દરેક ટીમમાં હશે માત્ર ૬ ખેલાડીઓ, એક મૅચમાં રમાશે પાંચ-પાંચ ઓવર, ભારત ૨૦૦૫માં બન્યું હતું ચૅમ્પિયન
પ્રતીકાત્મક તસવીર
૧૯૯૨માં શરૂ થયેલી હૉન્ગકૉન્ગ સિક્સિસ ટુર્નામેન્ટ એના નાના ગ્રાઉન્ડ, યુનિક નિયમો અને શાનદાર સિક્સરને કારણે લોકપ્રિય બની હતી. છેલ્લે ૨૦૧૭માં આ ટુર્નામેન્ટ રમાઈ હતી અને હવે ૭ વર્ષ બાદ નવેમ્બરમાં આ ટુર્નામેન્ટની વાપસી થઈ રહી છે. ભારત સહિત ૧૨ ટીમો આ પાંચ-પાંચ ઓવરની મૅચવાળી ટુર્નામેન્ટમાં ભાગ લેશે. ભારતીય ટીમે છેલ્લે ૨૦૧૨માં આ ટુર્નામેન્ટમાં ભાગ લીધો હતો.
એકથી ૩ નવેમ્બર દરમ્યાન આ ટુર્નામેન્ટમાં દરેક ટીમ તરફથી માત્ર ૬ ક્રિકેટર્સ રમશે. સાઉથ આફ્રિકા અને ઇંગ્લૅન્ડ પાંચ-પાંચ વાર, પાકિસ્તાન ચાર વાર અને શ્રીલંકા, ઑસ્ટ્રેલિયા અને વેસ્ટ ઇન્ડીઝ એક-એક વાર આ ટુર્નામેન્ટમાં ચૅમ્પિયન બન્યાં હતાં. ૧૯૯૬માં રનર-અપ રહેલી ભારતીય ટીમ ૨૦૦૫માં વેસ્ટ ઇન્ડીઝને હરાવીને આ ટુર્નામેન્ટમાં પહેલી વાર ચૅમ્પિયન બની હતી. એમએસ ધોની, સચિન તેન્ડુલકર અને બ્રાયન લારા જેવા દિગ્ગજ આ ટુર્નામેન્ટમાં ધમાલ મચાવી ચૂક્યા છે.