બીજી ટેસ્ટ પહેલાં સાઉથ આફ્રિકાના કૅપ્ટન બવુમા બાદ લાગ્યો બીજો ઝટકો
ગેરાલ્ડ કોએટ્ઝી ઇન્જરીને લીધે આઉટ
સાઉથ આફ્રિકન ટીમને બીજી ટેસ્ટ પહેલાં બીજો ઝટકો લાગ્યો છે. તેમનો કૅપ્ટન ટેમ્બા બવુમા પહેલી ટેસ્ટ મૅચ દરમ્યાન થયેલી ઇન્જરીને લીધે સિરીઝમાંથી આઉટ થઈ ગયા બાદ હવે પહેલી મૅચથી ટેસ્ટ શરૂ કરનાર પેસ બોલર ગેરાલ્ડ કોએટ્ઝી પણ ઇન્જરીને લીધે બીજી ટેસ્ટમાં નહીં રમી શકે. કોએટ્ઝીએ પહેલી ટેસ્ટની પ્રથમ ઇનિંગ્સમાં ૧૬ ઓવરમાં ૭૪ રન આપીને એક વિકેટ લીધી હતી, જ્યારે બીજી ઇનિંગ્સમાં તે માત્ર પાંચ જ ઓવર નાખી શક્યો હતો અને એમાં તેણે ૨૮ રન આપ્યા હતા. કોએટ્ઝીને સ્થાને કદાચ ઇન્જરીને લીધે પ્રથમ ટેસ્ટ ગુમાવનાર લુંગી એન્ગિડી ટીમમાં કમબૅક કરી શકે છે.
પ્રૅક્ટિસ દરમ્યાન શાર્દૂલ ઠાકુર પણ થયો ઇન્જર્ડ
પહેલી ટેસ્ટની કારમી હારને ભુલાવીને કમબૅક કરવા મથી રહેલી ભારતીય ટીમ પર ઑલરાઉન્ડર શાર્દૂલ ઠાકુર ઇન્જર્ડ થતાં ચિંતામાં મુકાઈ ગઈ છે. ગઈ કાલે પ્રૅક્ટિસ સેશન દરમ્યાન બૉલ તેના ખભા પર વાગ્યો હતો. બૉલ વાગવા છતાં તેણે પ્રૅક્ટિસ ચાલુ રાખી હતી અને એ પત્યા બાદ ફિઝિયોએ તેને આઇસ-પૅક લગાડ્યું હતું. જોકે શાર્દૂલે બોલિંગ-પ્રૅક્ટિસ નહોતી કરી એને લીધે શક્યતા છે કે તે કદાચ બીજી ટેસ્ટમાં નહીં રમે. શાર્દૂલની ઈજા કેટલી ગંભીર છે એનો અંદાજ સ્કૅનના રિપોર્ટ બાદ જાણી શકાશે.
શાર્દૂલને પ્રથમ મૅચ દરમ્યાન પણ કૅગિસો રબાડાનો એક બૉલ તેના ખભા પર વાગ્યો હતો. પ્રથમ ટેસ્ટમાં શાર્દૂલનો પર્ફોર્મન્સ જરાય વખાણવાલાયક નહોતો રહ્યો.

