જેમાઇમા રૉડ્રિગ્સ અને રિચા ઘોષ વચ્ચે થઈ નૉટઆઉટ ૫૮ રનની પાર્ટનરશિપ, વિમેન્સ ટી૨૦ વર્લ્ડ કપમાં ભારતીય ટીમનો ૭ વિકેટે વિજય
ICC Women`s T20 World Cup
જેમાઇમા અને રિચા ઘોષ વચ્ચે થઈ ૫૮ રનની નૉટઆઉટ પાર્ટનરશિપ.
ભારતીય મહિલા ખેલાડીઓએ ગઈ કાલે કેપટાઉનમાં રમાયેલી વિમેન્સ ટી૨૦ વર્લ્ડ કપની મૅચમાં પાકિસ્તાનને ૭ વિકેટે હરાવીને ટી૨૦ વર્લ્ડ કપની શાનદાર શરૂઆત કરી હતી. એક સમયે ભારતે ૯૩ રનમાં ત્રણ વિકેટ ગુમાવી દીધી હતી, પરંતુ મુંબઈની ખેલાડી જેમાઇમા રૉડ્રિગ્સે નૉટઆઉટ ૫૩ રન અને રિચા ઘોષના નૉટઆઉટ ૩૧ રન વચ્ચે થયેલી આક્રમક પાર્ટનરશિપને કારણે મૅચ જીતી લીધી હતી. ઈજા બાદ પાછી ફરેલી જેમાઇમાએ પોતાની આક્રમક રમતનો પરચો બતાવ્યો હતો. ઓપનર શેફાલી વર્માએ ૩૩ રન કર્યા હતા. ભારતે ત્રણ વિકેટે ૧૫૧ રન કર્યા હતા.
ગઈ કાલે સાઉથ આફ્રિકાના કેપટાઉનમાં રમાયેલી વિમેન્સ ટી૨૦ વર્લ્ડ કપની મૅચમાં બિસ્માહ મારુફના નૉટઆઉટ ૬૮ રન અને આયેશા નસીમના નૉટઆઉટ ૪૩ રનને પરિણામે પાકિસ્તાને ગ્રુપ-બીની મૅચમાં ૪ વિકેટે ૧૪૯ રનનો પડકારજનક સ્કોર કર્યો હતો. ભારતીય બોલર રાધ યાદવ સૌથી સફળ રહી હતી, તેણે ચાર ઓવરમાં ૨૧ રન આપીને બે વિકેટ લીધી હતી. આંગળીમાં થયેલી ઈજાને કારણે સ્મૃતિ મંધાના આ મૅચમાં નહોતી રમી, તેને બદલે હર્લીન દેઓલનો સમાવેશ કરવામાં આવ્યો હતો.
પહેલી વિકેટ દીપ્તિ શર્માએ જવેરિયા ખાનને આઉટ કરીને લીધી હતી, ત્યાર બાદ રાધા યાદવે મુનીબા અલીને આઉટ કરતાં પાકિસ્તાને ૪૨ રનમાં બે વિકેટ ગુમાવી હતી. જોકે બિસ્માહ અને આયેશા વચ્ચે ૮૧ રનની પાર્ટનરશિપ થઈ હતી, જેમાં છેલ્લા ૨૫ બૉલમાં તેમણે ૪૩ રન કર્યા હતા. પાકિસ્તાને ટૉસ જીતીને બૅટિંગનો નિર્ણય લીધો હતો.