વન-ડે વર્લ્ડ કપના ડિફેન્ડિંગ ચૅમ્પિયન ઇંગ્લૅન્ડની ટીમ આ વખતના વિશ્વકપમાં ઘણા દિવસ સુધી પૉઇન્ટ-ટેબલમાં સાવ તળિયે રહ્યા પછી છેલ્લે સાતમા નંબરે રહી અને સ્વદેશભેગી થઈ ગઈ
બટલર
વેસ્ટ ઇન્ડીઝ સામે બટલર જ કૅપ્ટન, ૬ પ્લેયર રિટેન કરાયા
વન-ડે વર્લ્ડ કપના ડિફેન્ડિંગ ચૅમ્પિયન ઇંગ્લૅન્ડની ટીમ આ વખતના વિશ્વકપમાં ઘણા દિવસ સુધી પૉઇન્ટ-ટેબલમાં સાવ તળિયે રહ્યા પછી છેલ્લે સાતમા નંબરે રહી અને સ્વદેશભેગી થઈ ગઈ, પરંતુ આ ટીમના કૅપ્ટન જૉસ બટલર સહિતના ૬ ખેલાડીઓને આવતા મહિનાના વેસ્ટ ઇન્ડીઝના પ્રવાસ માટેની વન-ડે સિરીઝ માટેની ટીમમાં જાળવી રાખવામાં આવ્યા છે. બટલરની કૅપ્ટન્સી જાળવી રાખવામાં આવી છે અને બીજા પાંચ પ્લેયર્સમાં હૅરી બ્રુક, બ્રાયડન કાર્સે, સૅમ કરૅન, લિયામ લિવિંગસ્ટન અને ગસ ઍટ્કિન્સનનો સમાવેશ છે. બેન સ્ટોક્સ ઘૂંટણની સર્જરી કરાવવાનો છે.
ADVERTISEMENT
૧૦ લાખથી વધુ પ્રેક્ષકોએ બનાવ્યો નવો રેકૉર્ડ
વર્લ્ડ કપની મૅચમાં અત્યાર સુધી ૧૦ લાખ કરતાં વધુ પ્રેક્ષકોએ હાજરી આપી છે. આમ સૌથી વધુ લોકો મૅચ જોવા હાજર રહ્યા હોય એવી આઇસીસીની આ ટુર્નામેન્ટ બની છે. આઇસીસીએ શુક્રવારે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં અફઘાનિસ્તાન અને સાઉથ આફ્રિકાની મૅચ દરમ્યાન આ ઘોષણા કરી હતી. હજી ત્રણ મૅચ રમાવાની બાકી છે ત્યારે આ આંકડો વધુ મોટો થશે. વ્યુઅરશિપમાં પણ નવો રેકૉર્ડ થયો હતો. આઇસીસીના ઇવેન્ટ્સ હેડ ક્રિસ ટેટલીએ કહ્યું કે ‘વિશ્વભરમાં જે રીતે લોકો આ ટુર્નામેન્ટને નિહાળી રહ્યા છે એના પરથી લાગે છે કે લોકોના મનમાં વન-ડે વર્લ્ડ કપ માટે કેટલો બધો પ્રેમ છે.’
પીએસજીને ઍમ્બપ્પેની હૅટ-ટ્રિકે ૩-૦થી જીત અપાવી
ફ્રાન્સમાં શનિવારે લીગ-વનમાં પૅરિસ સેન્ટ-જર્મેઇન (પીએસજી)એ રીમ્ઝને ૩-૦થી હરાવીને મોખરાનું સ્થાન જાળવી રાખ્યું હતું. ત્રણેય ગોલ કીલિયાન ઍમ્બપ્પેએ ૩, ૫૯ અને ૮૨મી મિનિટે કર્યા હતા. એટલું જ નહીં, ગોલકીપર ડૉન્નારુમ્માએ ૬ વખત રીમ્ઝનો ગોલ થતો રોકીને પીએસજીની જીતમાં મોટું યોગદાન આપ્યું હતું.
નિકોલ્સને ટેમ્પરિંગના આક્ષેપમાંથી ક્લીન-ચિટ
ન્યુ ઝીલૅન્ડના ટેસ્ટ બૅટર હેન્રી નિકોલ્સને બૉલ સાથે ચેડાં કરવાના આક્ષેપમાંથી મુક્તિ મળી ગઈ છે. તાજેતરમાં પ્લન્કેટ શીલ્ડ ટુર્નામેન્ટની મૅચ દરમ્યાન તે છેડો બદલતી વખતે હેલ્મેટ સાથે બૉલ ઘસી રહેલા ટીવી-ફુટેજ પર જોવા મળતાં ન્યુ ઝીલૅન્ડ ક્રિકેટ બોર્ડની આચારસંહિતા અનુસાર તેના આ બનાવ સંબંધમાં તપાસ શરૂ કરાઈ હતી, પરંતુ કમિટીએ કહ્યું કે નિકોલ્સની કોઈ ઍક્શનમાં કે પુરાવાઓમાં એવું કંઈ જ નહોતું લાગ્યું કે તેણે કોઈ રીતે નિયમનો ભંગ કર્યો હોય.’