ઇન્ટરનૅશનલ ક્રિકેટ પર ધ્યાન આપવા IPL 2025માંથી નામ પાછું ખેંચનાર ઇંગ્લૅન્ડના હૅરી બ્રુક પર આ ટુર્નામેન્ટમાં આગામી બે સીઝન માટે બૅન લાગ્યો છે. હવે ૨૬ વર્ષના આ ક્રિકેટરને ઇંગ્લૅન્ડ ઍન્ડ વેલ્સ ક્રિકેટ બોર્ડે પોતાની વાઇટ-બૉલ ક્રિકેટ-ટીમનો કૅપ્ટન બનાવ્યો.
હૅરી બ્રુક
ઇન્ટરનૅશનલ ક્રિકેટ પર ધ્યાન આપવા IPL 2025માંથી નામ પાછું ખેંચનાર ઇંગ્લૅન્ડના સ્ટાર બૅટર હૅરી બ્રુક પર આ ટુર્નામેન્ટમાં આગામી બે સીઝન માટે બૅન લાગ્યો છે. હવે ૨૬ વર્ષના આ જ ક્રિકેટરને ઇંગ્લૅન્ડ ઍન્ડ વેલ્સ ક્રિકેટ બોર્ડે પોતાની વાઇટ-બૉલ ક્રિકેટ-ટીમનો કૅપ્ટન બનાવ્યો છે. ભૂતપૂર્વ કૅપ્ટન જૉસ બટલરની સાથે તે બે વર્ષ કરતાં વધુ સમયથી વાઇસ-કૅપ્ટન તરીકે કામ કરી ચૂક્યો છે.
હૅરી બ્રુકે સપ્ટેમ્બર ૨૦૨૪માં ઑસ્ટ્રેલિયા સામેની પાંચ મૅચની વન-ડે સિરીઝમાં ઇંગ્લૅન્ડના ૩૭મા વન-ડે કૅપ્ટન તરીકે સેવા આપી હતી. તેના નેતૃત્વમાં ટીમ પાંચમાંથી ત્રણ મૅચ હારી અને બે જીતી હતી. બ્રુકને ૨૦૧૮ની અન્ડર-19 વર્લ્ડ કપ ટીમ અને ધ હન્ડ્રેડ ટુર્નામેન્ટમાં નૉર્ધર્ન સુપરચાર્જર્સ ટીમ માટે કૅપ્ટન્સી કરવાનો અનુભવ છે. મે-જૂન ૨૦૨૫ દરમ્યાન ઘરઆંગણે તે વેસ્ટ ઇન્ડીઝ સામેની લિમિટેડ ઓવર્સની ક્રિકેટની સિરીઝમાં ઇંગ્લૅન્ડના બારમા T20 કૅપ્ટન તરીકે કામ કરતો જોવા મળશે. તેણે સપ્ટેમ્બર ૨૦૨૨થી ઇંગ્લૅન્ડ માટે ૨૬ વન-ડે મૅચ અને ૪૪ T20 મૅચ રમી છે.

