સિલેક્ટરને પગે ન લાગવાને કારણે અન્ડર-14માં પસંદગી ન થઈ હોવાનો કર્યો ખુલાસો
ગૌતમ ગંભીર
ભારતીય સ્પિનર રવિચન્દ્રન અશ્વિને હાલમાં પોતાની યુટ્યુબ ચૅનલ પર કોલકાતા નાઇટ રાઇડર્સના મેન્ટર ગૌતમ ગંભીરને પૂછ્યું કે તેના ચહેરા પર હંમેશાં આક્રમકતા જ કેમ જોવા મળે છે?
૪૨ વર્ષના ગંભીરે જવાબ આપતાં કહ્યું હતું કે ‘ઘણી વખત લોકો મારા વિશે કહે છે કે હું હસતો નથી, હંમેશાં આક્રમક રહું છું; પણ લોકો મને નહીં, મારી ટીમની જીત જોવા આવે છે. હું એન્ટરટેઇનર નથી, હું બૉલીવુડનો ઍક્ટર નથી, હું એક ક્રિકેટર છું.’
ગૌતમ ગંભીરે એમ પણ કહ્યું કે તે ભારતના યુવા ખેલાડીઓની વિચારસરણીથી થોડો પરેશાન છે. તેને લાગે છે કે એવા ઘણા ઓછા યુવા ક્રિકેટરો છે જે
ટેસ્ટ-ક્રિકેટ રમવા માગે છે. ગંભીરે કહ્યું કે આશા છે કે IPL ભારતીય ટીમમાં સ્થાન મેળવવા માટે રમવાનો શૉર્ટકટ સાબિત નહીં થાય. તેણે એ પણ સ્વીકાર્યું કે IPLથી ભારતીય ક્રિકેટરોને ફાયદો થયો છે.
ADVERTISEMENT
ગંભીરે ખુલાસો કર્યો કે જ્યારે તે ૧૨-૧૩ વર્ષનો હતો ત્યારે તેણે અન્ડર-14 ટુર્નામેન્ટ માટે ટ્રાયલ આપી હતી, પરંતુ તે સિલેક્ટરના પગે ન લાગ્યો હોવાથી તેની પસંદગી થઈ શકી નહોતી. ગંભીરે કહ્યું કે એ પછી તેણે પોતાને વચન આપ્યું કે તે ન તો કોઈના પગ પકડશે અને ન તો કોઈને તેના પગ પકડવા દેશે.