ન્યુ ઝીલૅન્ડના સ્પિનર મિચલ સૅન્ટનરે લગાવી ૩૦ સ્થાનની છલાંગ
કૅગિસો રબાડા
સાઉથ આફ્રિકાનો ઝડપી બોલર કૅગિસો રબાડા (૮૬૦ રેટિંગ પૉઇન્ટ) ભારતીય ઝડપી બોલર જસપ્રીત બુમરાહ (૮૪૬)ને પછાડીને ICC રૅન્કિંગમાં નંબર વન ટેસ્ટ-બોલર બની ગયો છે. બુમરાહને બે સ્થાનનું નુકસાન થયું છે જેના કારણે ઑસ્ટ્રેલિયન ફાસ્ટ બોલર જોશ હેઝલવુડ (૮૪૭) બીજા સ્થાને પહોંચ્યો છે. ન્યુ ઝીલૅન્ડ સામેની પુણે ટેસ્ટમાં બુમરાહ એક પણ વિકેટ લઈ શક્યો નહોતો.
બંગલાદેશ સામે પહેલી ટેસ્ટમાં ૯ વિકેટ લેનાર કૅગિસો રબાડાએ ત્રણ સ્થાનની છલાંગ લગાવી હતી, જ્યારે ભારતીય સ્પિનર રવિચન્દ્રન અશ્વિન બે સ્થાનના નુકસાન સાથે ચોથા ક્રમે પહોંચ્યો છે. રાવલપિંડીમાં ઇંગ્લૅન્ડ સામેની અંતિમ ટેસ્ટમાં શાનદાર બોલિંગ કરનાર પાકિસ્તાનના સ્પિનર નોમાન અલીએ ૮ સ્થાનના ફાયદા સાથે ટૉપ-ટેનમાં એન્ટ્રી કરી છે. પુણે ટેસ્ટના પ્લેયર ઑફ ધ મૅચ મિચલ સૅન્ટનરે ૩૦ સ્થાનની જોરદાર છલાંગ સાથે ૪૪મો ક્રમ મેળવ્યો છે.
ટેસ્ટ-બૅટ્સમેનોનાં રૅન્કિંગ્સમાં યશસ્વી જાયસવાલ એક સ્થાન આગળ વધીને ત્રીજા સ્થાને પહોંચ્યો છે. રિષભ પંતને પાંચ સ્થાનનું નુકસાન થતાં અગિયાર નંબર પર અને વિરાટ કોહલીને છ સ્થાનનું નુકસાન થતાં તે ૧૪મા ક્રમે આવી ગયો છે. પાકિસ્તાનના સઉદ શકીલે ૨૦ સ્થાનની છલાંગ સાથે સાતમો અને ન્યુ ઝીલૅન્ડના રાચિન રવીન્દ્રે આઠ સ્થાનના ફાયદા સાથે ૧૦મો ક્રમ મેળવ્યો છે. કૅપ્ટન રોહિત શર્મા ૯ સ્થાનના નુકશાન સાથે ૨૪મા ક્રમે છે.