જુનિયર વીરુનો દિલ્હીની અન્ડર-16 ટીમમાં સમાવેશ
આર્યવીર સેહવાગ તેના પિતા વીરેન્દરની જેમ જ ફટકાબાજી કરતાં શીખ્યો છે.
વિશ્વના સૌથી વિસ્ફોટક બૅટર્સમાં ગણાતા તેમ જ વીરુ, નવાબ ઑફ નજફગઢ અને મુલતાન કા સુલતાન તરીકે જાણીતા વીરેન્દર સેહવાગે ૧૭,૦૦૦ જેટલા ઇન્ટરનૅશનલ રન બનાવ્યા બાદ ૧૪ વર્ષની ધમાકેદાર કરીઅર પૂરી કરી ત્યાર પછી પોતાની ક્રિકેટ ઍકૅડેમીમાં અસંખ્ય બાળકોને કારકિર્દી બનાવવાની તાલીમ અપાવવાની સાથે તેણે પુત્ર આર્યવીરની ટૅલન્ટને ખીલવવા પર પણ ધ્યાન આપ્યું હતું અને સેહવાગની એ મહેનત ધીમે-ધીમે રંગ લાવી રહી છે.
આર્યવીર ૧૫ વર્ષનો છે અને તેનું નામ તાજેતરમાં વિજય મર્ચન્ટ ટ્રોફી માટેની દિલ્હીની અન્ડર-16 ટીમમાં સામેલ કરાયું હતું. ૭૯ સંભવિતોમાંથી જે ૧૫ ખેલાડીને શૉર્ટ-લિસ્ટ કરાયા એમાં રાઇટ આર્મ બૅટર અને રાઇટ આર્મ લેગ સ્પિનર આર્યવીર સેહવાગનું નામ પણ હતું.
ADVERTISEMENT
બીજી નવાઈની વાત એ છે કે ઇન્સ્ટાગ્રામ પર આર્યવીર સેહવાગના ૧૨,૩૦૦ ફૉલોઅર્સ છે.
કોહલી છે મોસ્ટ-ફેવરિટ
આર્યવીર પિતા વીરેન્દર સેહવાગની શાનદાર કરીઅરને નજર સમક્ષ રાખીને તાલીમ લઈ રહ્યો છે અને તેના ઘણા શૉટ્સ પિતા જેવી જ સ્ટાઇલના હોય છે. જોકે વિરાટ કોહલી છે આર્યવીરનો મોસ્ટ ફેવરિટ બૅટર અને તેની સાથે આર્યવીરે ફોટો પણ પડાવ્યો છે.
કોને ફૉલો કરવાની પિતાની સલાહ?
ખુદ સેહવાગ એક ઇન્ટરવ્યુમાં કહી ચૂક્યો છે કે ‘હું ઇચ્છું છું કે આર્યવીર પણ ક્રિકેટર બને. જોકે હું તેને હંમેશાં કોહલી, હાર્દિક પંડ્યા અને ધોનીને ફૉલો કરવાની સલાહ આપું છું.’