આવતી કાલથી શરૂ થતી ન્યુ ઝીલૅન્ડ સામેની સિરીઝ પહેલાં હેડ કોચ ગંભીરની સીધી વાત કહે છે, બૅટ્સમેનો ૧૦૦૦ રન બનાવશે તો પણ જીતની ગૅરન્ટી નથી, પણ બોલર જો ૨૦ વિકેટ લેશે તો ૯૯ ટકા જીત પાકી
ગઈ કાલે પ્રૅક્ટિસ સેશન દરમ્યાન વાતચીત કરતા ભારતીય ટીમના હેડ કોચ ગૌતમ ગંભીર અને કૅપ્ટન રોહિત શર્મા.
આવતી કાલથી બૅન્ગલોરમાં ન્યુ ઝીલૅન્ડ સામેની પ્રથમ મૅચ પહેલાં ટીમ ઇન્ડિયાના હેડ કોચ ગૌતમ ગંભીરે કહ્યું હતું કે ક્રિકેટમાં હવે બૅટરોને બદલે બોલરોનો યુગ આવી ગયો છે. તે કહે છે કે છેલ્લા ઘણા સમયથી ક્રિકેટમાં ખાસ કરીને ટેસ્ટ ક્રિકેટમાં લાંબા સમય સુધી ક્રીઝ પર ટકી રહેતા બૅટરોની બોલબાલા હતી ત્યાં હવે બોલરો દમખમ બતાવી છવાઈ રહ્યા છે.
બૅટરોનો યુગ વીતી ગયો છે એમ કહીને ગંભીરે કહ્યું હતું કે ‘આ યુગ બોલરોનો છે. બૅટરો ફક્ત મૅચ સેટ કરી આપે છે. બૅટરો પ્રત્યેના આપણા લગાવને સમાપ્ત કરવાની જરૂર છે. જો બૅટરો ૧૦૦૦ રન બનાવશે તો પણ જીતની કોઈ જ ગૅરન્ટી નથી, પણ જો બોલર ૨૦ વિકેટ લેશે તો જીત ૯૯ ટકા પાકી થઈ જાય છે. ટેસ્ટ-મૅચ હોય કે બીજી કોઈ ફૉર્મેટ, બોલરો તમને મૅચ અને ટુર્નામેન્ટમાં જીત અપાવી રહ્યા છે. આ યુગમાં આપણે બૅટરો કરતાં બોલરો વિશે વધુ ચર્ચા કરીશું. આથી મને આશા છે કે સમય સાથે આપણી માનસિકતા બદલાશે.’
ADVERTISEMENT
IPL દરમ્યાન પણ ગંભીરે આ જ વિશે વાત કરી હતી. તેણે કહ્યું હતું કે ‘ભારતીય બૅટ્સમેનોની ખૂબ પ્રશંસા થાય છે, પણ જસપ્રીત બુમરાહ, અશ્વિન અને જાડેજા આને બદલી રહ્યા છે. ટેસ્ટ-ક્રિકેટમાં બુમરાહ ખૂબ જ સ્માર્ટ બોલર છે.’
ટીમ વિશેના પોતાના વિઝન વિશે ગંભીરે કહ્યું હતું કે ‘મેં ચેન્નઈમાં એ વિશે કહ્યું હતું કે અમારે એવી ટીમ બનાવવી છે કે જે જરૂર પડે તો એક દિવસમાં ૪૦૦ રન બનાવી શકે અને બે દિવસ સુધી બૅટિંગ કરીને મૅચ ડ્રૉ પણ કરાવી શકે. એ ખરો ટીમનો વિકાસ છે. એને અનુકૂળ ક્ષમતા કહેવાય અને એ જ ખરી ટેસ્ટ-ક્રિકેટ છે. જો તમે એક જ સ્ટાઇલમાં રમતા રહેશો તો એ કોઈ વિકાસ નથી.’
પહેલાંના જમાનામાં ખાસ કરીને ૧૯૫૦થી ૧૯૯૦ દરમ્યાન બૅટરો લાંબા સમય સુધી ક્રીઝ પર ટકી રહેતા અને મોટા ભાગની મૅચો ડ્રૉ રહેતી હતી. જોકે હવે મોટા ભાગની ટેસ્ટ-મૅચનું રિઝલ્ટ આવે છે અને એમાં બોલરોનું મહત્ત્વપૂર્ણ યોગદાન હોય છે. - ગૌતમ ગંભીર