તેણે મેલબર્ન ટેસ્ટ પહેલાં રવિચન્દ્રન અશ્વિનના ૨૦૧૬ના ૯૦૪ પૉઇન્ટના સર્વોચ્ચ રેટિંગ-પૉઇન્ટની બરાબરી કરી હતી
જસપ્રીત બુમરાહ હાલમાં નંબર-વન ટેસ્ટ બોલર છે
ભારતીય ઝડપી બોલર જસપ્રીત બુમરાહે ગઈ કાલે ઇન્ટરનૅશનલ ક્રિકેટ કાઉન્સિલ (ICC) દ્વારા જાહેર કરાયેલા બોલિંગ-રૅન્કિંગ્સમાં ૯૦૭ રેટિંગ-પૉઇન્ટના આંકડા પર પહોંચીને નવો ભારતીય રેકૉર્ડ બનાવ્યો છે. તેણે મેલબર્ન ટેસ્ટ પહેલાં રવિચન્દ્રન અશ્વિનના ૨૦૧૬ના ૯૦૪ પૉઇન્ટના સર્વોચ્ચ રેટિંગ-પૉઇન્ટની બરાબરી કરી હતી.
ઑસ્ટ્રેલિયા સામેની ચોથી ટેસ્ટ-મૅચમાં તેના શાનદાર પ્રદર્શનના આધારે તે નવો ભારતીય રેકૉર્ડ બનાવવામાં સફળ રહ્યો છે. ભારતીય ક્રિકેટર તરીકે ૨૦૧૮માં વિરાટ કોહલીએ ટેસ્ટ-બૅટર તરીકે ૯૩૭ રેટિંગ-પૉઇન્ટનો હાઇએસ્ટ રેકૉર્ડ બનાવ્યો હતો.
ADVERTISEMENT
ઑસ્ટ્રેલિયન કૅપ્ટન પૅટ કમિન્સે મેલબર્નમાં બૉલ અને બૅટથી ધમાલ મચાવીને ઑલરાઉન્ડર અને બોલર્સ-રૅન્કિંગ્સમાં ત્રીજું સ્થાન મેળવી લીધું છે. યશસ્વી જાયસવાલે ૮૫૪ રેટિંગ-પૉઇન્ટ સાથે ચોથું સ્થાન મેળવ્યું છે. તે ટેસ્ટ-બૅટરમાં ટૉપ-ટેનમાં એકમાત્ર ભારતીય બૅટર છે, જ્યારે પહેલી ઇન્ટરનૅશનલ સેન્ચુરી કરનાર નીતીશ કુમાર રેડ્ડીએ ટેસ્ટ-બૅટિંગ રૅન્કિંગ્સમાં ૨૦ સ્થાનની છલાંગ લગાવીને ૫૩મું સ્થાન મેળવ્યું છે.