ICC Champions Trophy 2025: ટૂર્નામેન્ટ પહેલા પાકિસ્તાની ટીમ ન્યૂઝીલૅન્ડ અને દક્ષિણ આફ્રિકા સામે આ સિરીઝ થશે. આ સિરીઝ મુલતાનમાં શેડ્યૂલ કરવામાં આવી છે. પીસીબીએ આ સિરીઝને લાહોર અને કરાચીમાં શિફ્ટ કરવાનો નિર્ણય લીધો છે.
પ્રતીકાત્મક ફાઇલ તસવીર
પાકિસ્તાન દ્વારા યોજાનારી ICC ચેમ્પિયન્સ ટ્રૉફી 2025માં (ICC Champions Trophy 2025) હવે વધુ સમય બાકી નથી. આ ટુર્નામેન્ટ 19મી ફેબ્રુઆરીથી શરૂ થશે. આ ટુર્નામેન્ટ હાઇબ્રિડ મોડલ હેઠળ યોજાઈ રહી છે. ભારતીય ટીમ તેની તમામ મૅચ દુબઈમાં રમશે. જ્યારે બાકીની મેચો પાકિસ્તાનના ત્રણ સ્ટેડિયમમાં યોજાવાની છે. આ ટૂર્નામેન્ટ માથા પર આવી ગઈ છે તેમ છતાં પાકિસ્તાનના ત્રણેય સ્ટેડિયમમાં હજુ કામ ચાલી રહ્યું છે. એટલે કે ત્રણેય સ્ટેડિયમ સંપૂર્ણપણે તૈયાર નથી. જેને લીધે હવે ઇન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ (ICC) પણ આનાથી નાખુશ છે.
મળેલી માહિતી મુજબ જો પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ (PCB) (ICC Champions Trophy 2025) નિર્ધારિત સમય સુધીમાં ત્રણેય સ્ટેડિયમ પૂર્ણ કરવામાં સક્ષમ નહીં હોય, તો ટૂર્નામેન્ટ સંપૂર્ણપણે શિફ્ટ થઈ જશે અને તે UAEમાં યોજાઈ શકે છે. બીજી તરફ, PCBનું માનવું છે કે સ્ટેડિયમ તૈયાર છે, કામ તેના અંતિમ તબક્કામાં છે. પીસીબીના આત્મવિશ્વાસનો અંદાજ એ વાત પરથી લગાવી શકાય છે કે તે ચેમ્પિયન્સ ટ્રૉફી પહેલા લાહોર અને કરાચીમાં ટ્રાઈ સિરીઝ યોજવા માગે છે. ટૂર્નામેન્ટ પહેલા પાકિસ્તાની ટીમ ન્યૂઝીલૅન્ડ અને દક્ષિણ આફ્રિકા સામે આ સિરીઝ થશે. આ સિરીઝ મુલતાનમાં શેડ્યૂલ કરવામાં આવી છે. પીસીબીએ આ સિરીઝને લાહોર અને કરાચીમાં શિફ્ટ કરવાનો નિર્ણય લીધો છે. તે આ નિર્ણય લઈને પ્રશંસકો અને ક્રિકેટ જગતને આશ્વાસન આપવા માગે છે. હાલમાં, આ સિરીઝ હજુ પણ મુલતાનમાં જ શેડ્યૂલ કરવામાં આવી છે. પુનઃનિર્ધારણની સત્તાવાર જાહેરાત બાદ વધુ વિગતો આપવામાં આવશે.
ADVERTISEMENT
ગદ્દાફી સ્ટેડિયમમાં હજુ ચાલુ છે
લાહોરના (ICC Champions Trophy 2025) ગદ્દાફી સ્ટેડિયમની ક્ષમતા 35 હજાર દર્શકોની છે. સમગ્ર સ્ટેડિયમમાં નવી ખુરશીઓ લગાવવામાં આવી છે. 480 એલઈડી લાઈટો લગાવવામાં આવી છે. આગામી સપ્તાહ સુધીમાં બે ડિજિટલ રિપ્લે સ્ક્રીન પણ ઇન્સ્ટોલ કરવામાં આવશે. પીસીબીના જણાવ્યા અનુસાર આ સ્ટેડિયમ જાન્યુઆરીના અંતિમ સપ્તાહ સુધીમાં તૈયાર થઈ જશે. તમને જણાવી દઈએ કે પાકિસ્તાને 25 જાન્યુઆરી સુધીમાં ચેમ્પિયન્સ ટ્રૉફી માટે ત્રણેય સ્ટેડિયમ તૈયાર કરીને આઈસીસીને સોંપવાના છે. જો આ કામમાં વિલંબ થશે તો ટુર્નામેન્ટ શિફ્ટ કરવાનું વિચારી શકાય છે જે પાકિસ્તાન માટે એક મોટો ફટકો સાબિત થશે.
અહીં જુઓ ચેમ્પિયન્સ ટ્રૉફી 2025નું સંપૂર્ણ શેડ્યૂલ
19 ફેબ્રુઆરી- પાકિસ્તાન વિ ન્યુઝીલૅન્ડ, કરાચી
20 ફેબ્રુઆરી- બાંગ્લાદેશ વિરુદ્ધ ભારત, દુબઈ
21 ફેબ્રુઆરી- અફઘાનિસ્તાન વિરુદ્ધ દક્ષિણ આફ્રિકા, કરાચી
22 ફેબ્રુઆરી- ઑસ્ટ્રેલિયા વિરુદ્ધ ઇંગ્લૅન્ડ, લાહોર
23 ફેબ્રુઆરી- પાકિસ્તાન વિરુદ્ધ ભારત, દુબઈ
24 ફેબ્રુઆરી- બાંગ્લાદેશ vs ન્યુઝીલૅન્ડ, રાવલપિંડી
25 ફેબ્રુઆરી- ઑસ્ટ્રેલિયા વિરુદ્ધ દક્ષિણ આફ્રિકા, રાવલપિંડી
26 ફેબ્રુઆરી- અફઘાનિસ્તાન વિરુદ્ધ ઇંગ્લૅન્ડ, લાહોર
27 ફેબ્રુઆરી- પાકિસ્તાન વિ બાંગ્લાદેશ, રાવલપિંડી
28 ફેબ્રુઆરી- અફઘાનિસ્તાન વિરુદ્ધ ઑસ્ટ્રેલિયા, લાહોર
1 માર્ચ- દક્ષિણ આફ્રિકા વિરુદ્ધ ઇંગ્લૅન્ડ, કરાચી
2 માર્ચ- ન્યુઝીલૅન્ડ વિરુદ્ધ ભારત, દુબઈ
4 માર્ચ- સેમિફાઇનલ-1, દુબઈ
5 માર્ચ- સેમિફાઇનલ-2, લાહોર
9 માર્ચ - ફાઇનલ, લાહોર અથવા જો ભારત ફાઇનલમાં પહોંચશે તો દુબઇમાં રમાશે
10 માર્ચ- રિઝર્વ-ડે