ભવિષ્યને ધ્યાનમાં રાખીને ક્રિકેટ બોર્ડ નવો ચહેરો લાવવા માગે છે
હરમનપ્રીત કૌર
વિમેન્સ T20 વર્લ્ડ કપમાં ભારતીય ટીમ સેમી ફાઇનલ માટે ક્વૉલિફાય ન થઈ શકી એને પગલે ભારતીય ક્રિકેટ બોર્ડ હરમનપ્રીત કૌરને કૅપ્ટનના પદેથી હટાવી દેશે એવી ચર્ચા છે. ટીમનો હેડ કોચ અમોલ મઝુમદાર ક્રિકેટ બોર્ડના અધિકારીઓ અને સિલેક્શન કમિટીને મળીને ભવિષ્ય વિશે ચર્ચા કરવાનો છે. બોર્ડ સાથે સંકળાયેલી એક વ્યક્તિએ કહ્યું હતું કે ટીમને નવા કૅપ્ટનની જરૂર છે કે નહીં એના વિશે ચોક્કસપણે ચર્ચા થશે, બોર્ડે ટીમને બધી જ સગવડ-સુવિધા પૂરી પાડી છે અને હવે નવો ચહોરો ટીમનું નેતૃત્વ કરે એ સમય આવી ગયો છે.
અમોલ મઝુમદાર અને બોર્ડના અધિકારીઓની મીટિંગ ભારતીય મહિલા ટીમની ન્યુ ઝીલૅન્ડ સામે ૨૪ ઑક્ટોબરથી શરૂ થતી વન-ડે સિરીઝ પહેલાં થાય એવી ધારણા છે. હરમનપ્રીત ૨૦૧૬થી ટીમનું નેતૃત્વ કરી રહી છે એટલે ઘરઆંગણે ૨૦૨૫માં મહિલાઓનો વન-ડે વર્લ્ડ કપ રમાય એ પહેલાં બોર્ડ નેતૃત્વમાં ફેરફાર કરવાનું વિચારી શકે છે.
ADVERTISEMENT
હરમનપ્રીતનો વિકલ્પ કોણ?
હરમનપ્રીત કૌરને જો કૅપ્ટનપદેથી હટાવવામાં આવે તો તેની જગ્યા વાઇસ-કૅપ્ટન સ્મૃતિ માન્ધના લઈ શકે છે. સ્મૃતિએ આ વર્ષે જ રૉયલ ચૅલેન્જર્સ બેન્ગલુરુને વિમેન્સ પ્રીમિયર લીગ જિતાડી છે. હરમનપ્રીત ઉપલબ્ધ ન હોય ત્યારે સ્મૃતિએ જ ભારતીય ટીમનું નેતૃત્વ કર્યું છે.