રોહિત શર્મા અને વિરાટ કોહલી જેવા સિનિયર ખેલાડીઓને ટીમમાંથી હટાવી દેવામાં આવે એવી પણ ચર્ચા થઈ રહી છે
કરન્ટ ફાઇલ્સ
હાર્દિક પંડ્યા
ભારતીય ટીમ હાર્દિક પંડ્યાના નેતૃત્વમાં શુક્રવારે ન્યુ ઝીલૅન્ડ સામે પહેલી મૅચ રમવાની હતી, પરંતુ વરસાદને કારણે એ મૅચ રદ થઈ હતી. હાર્દિક પંડ્યાને રોહિત શર્માને બદલે ટી૨૦માં કૅપ્ટન બનાવવામાં આવે એવી ચર્ચાએ ફરી જોર પકડ્યું છે. શુક્રવારે ભારતીય ક્રિકેટ બોર્ડે ચેતન શર્માના નેતૃત્વવાળી આખી પસંદગી સમિતિને જ સસ્પેન્ડ કરી દીધી છે. વળી નવી સમિતિ માટે અરજી પણ મગાવવામાં આવી છે. સેમી ફાઇનલમાં ભારત ઇંગ્લૅન્ડ સામે જે પ્રકારે હાર્યું એનાથી ક્રિકેટ બોર્ડની ભારે ટીકા કરવામાં આવી છે. અજિત આગરકરના નેતૃત્વમાં નવી સમિતિ બનાવવામાં આવે એવી ચર્ચા થઈ રહી છે. વળી રોહિત શર્મા અને વિરાટ કોહલી જેવા સિનિયર ખેલાડીઓને ટીમમાંથી હટાવી દેવામાં આવે એવી પણ ચર્ચા થઈ રહી છે. એક બૅટર તરીકે પણ રોહિત શર્માનું પ્રદર્શન ખરાબ રહ્યું હતું. તેણે ૬ મૅચમાં ૧૧૬ રન જ કર્યા હતા. કૅપ્ટન્સીનો ભાર તેના પર સ્પષ્ટપણે દેખાઈ રહ્યો હતો. જો હાર્દિક પંડ્યા તેની સાથે કૅપ્ટન્સીની જવાબદારી શૅર કરે તો આપણને ફરી એક વાર આક્રમક બૅટર રોહિત શર્મા મળી જાય એ બહુ મોટી વાત હશે, પરંતુ ભારત ૨૦૨૪ના ટી૨૦ વર્લ્ડ કપને ધ્યાનમાં રાખીને ટીમ બનાવવાની શરૂઆત કરે તો એવા સંજોગોમાં રોહિત શર્મા માટે પણ ટીમમાં સ્થાન મેળવવું મુશ્કેલ થઈ જાય. ઘણા નિષ્ણાતો હાર્દિક પંડ્યાને ટી૨૦નો કૅપ્ટન બનાવવામાં આવે એ વાતની તરફદારી કરી રહ્યા છે અને તેને નવા ખેલાડીઓને પસંદ કરવા તથા એની અજમાઈશ કરવા માટે પણ પૂરતો સમય મળી રહે.
પંત અને રાહુલનું ખરાબ ફૉર્મ
કૅપ્ટન્સીની દોડમાં રિષભ પંત અને લોકેશ રાહુલ પણ હતા. જોકે આ બન્ને હાલમાં ખરાબ ફૉર્મમાંથી પસાર થઈ રહ્યા છે. સેમી ફાઇનલમાં ઇંગ્લૅન્ડ સામેની હાર માટે લોકેશની બૅટિંગને પણ જવાબદાર ગણવામાં આવે છે. હાલમાં તો લોકેશ રાહુલ ભારતની ટી૨૦ ટીમનો વાઇસ કૅપ્ટન છે, પરંતુ તેની પાસેથી આ પદ પણ ખેંચી લેવામાં આવે તો નવાઈ નહીં. બીજી તરફ પંત પણ ખાસ પ્રભાવશાળી પ્રદર્શન કરવામાં નિષ્ફળ રહ્યો છે. હાર્દિક માટે સકારાત્મક વાત એ છે કે તે બેટિંગ નહીં તો બોલિંગ બન્ને પૈકી કોઈ એકમાં સારું પ્રદર્શન કરીને વાહવાહી લૂંટી જાય છે અને તમામ ખેલાડીઓ તેની સાથે સહેલાઈથી સંપર્ક કરી શકે છે. મેદાનમાં પણ તે ખેલાડીઓને પ્રોત્સાહન આપતો જોઈ શકાય છે. આઇપીએલમાં ગુજરાતની ટીમને ચૅમ્પિયન બનાવીને તેણે પોતાની નેતૃત્વશક્તિને સાબિત કરી આપી છે.
ADVERTISEMENT
ઇંગ્લૅન્ડ-ઑસ્ટ્રેલિયાનાં ઉદાહરણ
ટી૨૦ વર્લ્ડ કપ જીતીને ઇંગ્લૅન્ડે રેડ બૉલ તેમ જ વાઇટ બૉલ માટે અલગ-અલગ કૅપ્ટન્સીની ફૉર્મ્યુલાને સફળ કરી બતાવી છે. ૨૦૧૫ના વર્લ્ડ કપમાં ખરાબ રીતે બંગલાદેશ સામે હારી જતાં ઇંગ્લૅન્ડની ટીમ નૉકઆઉટ રાઉન્ડ પહેલાં જ બહાર થઈ ગઈ હતી. ત્યાર બાદ એણે આ બન્ને ફૉર્મેટ માટે અલગ-અલગ ખેલાડીઓ તેમ જ અલગ-અલગ કૅપ્ટનની રણનીતિ અપનાવી જે અત્યાર સુધી ઘણી સફળ રહી છે. ઑસ્ટ્રેલિયામાં પણ વાઇટ બૉલમાં અલગ તેમ જ રેડ બોલ માટે અલગ કૅપ્ટન છે.