ઑસ્ટ્રેલિયન ઑલરાઉન્ડર ગ્લેન મૅક્સવેલ માને છે...
ગ્લેન મૅક્સવેલ
ઑસ્ટ્રેલિયાના ઑલરાઉન્ડર ગ્લેન મૅક્સવેલનું માનવું છે કે આગામી બૉર્ડર-ગાવસકર ટ્રોફીમાં ઑસ્ટ્રેલિયાની સફળતા યજમાન ટીમના બૅટ્સમેનો ભારતની ટોચની સ્પિન જોડી રવિચન્દ્રન અશ્વિન અને રવીન્દ્ર જાડેજા સામે કેવું પ્રદર્શન કરે છે એના પર નિર્ભર કરશે.
તેણે એક ઇન્ટરવ્યુમાં કહ્યું હતું કે ‘મારું માનવું છે કે અશ્વિન અને જાડેજા જેવા બોલરો સામે લાંબા સમય સુધી રમ્યા પછી એવું લાગે છે કે અમે બન્નેનો સતત સામનો કર્યો છે અને ઘણી વાર તેમની સામે અમારું પ્રદર્શન મૅચનું પરિણામ નક્કી કરે છે. જો અમે આ બન્ને સામે સારું રમીશું તો અમે સારી સ્થિતિમાં હોઈશું.’ આ પહેલાં મૅક્સવેલે ભારતીય ફાસ્ટ બોલર જસપ્રીત બુમરાહને ત્રણેય ફૉર્મેટનો સર્વશ્રેષ્ઠ બોલર ગણાવ્યો હતો. ભારતે ૨૦૧૮-’૧૯ અને ૨૦૨૦-’૨૧ના ઑસ્ટ્રેલિયા ટૂરમાં ઐતિહાસિક જીત નોંધાવી હતી અને હવે ટીમની નજર સતત ત્રીજી સિરીઝ જીતવા પર છે. ભારત એશિયામાં એક માત્ર એવો દેશ છે જેણે ઑસ્ટ્રેલિયાને તેની ધરતી પર ટેસ્ટ-સિરીઝમાં હરાવ્યું છે.