હરાજી પહેલાં રોહિત શર્મા અને રવિચંદ્રન અશ્વિને ખેલાડીઓ તથા ટીમના માલિકોને પાઠવી શુભેચ્છા
Women`s IPL Auction
રોહિત શર્મા અને રવિચન્દ્રન અશ્વિન
ભારતીય ટીમના કૅપ્ટન રોહિત શર્મા અને બોલિંગ ઑલરાઉન્ડર રવિચન્દ્રન અશ્વિને આજે મુંબઈમા યોજાનારી વિમેન્સ પ્રીમિયર લીગની હરાજી પહેલાં મહિલા ખેલાડીઓ અને ટીમના માલિકોને શુભેચ્છા પાઠવી હતી. કુલ ૧૫૨૫ ખેલાડીઓએ હરાજી માટે અરજી કરી હતી, જે પૈકી ૪૦૯ ખેલાડીઓને શૉર્ટલિસ્ટ કરવામાં આવી હતી. પાંચ ટીમ મળીને ૯૦ ખેલાડીઓને પસંદ કરશે, જેમાં ૩૦ વિદેશી ખેલાડીઓ હશે. ૨૪ ખેલાડીઓ માટે ૫૦ લાખ રૂપિયા રિઝર્વ પ્રાઇસ રાખી છે, જેમાં ૧૩ વિદેશી ખેલાડીઓ છે. રોહિત અને અશ્વિને કહ્યું કે ડબ્લ્યુપીએલ મહિલા ક્રિકેટમાં મોટું પરિવર્તન લાવશે.
રોહિતે એક વિડિયોમાં કહ્યું કે ‘ભારતીય ક્રિકેટમાં એક ઐતિહાસિક પળ છે. થોડા દિવસોમાં વિમેન્સ પ્રીમિયર લીગ શરૂ થશે. તમામ ટીમને અને ખેલાડીઓને શુભેચ્છા પાઠવું છું.’
ADVERTISEMENT
અશ્વિને પોતાના સંદેશમાં કહ્યું કે ‘મહિલાઓ માટે પણ ઉચ્ચ સ્તરે પોતાની પ્રતિભા બતાવવાની તક છે. મહિલા ટીમ પણ બહુ સારું પ્રદર્શન કરી રહી છે.’
ફ્રી જોઈ શકાશે લાઇવ સ્ટ્રીમિંગ
વિમેન્સ પ્રીમિયર લીગ (ડબ્લ્યુપીએલ)ની પહેલી સીઝન માટે ખેલાડીઓની હરાજી આજે થવાની છે અને એના બ્રૉડકાસ્ટિંગ રાઇટ્સ વાયકૉમ૧૮ પાસે છે એથી સ્પોર્ટ્સ૧૮ નેટવર્કની ચૅનલ સ્પોર્ટ્સ૧૮-૧ એસડી અને સ્પોર્ટ્સ૧૮-૧એચડી પર લાઇવ જોઈ શકાશે. ભારતમાં લાઇવ સ્ટ્રીમિંગ જિયો સિનેમા ઍપ પર જોઈ શકાશે. જિયો સિનેમા ઍપ પર ફ્રીમાં લાઇવ સ્ટ્રીમિંગ થશે, જેને મોબાઇલ, લૅપટૉપ કે ટૅબ પર લૉગિંગ કરીને હરાજી જોઈ શકાશે.