Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સ્પોર્ટ્સ સમાચાર > ક્રિકેટ > આર્ટિકલ્સ > હરમનની ગરબડને કારણે ભારતે જોવો પડ્યો પરાજય

હરમનની ગરબડને કારણે ભારતે જોવો પડ્યો પરાજય

Published : 24 February, 2023 12:09 PM | IST | New Delhi
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

સેમી ફાઇનલમાં કૅપ્ટન ખરા સમયે થઈ રનઆઉટ : ભારતને નબળી ફીલ્ડિંગ પણ ભારે પડી : ઑસ્ટ્રેલિયાના ૧૭૨/૪ સામે ભારતના ૧૬૭/૮

હરમનપ્રીત કૌર

ICC Women`s T20 World Cup Semifinals

હરમનપ્રીત કૌર


કેપ ટાઉનમાં ગઈ કાલે વિમેન્સ ટી૨૦ વર્લ્ડ કપની સેમી ફાઇનલમાં ભારતનો ફેવરિટ ટીમ ઑસ્ટ્રેલિયા સામે ફક્ત પાંચ રનથી પરાજય થયો હતો. ૧૭૩ રનના લક્ષ્યાંક સામે ભારતે ૮ વિકેટે ૧૬૭ રન બનાવ્યા હતા અને ચૅમ્પિયન ઑસ્ટ્રેલિયા વધુ એક વાર ફાઇનલમાં પહોંચ્યું હતું. છેલ્લી ઓવરમાં ૧૬ રન બાકી હતા, પરંતુ ૧૦ રન બન્યા હતા અને રાધા યાદવની વિકેટ પણ પડી ગઈ હતી. ઍશ્લેઇ ગાર્ડનર (૩૭માં બે)ને પ્લેયર ઑફ ધ મૅચનો અવૉર્ડ અપાયો હતો.\


હરમન પોતાની જ ભૂલમાં આઉટ



કૅપ્ટન હરમનપ્રીત કૌરે (બાવન રન, ૩૪ બૉલ, એક સિક્સર, છ ફોર) શાનદાર બૅટિંગ કર્યા બાદ વેરહૅમના એક બૉલમાં રન દોડ્યા બાદ ધીમી ગતિએ ક્રીઝમાં પહોંચી રહી હતી ત્યારે તેનું બૅટ જમીન પર સ્ટક થઈ જતાં તે ક્રીઝમાં નહોતી પહોંચી શકી અને રનઆઉટ થઈ ગઈ હતી. તેણે પોતાના પરના ગુસ્સામાં જતી વખતે બૅટ ફેંક્યું હતું. તેની વિદાય બાદ રિચા ઘોષ (૧૪ રન, ૧૭ બૉલ, એક ફોર) ઊંચા શૉટમાં બાઉન્ડરી નજીક બ્રાઉનના હાથમાં કૅચઆઉટ થઈ હતી. એ પહેલાં જેમાઇમા (૪૩ રન, ૨૪ બૉલ, છ ફોર) પણ ઘણું સારું રમી હતી. દીપ્તિ શર્મા (૨૦ અણનમ, ૧૭ બૉલ, બે ફોર)ની મહેનત પાણીમાં ગઈ હતી.


ઑસ્ટ્રેલિયાને મળ્યાં જીવતદાન

ઑસ્ટ્રેલિયાએ બૅટિંગ લઈને ૪ વિકેટે ૧૭૨ રન ખડકી દીધા એની પાછળનું મુખ્ય કારણ એ હતું કે ભારતીય ટીમની ફીલ્ડિંગ ઘણી નબળી હતી. ઑસ્ટ્રેલિયન બૅટર્સને કેટલાંક જીવતદાન ન મળ્યાં હોત તો તેઓ ટોટલ ૧૫૦ને પાર પણ ન લઈ જઈ શકી હોત. ૧૦મી ઓવરમાં શેફાલી વર્માએ બેથ મૂનીનો કૅચ છોડ્યો હતો. ઈજાગ્રસ્ત પૂજા વસ્ત્રાકરને બદલે રમનાર સ્નેહ રાણાની પહેલી જ ઓવરમાં ઑસ્ટ્રેલિયન કૅપ્ટન મેગ લેનિંગનો કૅચ વિકેટકીપર રિચા ઘોષે છોડ્યો એ ઉપરાંત ઘોષે લેનિંગને સ્ટમ્પિંગમાં આઉટ કરવાનો મોકો પણ ગુમાવ્યો હતો.


ઑસ્ટ્રેલિયાએ છેલ્લી પાંચ ઓવરમાં ૫૯ રન ઝૂડી કાઢ્યા હતા. બેથ મૂની (૫૪ રન, ૩૭ બૉલ, એક સિક્સર, સાત ફોર), લેનિંગ (૪૯ અણનમ, ૩૪ બૉલ, બે સિક્સર, ચાર ફોર), ગાર્ડનર (૩૧ રન, ૧૮ બૉલ, પાંચ ફોર), અલીઝા હીલી (પચીસ રન, ૨૬ બૉલ, ત્રણ ફોર)નો ૧૭૨ રનમાં મુખ્ય ફાળો હતો. શિખા પાન્ડેએ બે તેમ જ દીપ્તિ શર્મા અને રાધા યાદવે એક-એક વિકેટ લીધી હતી.
કૅપ્ટન હરમનપ્રીત કૌર તાવને કારણે નહોતી રમવાની, પરંતુ તબિયત સારી થઈ જતાં તે રમવા આવી હતી.

Whatsapp-channel Whatsapp-channel

24 February, 2023 12:09 PM IST | New Delhi | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK