રાજકોટમાં ક્રિકેટ-સ્ટેડિયમ પર છાપરું બાંધવાનો પ્લાન
રાજકોટ સ્ટેડિયમ
લૉર્ડ્સ ક્રિકેટ ગ્રાઉન્ડ જેવું જ સ્ટેડિયમ રાજકોટમાં બનાવ્યા પછી સૌરાષ્ટ્ર ક્રિકેટ અસોસિએશન દેશનું પ્રથમ છાપરાવાળું સ્ટેડિયમ બાંધવાની તૈયારી કરે છે. ગુજરાત ક્રિકેટ અસોસિએશન અમદાવાદમાં એક લાખથી વધારે દર્શકોને સમાવવાની ક્ષમતા ધરાવતું વિશ્વનું સૌથી વિશાળ સ્ટેડિયમ બાંધી રહ્યું છે. બીજી બાજુ, સૌરાષ્ટ્ર ક્રિકેટ અસોસિએશન રાજકોટના ખંડેરી વિસ્તારમાં ૧૭ એકરના પ્લૉટમાં પંદરથી વીસ હજાર લોકોને સમાવવાની ક્ષમતા ધરાવતું કોઈ પણ મોસમમાં મૅચ રમી શકાય એવું ઑલ વેધરપ્રૂફ ક્રિકેટ-સ્ટેડિયમ બાંધવાની ભૂમિકા ઊભી કરે છે.
ક્રિકેટની છેલ્લી કેટલીક સીઝનમાં કમોસમી વરસાદને કારણે દેશનાં વિવિધ મેદાનોમાં મૅચ ધોવાઈ ગઈ હોવાથી રાજકોટના ખંડેરીમાં છાપરાવાળું સ્ટેડિયમ બાંધવાની વિચારણા શરૂ કરવામાં આવી છે.
ADVERTISEMENT
સૌરાષ્ટ્ર ક્રિકેટ અસોસિએશનના પ્રમુખ જયદેવ શાહે જણાવ્યું હતું કે ‘અમારા અસોસિએશનની છાપરાવાળું સ્ટેડિયમ બાંધવાની યોજના હજી પ્રારંભિક તબક્કામાં છે. હાલમાં ચોમાસા કે વરસાદનો કોઈ વરતારો કરવામાં ન આવ્યો હોવા છતાં આપણે અનેક ડોમેસ્ટિક અને ઇન્ટરનૅશનલ મૅચ ધોવાઈ ગઈ હોવાનો અનુભવ કર્યો છે. અમે આખા સ્ટેડિયમને આવરી લે એવા પૂર્ણ અનુકુળતાં ધરાવતાં જુદા-જુદા પ્રકારનાં છાપરાંની શોધખોળનો વ્યાયામ હાથ ધર્યો છે. વિમ્બલ્ડન જેવા રિટ્રૅક્ટેબલ અને ઘુમ્મટ જેવા કાયમી પ્રકારોમાં પસંદગી કરવાની રહેશે. અમે કોઈ પણ વિકલ્પની વ્યવહારુતા અને એનાં હકારાત્મક અને નકારાત્મક પાસાંનું વિશ્લેષણ કરી રહ્યાં છીએ. ઑલ વેધરપ્રૂફ સ્ટેડિયમમાં મૂડીરોકાણ અને ખર્ચ લેખે લાગે એ માટે ઓછામાં ઓછી કેટલી આંતરરાષ્ટ્રીય મૅચો મળશે એની પણ વિચારણા કરવાની રહેશે. વળી ફ્લડ લાઇટ્સ ક્યાં ગોઠવવી અને એનાં જેવાં બીજાં પાસાંનો પણ વિચાર કરવાનો છે.
અમે નવું સ્ટેડિયમ જે બાંધવાના છીએ એમાં રૂફનું સૂચન છે, જ્યારે કેટલાક કહે છે કે અત્યારના સ્ટેડિયમ પર જ છાપરું બાંધીએ. અમે બન્ને સ્ટેડિયમમાં આના માટે થનારા ખર્ચ પર હજી કામ કરી રહ્યા છીએ.
- જયદેવ શાહ, સૌરાષ્ટ્ર ક્રિકેટ અસોસિયેશનના પ્રમુખ

