૨૦૨૫ની ચૅમ્પિયન્સ ટ્રોફીનું યજમાન પાકિસ્તાન રહેશે, પણ ભારતની મૅચ તટસ્થ સ્થળે રમાશે
તસવીર સૌજન્ય : એજન્સી
ભારતીય ક્રિકેટ બોર્ડના ભૂતપૂર્વ સેક્રેટરી જય શાહે ઇન્ટરનૅશનલ ક્રિકેટ કાઉન્સિલ (ICC)નું ચૅરમૅનપદ સંભાળ્યા બાદ પહેલો મોટો નિર્ણય લેવામાં આવ્યો છે. ૨૦૨૫માં પાકિસ્તાનમાં યોજાનારી વન-ડે ચૅમ્પિયન્સ ટ્રોફીમાં હાઇબ્રિડ મૉડલની ભારતીય ટીમની માગણી સ્વીકારવામાં આવી છે. યજમાન પાકિસ્તાન જ રહેશે, પણ ભારતીય ટીમની મૅચ તટસ્થ સ્થળે રમાશે. હમણાં સુધી ભારતની માગણી સામે વિરોધ કરતા પાકિસ્તાન ક્રિકેટ બોર્ડનો આખરે ઝૂકવાનો વારો આવ્યો છે.
આ ટુર્નામેન્ટના શેડ્યુલની જાહેરાત ટૂંક સમયમાં કરવામાં આવશે. ૨૦૨૮ સુધી પાકિસ્તાન અને ભારતની મેન્સ તેમ જ વિમેન્સ ટીમ માટે ICC ટુર્નામેન્ટમાં હાઇબ્રિડ મૉડલ લાગુ થશે. આ સિસ્ટમ ૨૦૨૫ની ચૅમ્પિયન્સ ટ્રોફી (પાકિસ્તાન), ૨૦૨૫ના વિમેન્સ વન-ડે વર્લ્ડ કપ (ભારત), ૨૦૨૬ના T20 વર્લ્ડ કપ (ભારત અને શ્રીલંકા) અને વિમેન્સ T20 વર્લ્ડ કપ (પાકિસ્તાન)ના આયોજનમાં પણ લાગુ થશે. એટલે કે ૨૦૨૮ સુધી ભારતની ટીમ પાકિસ્તાનમાં અને પાકિસ્તાનની ટીમ ભારતમાં ક્રિકેટ રમે એવી કોઈ શક્યતા નથી. બન્ને દેશની નૅશનલ ક્રિકેટ ટીમ વચ્ચે તટસ્થ સ્થળે જ ક્રિકેટનો જંગ જામશે.