મેગા આૅક્શનમાં રહ્યો હતો અનસોલ્ડ : રિષભ પંત અને ક્રિસ ગેઇલને પછાડ્યા, પણ એક બૉલથી વર્લ્ડ રેકૉર્ડની બરાબરી કરતાં ચૂકી ગયો
ઇતિહાસના સૌથી મોંઘા પ્લેયર રિષભ પંતનો ફાસ્ટેસ્ટ સેન્ચુરીનો ભારતીય રેકૉર્ડ તોડ્યો ઉર્વિલ પટેલે
ગઈ કાલે મધ્ય પ્રદેશના ઇન્દોરમાં ત્રિપુરા અને ગુજરાત વચ્ચે રમાયેલી સૈયદ મુશ્તાક અલી ટ્રોફીની મૅચમાં એક ઐતિહાસિક ઇનિંગ્સ જોવા મળી હતી. ત્રિપુરાએ ૮ વિકેટ ગુમાવીને T20 મૅચમાં ૧૫૬ રનનો ટાર્ગેટ આપ્યો હતો જેને ગુજરાતની ટીમે ૧૦.૨ ઓવરમાં બે વિકેટ ગુમાવીને ચેઝ કરી લીધો હતો. ૩૫ બૉલમાં ૧૧૩ રનની અણનમ ઇનિંગ્સ રમનાર ૨૬ વર્ષનો વિકેટકીપર-બૅટર ઉર્વિલ પટેલ પ્લેયર ઑફ ધ મૅચ બન્યો છે.
મહેસાણામાં જન્મેલો અને ૨૦૧૮થી બરોડાની ટીમ માટે ડોમેસ્ટિક ડેબ્યુ કરનાર ઉર્વિલ પટેલ છેલ્લી IPL સીઝનમાં ૨૦ લાખ રૂપિયામાં ગુજરાત ટાઇટન્સમાં સામેલ થયો હતો પણ તેને ટુર્નામેન્ટમાં ડેબ્યુ કરવાની તક મળી નહોતી. આ વખતના બે દિવસના મેગા ઑક્શનમાં તેને ખરીદવા કોઈએ રસ દાખવ્યો નહોતો અને તે અનસોલ્ડ ગયો હતો પણ મેગા ઑક્શનના એક દિવસ બાદ તેણે એક શાનદાર ઇનિંગ્સ રમીને સૌને ચોંકાવી દીધા છે.
ADVERTISEMENT
ઉર્વિલે ત્રિપુરા સામેની મૅચમાં ૨૮ બૉલમાં સેન્ચુરી ફટકારીને T20 ક્રિકેટમાં ફાસ્ટેસ્ટ સેન્ચુરી ફટકારનાર ભારતીય બન્યો છે. ૨૦૧૮-’૧૯ની રણજી ટ્રોફી સીઝન પહેલાં ગુજરાતની ડોમેસ્ટિક ટીમમાં સામેલ થયેલા ઉર્વિલે આ મામલે ભારતીય વિકેટકીપર રિષભ પંતનો રેકૉર્ડ તોડ્યો છે. IPL ઑક્શનના ઇતિહાસના સૌથી મોંઘા પ્લેયર રિષભ પંતે દિલ્હી માટે ૨૦૧૮માં સૈયદ મુશ્તાક અલી ટ્રોફીમાં હિમાચલ પ્રદેશ સામે ૩૨ બૉલમાં સેન્ચુરી ફટકારી હતી.
ઉર્વિલ T20 ક્રિકેટમાં ફાસ્ટેસ્ટ સેન્ચુરી ફટકારનાર દુનિયાનો બીજા નંબરનો પ્લેયર બન્યો છે. તેણે આ લિસ્ટમાં વેસ્ટ ઇન્ડીઝના ભૂતપૂર્વ ઑલરાઉન્ડર ક્રિસ ગેઇલને પાછળ છોડ્યો છે જેણે ૨૦૧૩માં રૉયલ ચૅલેન્જર્સ બેન્ગલુરુ માટે પુણે વૉરિયર્સ સામે ૩૦ બૉલમાં સેન્ચુરી ફટકારી હતી. ઉર્વિલ આ લિસ્ટમાં એસ્ટોનિયાના સાહિલ ચૌહાણની બરાબરી કરવાથી એક બૉલ પાછળ રહી ગયો હતો. ભારતીય મૂળના સાહિલ ચૌહાણે આ જ વર્ષે સાયપ્રસ સામે ૨૭ બૉલમાં સેન્ચુરી ફટકારી હતી.
ઉર્વિલ પટેલનું પ્રદર્શન |
|
રન |
૧૧૩ |
બૉલ |
૩૫ |
ચોગ્ગા |
૦૭ |
છગ્ગા |
૧૨ |
સ્ટ્રાઇક-રેટ |
૩૨૨.૮૬ |