દરેક ટીમ હોમગ્રાઉન્ડ અને હરીફ ટીમના ગ્રાઉન્ડ પર ચાર-ચાર સિરીઝ રમશે, ૨૦૨૭માં શ્રીલંકામાં રમાશે પહેલી જ વિમેન્સ ચૅમ્પિયન્સ ટ્રોફી
ભારતીય વિમેન્સ ટીમ
ઇન્ટરનૅશનલ ક્રિકેટ કાઉન્સિલ (ICC) દ્વારા બહાર પાડવામાં આવેલા ૨૦૨૫થી ૨૦૨૯ સુધીના ફ્યુચર ટૂર પ્રોગ્રામ (FTP) અનુસાર ભારતીય વિમેન્સ ટીમ ઑસ્ટ્રેલિયા, ઇંગ્લૅન્ડ, બંગલાદેશ અને ઝિમ્બાબ્વે સામે હોમસિરીઝ રમશે. ઝિમ્બાબ્વેની વિમેન્સ ટીમ હાલમાં FTPમાં ૧૧મા સભ્ય તરીકે જોડાઈ છે. ભારતીય વિમેન્સ ટીમ આ ચાર વર્ષમાં ન્યુ ઝીલૅન્ડ, વેસ્ટ ઇન્ડીઝ, આયરલૅન્ડ અને સાઉથ આફ્રિકાનો પણ પ્રવાસ કરશે. FTPમાં દરેક સભ્યદેશે પોતાના હોમગ્રાઉન્ડ પર અને અન્ય ટીમના ગ્રાઉન્ડ પર ચાર-ચાર સિરીઝ રમવાની હોય છે. એ સિવાય ભારતીય ટીમ ૨૦૨૬માં વિમેન્સ T20 વર્લ્ડ કપ પહેલાં ઇંગ્લૅન્ડ અને ન્યુ ઝીલૅન્ડ સાથે ત્રિકોણીય સિરીઝ રમશે.
મે ૨૦૨૫થી એપ્રિલ ૨૦૨૯ સુધી ચાલનારા આ FTPમાં ત્રણેય ફૉર્મેટમાં ૪૦૦થી વધુ મૅચ રમાશે અને એમાં ૪૪ વન-ડે સિરીઝમાં ૧૩૨ મૅચનો ઉલ્લેખ છે. આ સમયગાળા દરમ્યાન ૨૦૨૫માં ICC વિમેન્સ વન-ડે વર્લ્ડ કપ (ભારત), ૨૦૨૬માં ICC વિમેન્સ T20 વર્લ્ડ કપ (ઇંગ્લૅન્ડ) અને ૨૦૨૮માં ICC વિમેન્સ T20 વર્લ્ડ કપ (હોસ્ટની જાહેરાત બાકી છે)નો સમાવેશ છે.
ADVERTISEMENT
ICC મહિલા વન-ડે ચૅમ્પિયનશિપ માટે નવી પૉઇન્ટ સિસ્ટમ સાથે ૧૧ ટીમનો સમાવેશ કરવાનો નિર્ણય પણ લેવામાં આવ્યો છે. ICCએ પહેલી T20 ચૅમ્પિયન્સ ટ્રોફીની પણ જાહેરાત કરી છે. ૬ ટીમ વચ્ચે આયોજિત આ ટુર્નામેન્ટ ૨૦૨૭માં શ્રીલંકામાં યોજાશે. એ દર વર્ષે ઓછામાં ઓછી એક વિમેન્સ વૈશ્વિક ટુર્નામેન્ટનું આયોજન કરવાની વ્યૂહાત્મક યોજનાનો ભાગ છે.
વિમેન્સ ફ્રૅન્ચાઇઝી ટુર્નામેન્ટને મળ્યો આ ટાઇમ-સ્લૉટ
ICCના આ આયોજન સાથે વિમેન્સ ક્રિકેટની વિવિધ ફ્રૅન્ચાઇઝી ટુર્નામેન્ટ ઓવરલૅપ ન થાય એ માટે સ્પેશ્યલ ટાઇમ-સ્લૉટની જાહેરાત કરવામાં આવી છે. ૨૦૨૬થી વિમેન્સ પ્રીમિયર લીગ (WPL) જાન્યુઆરી અને ફેબ્રુઆરીમાં રમાશે, જેની પહેલી સીઝન માર્ચ અને બીજી સીઝન ફેબ્રુઆરીમાં શરૂ થઈ હતી. ઑગસ્ટમાં ધ હન્ડ્રેડ અને નવેમ્બરમાં વિમેન્સ બિગ બૅશ લીગ સેટ કરવામાં આવી છે.