ICC ટેસ્ટ-રૅન્કિંગ્સમાં ટોચનું સ્થાન જાળવી રાખ્યું : બોલૅન્ડની ૨૯ સ્થાનની છલાંગ સાથે ટૉપ-ટેનમાં એન્ટ્રી
જસપ્રીત બુમરાહ
ICCનું ટેસ્ટ-રૅન્કિંગ્સ ગઈ કાલે અપડેટ થયું છે જેમાં ભારતીય ફાસ્ટ બોલર જસપ્રીત બુમરાહે બોલિંગ-રૅન્કિંગમાં ૯૦૮ રેટિંગ-પૉઇન્ટ સાથે પોતાનું નંબર વનનું સ્થાન જાળવી રાખ્યું છે. એક-એક સ્થાનના ફાયદા સાથે ઑસ્ટ્રેલિયન કૅપ્ટન પૅટ કમિન્સ બીજા અને સાઉથ આફ્રિકન ફાસ્ટ બોલર કૅગિસો રબાડા ત્રીજા સ્થાને પહોંચ્યા છે. ઇન્જર્ડ ઑસ્ટ્રેલિયન ફાસ્ટ બોલર જોશ હેઝલવુડને બે સ્થાનનું નુકસાન થતાં તે ચોથા ક્રમે આવી ગયો છે.
ભારતનો ડાબોડી સ્પિનર રવીન્દ્ર જાડેજા એક સ્થાન આગળ વધીને સંયુક્ત નવમા સ્થાને છે. સિડની ટેસ્ટ-મૅચનો પ્લેયર ઑફ ધ મૅચ સ્કૉટ બોલૅન્ડ પણ નવમા ક્રમે છે. તેણે શાનદાર પ્રદર્શનની મદદથી ૨૯ સ્થાનની છલાંગ લગાવીને ટૉપ-ટેનમાં એન્ટ્રી મારી છે. તેણે સિડની ટેસ્ટમાં ૧૦ વિકેટ ઝડપી હતી.
ADVERTISEMENT
ટેમ્બા બવુમાએ કરીઅરનું સર્વશ્રેષ્ઠ રૅન્કિંગ હાંસલ કર્યું
નવ ટેસ્ટ-મૅચથી સાઉથ આફ્રિકાને અજેય રાખનાર ટેમ્બા બવુમાએ ત્રણ સ્થાનના ફાયદા સાથે ટેસ્ટ-બૅટર્સના રૅન્કિંગમાં છઠ્ઠું સ્થાન મેળવ્યું છે. ૭૬૮ રેટિંગ-પૉઇન્ટ અને છઠ્ઠું રૅન્કિંગ તેની કરીઅરના સર્વોચ્ચ આંકડા છે. બૅટર્સ-રૅન્કિંગમાં ઇંગ્લૅન્ડનો જો રૂટ નંબર વન પર છે અને ટૉપ-ફાઇવમાં કોઈ ફેરફાર થયો નથી. ભારતીય ઓપનર યશસ્વી જાયસવાલ ચોથા ક્રમે જળવાઈ રહ્યો છે. સિડની ટેસ્ટ મૅચમાં ૩૦ બૉલની અંદર ફિફ્ટી ફટકારનાર ભારતનો વિકેટકીપર-બૅટર રિષભ પંત ત્રણ સ્થાનની છલાંગ સ્થાને નવમા ક્રમે આવી ગયો છે.