રિટાયર્ડ ક્રિકેટર રવિચંદ્રન અશ્વિને ચેન્નઈની એક પ્રાઇવેટ કૉલેજમાં આપ્યું વિવાદિત નિવેદન
રવિચંદ્રન અશ્વિન
રિટાયર્ડ ક્રિકેટર રવિચંદ્રન અશ્વિને ચેન્નઈની એક પ્રાઇવેટ કૉલેજમાં સ્ટુડન્ટ્સ સાથેની વાતચીતમાં તેની કરીઅર અને હિન્દી ભાષા વિશે કરેલી કમેન્ટ્સે વિવાદ જગાવ્યો છે.
સ્ટુડન્ટ્સના ગ્રૅજ્યુએશન સમારોહમાં બોલતાં અશ્વિને વિદ્યાર્થીઓને પૂછ્યું હતું કે તામિલ અને અંગ્રેજીમાં પ્રભુત્વ ન હોય એવા કોઈ સ્ટુડન્ટને હિન્દી ભાષામાં સવાલ કરવા છે? આ સવાલ બાદ સ્ટુડન્ટ્સમાં સોપો પડી જતાં અશ્વિને કહ્યું હતું કે હિન્દી ભારતની સત્તાવાર ભાષા છે, રાષ્ટ્રભાષા નથી.
ADVERTISEMENT
અશ્વિને આમ ભારતની રાષ્ટ્રભાષાનો મુદ્દો ઉપાડતાં એ ચર્ચાનો વિષય બન્યો હતો. તામિલનાડુમાં ઐતિહાસિક, સાંસ્કૃતિક અને રાજકીય રીતે હિન્દી ભાષાનો મુદ્દો ખૂબ જ સંવેદનીલ છે. તામિલનાડુમાં ૧૯૩૦-’૪૦માં સ્કૂલોમાં હિન્દી ભાષાનું શિક્ષણ ફરજિયાત બનાવવામાં આવતાં એનો જોરદાર વિરોધ થયો હતો. દ્રવિડિયન લોકોએ આ ભાષાનો જોરદાર વિરોધ કર્યો હતો અને જોરદાર આંદોલનો થયાં હતાં. તેઓ તામિલ લોકોના અધિકાર બાબતે જાગૃત હતા અને હિન્દીના વિરોધમાં તેમનો અવાજ બુલંદ રહ્યો હતો. કેન્દ્ર સરકાર હિન્દી ભાષા રાજ્ય પર થોપવા માગે છે એવું લોકોને ઠસાવવામાં તામિલનાડુના રાજકારણીઓ સફળ રહ્યા હતા. ત્યારથી તામિલનાડુની રાજકીય પાર્ટીઓ તામિલ ભાષાના મુદ્દે સજાગ બની ગઈ છે. તેઓ કહે છે કે ‘હિન્દી કે બીજી ભાષાનું શિક્ષણ અમારી ઓળખને ખતમ કરવાનો પ્રયાસ માનવામાં આવશે. ભાષા એ સાંસ્કૃતિક ઓળખનો મહત્ત્વનો ભાગ છે.’
ક્રિકેટની કરીઅર વિશે બોલતાં અશ્વિને કહ્યું હતું કે ‘ઘણી વાર અટકળો લગાવવામાં આવતી હતી કે હું કૅપ્ટન્સી સંભાળીશ, પણ મેં એવું કદી કર્યું નથી. જ્યારે કોઈ એમ કહે છે કે હું આ કરી શકું એમ નથી તો હું એ જરૂર કરવા ચાહતો હોઉ છું, પણ જો કોઈ એમ કહે કે હું આ કરી શકું છું તો એમાંથી મારી રુચિ ખતમ થઈ જાય છે. મેં એન્જિનિયરિંગ કર્યું છે અને જો કોઈ એન્જિનિયરિંગ સ્ટાફે એમ કહ્યું હોત કે હું કૅપ્ટન બની શકું એમ નથી તો મેં એ માટે સંઘર્ષ કર્યો હોત. એન્જિનિયરિંગ સ્ટુડન્ટ્સે ફોકસ્ડ રહેવું જોઈએ અને તેમના મનમાં કોઈ શંકા જન્મે તો એ ઉકેલવાનો પ્રયાસ
કરવો જ જોઈએ.’
આજીવન શીખતા રહેવું જોઈએ એ મુદ્દે બોલતાં અશ્વિને કહ્યું હતું કે જો તમે સ્ટુડન્ટ છો તો ક્યાંય અટકશો નહીં, પણ જો તમે સ્ટુડન્ટ નહીં રહો તો નવું શીખવાનું બંધ કરી દેશો અને એક્સલન્સ શબ્દ તમારા કબાટનો એક શબ્દ બની રહેશે.