૧૯ ફેબ્રુઆરીથી શરૂઆત, ૯ માર્ચે ફાઇનલ: ભારત ફાઇનલમાં આવે તો મૅચ દુબઈમાં, અન્યથા લાહોરમાં
પ્રતીકાત્મક ફાઈલ તસવીર
૧૯ ફેબ્રુઆરીએ શરૂ થતી વન-ડે ક્રિકેટની ચૅમ્પિયન્સ ટ્રોફીનું શેડ્યુલ ઇન્ટરનૅશનલ ક્રિકેટ કાઉન્સિલ (ICC) દ્વારા ગઈ કાલે જાહેર કરવામાં આવ્યું હતું. આ ટુર્નામેન્ટમાં ભારત અને પાકિસ્તાનનો મુકાબલો ટુર્નામેન્ટના પાંચમા દિવસે, ૨૩ ફેબ્રુઆરીના રવિવારે થશે. આ ટુર્નામેન્ટમાં કુલ ૮ ટીમો છે અને એમાં ૧૫ મૅચો રમાશે. પાકિસ્તાન અને દુબઈમાં રમાનારી આ ટુર્નામેન્ટમાં મોટા ભાગની મૅચો પાકિસ્તાનમાં અને ભારતની તમામ મૅચો દુબઈમાં રમાશે. ફાઇનલ ૯ માર્ચે રમાશે.
ચૅમ્પિયન્સ ટ્રોફીમાં ૮ ટીમોને બે ગ્રુપમાં વહેંચી દેવામાં આવી છે. ગ્રુપ Aમાં ડિફેન્ડિંગ ચૅમ્પિયન અને યજમાન પાકિસ્તાનની સાથે ભારત, ન્યુ ઝીલૅન્ડ અને બંગલાદેશ છે; જ્યારે ગ્રુપ Bમાં ૨૦૨૩ની વન-ડે વર્લ્ડ કપ ચૅમ્પિયન ટીમ ઑસ્ટ્રેલિયા સામે અફઘાનિસ્તાન, ઇંગ્લૅન્ડ અને સાઉથ આફ્રિકા છે.
ADVERTISEMENT
પાકિસ્તાનમાં આ ટુર્નામેન્ટની મૅચો કરાચી, લાહોર અને રાવલપિંડીમાં રમાશે. દરેક શહેરમાં ગ્રુપ-સ્ટેજની ત્રણ-ત્રણ મૅચો રમાશે. પહેલી સેમી ફાઇનલ દુબઈમાં તથા બીજી સેમી ફાઇનલ અને ફાઇનલ લાહોરમાં રમાશે. જો ભારત ફાઇનલમાં આવ્યું તો ફાઇનલ દુબઈમાં રમાશે.
ચૅમ્પિયન્સ ટ્રોફીની પહેલી મૅચ ૧૯ ફેબ્રુઆરીએ કરાચીમાં પાકિસ્તાન અને ન્યુ ઝીલૅન્ડ વચ્ચે રમાશે. ભારતની પહેલી મૅચ ૨૦ ફેબ્રુઆરીએ દુબઈમાં બંગલાદેશ સામે રમાશે.
ગ્રુપ A ગ્રુપ B
ભારત ઑસ્ટ્રેલિયા
પાકિસ્તાન ઇંગ્લૅન્ડ
ન્યુ ઝીલૅન્ડ સાઉથ આફ્રિકા
બંગલાદેશ અફઘાનિસ્તાન
ચૅમ્પિયન્સ ટ્રોફીમાં ભારતની મૅચો
૨૦ ફેબ્રુઆરી : બંગલાદેશ સામે
૨૩ ફેબ્રુઆરી : પાકિસ્તાન સામે
૨ માર્ચ : ન્યુ ઝીલૅન્ડ સામે