમમાં બેસીને ભારતીય ખેલાડીઓનો ઉત્સાહ વધાર્યો હતો. તસવીર બીસીસીઆઇ
હર્લી ગાલા ભારતીય ટીમના ચૅમ્પિયનપદથી બેહદ ખુશ
‘મિડ-ડે લેડીઝ ક્રિકેટ’ની ૨૦૨૨ની સીઝનની સુપરસ્ટાર ખેલાડી અને પેસ બોલિંગ ઑલરાઉન્ડર હર્લી તન્મય ગાલા વર્લ્ડ કપ માટેની ભારતીય અન્ડર-19 ટીમની મેમ્બર હતી, પરંતુ ટુર્નામેન્ટની શરૂઆતમાં જ તેને ઈજા થઈ હતી અને તે વર્લ્ડ કપની બહાર થઈ ગઈ હતી. જોકે ગઈ કાલે તેની સાથી-ખેલાડીઓ ફાઇનલ જીતી અને ભારતને જે ગૌરવ અપાવ્યું એનાથી હર્લી બેહદ ખુશ હતી. જુહુ વિસ્તારમાં રહેતી હર્લીએ ઘરે પરિવારજનો સાથે ટીવી પર ફાઇનલનો એક-એક બૉલ માણ્યો હતો. હર્લીએ ‘મિડ-ડે’ને કહ્યું કે ‘શરૂઆતથી ભારતીય ટીમ જે રીતે રમી રહી હતી એના પરથી મને ખાતરી હતી કે આ ટીમ જ ટ્રોફી જીતશે. ફાઇનલનું પરિણામ જેમ-જેમ નજીક આવ્યું એમ હું વધુ ને વધુ એક્સાઇટેડ હતી અને આપણી ટીમ જીતી ત્યારે હું આનંદિત થઈને ઊછળી પડી હતી. વિમેન્સ ક્રિકેટના ઇતિહાસમાં આપણી ટીમે ભારતનું નામ સુવર્ણ અક્ષરે લખાવ્યું છે. જીત્યા બાદ મને તરત ટીમના મૅનેજરનો કૉલ આવ્યો હતો. હું ટીમની શરૂઆતથી મેમ્બર હોવાથી તેમણે મને અભિનંદન આપ્યાં હતાં અને મેં તેમને તેમ જ ટીમની ખેલાડીઓને ‘વધાઈ’ આપી હતી. હું આ વર્લ્ડ કપમાં રમી ન શકી એનો અફસોસ ખરો, પણ મારી કરીઅરની હજી તો શરૂઆત છે એટલે હું જરાય હતાશ નથી. મારી જેમ સ્પોર્ટ્સમાં કારકિર્દી બનાવવા માગતા યુવા વર્ગને મારે એટલું જ કહેવું છે કે ક્યારેય આશા નહીં છોડવાની, પોતાની ક્ષમતા અને ટૅલન્ટ પર ભરોસો રાખવો અને અવરોધો આવે તો પણ સફળતા મેળવવા આગળ વધતા રહેવું.’
આ પણ વાંચો : શેફાલીને બર્થ-ડે ગિફ્ટમાં જોઈએ છે વર્લ્ડ કપની ટ્રોફી
સેહરાવત વર્લ્ડ કપની બેસ્ટ બૅટર : શેફાલી ત્રીજા સ્થાને
શેફાલીના નેતૃત્વમાં ભારતીય ખેલાડીઓએ ગઈ કાલે સાઉથ આફ્રિકાના મેદાન પર તિરંગા સાથે ઐતિહાસિક જીત સેલિબ્રેટ કરી હતી.
ભારતની ઓપનિંગ બૅટર અને આ વર્લ્ડ કપની તમામ ઓપનર્સમાં સર્વશ્રેષ્ઠ ગણાતી શ્વેતા સેહરાવત સૌથી વધુ રન બનાવનાર બૅટર બની છે. તેણે ૭ મૅચમાં ૨૯૭ રન બનાવ્યા હતા. ઇંગ્લૅન્ડની કૅપ્ટન ગ્રેસ સ્ક્રિવન્સ (૨૯૩) બીજા નંબરે અને શેફાલી વર્મા (૧૭૨) ત્રીજા નંબરે રહી હતી.
જય શાહનું આમંત્રણ
અર્ચનાદેવીએ બે વિકેટ લેવા ઉપરાંત રીઆનાનો અફલાતૂન કૅચ પણ પકડ્યો હતો.
ભારતીય ક્રિકેટ કન્ટ્રોલ બોર્ડના સેક્રેટરી જય શાહે બુધવાર ૧ ફેબ્રુઆરીએ અમદાવાદમાં વિશ્વના સૌથી મોટા ક્રિકેટ સ્ટેડિયમ (નરેન્દ્ર મોદી સ્ટેડિયમ)માં ન્યુ ઝીલૅન્ડ સામે રમાનારી સિરીઝની ત્રીજી અને છેલ્લી ટી૨૦ મૅચ જોવા આવવાનું ભારતની અન્ડર-19ની વર્લ્ડ ચૅમ્પિયન ટીમની કૅપ્ટન શેફાલી વર્મા તથા તેની આખી ટીમને આમંત્રણ આપ્યું છે. જય શાહે ટ્વીટમાં લખ્યું હતું કે ‘આ જબરદસ્ત સિદ્ધિનું સેલિબ્રેશન તો થવું જ જોઈએ અને એ માટે અમે વિજેતા ટીમને ઉજવણીમાં જોડાવા ઇન્વાઇટ કરી છે.’
પેસ બોલર તીતાસ સાધુએ ભારતને વિકેટ અપાવવાની શરૂઆત કરતાં કૅપ્ટન શેફાલી બેહદ ખુશ થઈ હતી.