વિરાટ-અર્શદીપના ભાંગડાને સૌથી વધુ ૧૨ કરોડ ૪૦ લાખ વ્યુઝ મળ્યા
વિરાટ-અર્શદીપના ભાંગડાનો વીડિયો જોવાયો સૌથી વધુ
૨૯ જૂને જ્યારે બાર્બેડોઝમાં ૧૪૦ કરોડ ભારતીયોનું બીજી વાર T20 વર્લ્ડ ચૅમ્પિયન બનવાનું સપનું પૂરું થયું એના ૨૪ કલાકમાં ઇન્ટરનૅશનલ ક્રિકેટ કાઉન્સિલ (ICC)ને રેકૉર્ડબ્રેક વ્યુઝ મળ્યા હતા. ICCએ એની ડિજિટલ ચૅનલ પર ફાઇનલ મૅચના જે વિડિયો શૅર કર્યા હતા એનાથી એને ૨૪ કલાકમાં હમણાં સુધીના સૌથી વધારે ૧૩૦ કરોડ વ્યુઝ મળ્યા હતા. ચૅમ્પિયન બન્યા બાદ વિરાટ કોહલીએ અર્શદીપ સિંહ સાથે ‘તુનક તુનક’ સૉન્ગ પર કરેલા ભાંગડાને સૌથી વધુ ૧૨ કરોડ ૪૦ લાખ વ્યુઝ મળ્યા હતા. મુંબઈકર સૂર્યકુમાર યાદવના આઇકૉનિક કૅચને ૧૦.૧ કરોડ વ્યુઝ મળ્યા અને એ વ્યુઝ હજી વધી રહ્યા છે.
રોહિત શર્માએ ટ્રોફી લેવા જતી વખતે જે રીતે વૉક કર્યું એને ૮.૫ કરોડ, રોહિતને ભેટીને હાર્દિક પંડ્યા રડ્યો એને ૬.૬ કરોડ, ઇયાન સ્મિથની આઇકૉનિક કૉમેન્ટરીને ૬.૨ કરોડ, જસપ્રીત બુમરાહ અને તેના દીકરા અંગદના વિડિયોને ૬.૧ કરોડ, રોહિત-વિરાટના વર્લ્ડ કપ સાથેના વિડિયોને ૫.૯ કરોડ, પંડ્યાના યુનિક સ્ટાઇલમાં સેલિબ્રેશનને ૫.૬ કરોડ અને રોહિતે બાર્બેડોઝની પિચની ધૂળ ફાકી એ વિડિયોને ૪.૯ કરોડ વ્યુઝ ૨૪ કલાકમાં મળ્યા હતા.