ઇંગ્લૅન્ડે વેસ્ટ ઇન્ડીઝ સામેની પાંચ મૅચની T20 સિરીઝમાં ૦-૨ની લીડ મેળવી લીધી છે. પહેલી મૅચમાં ૮ વિકેટે જીતનાર મહેમાન ટીમ ઇંગ્લૅન્ડે બીજી મૅચમાં ૭ વિકેટે રોમાંચક જીત મેળવી છે
કૅપ્ટન જોસ બટલરે જબરદસ્ત ૮૩ રન ફટકાર્યા હતા
ઇંગ્લૅન્ડે વેસ્ટ ઇન્ડીઝ સામેની પાંચ મૅચની T20 સિરીઝમાં ૦-૨ની લીડ મેળવી લીધી છે. પહેલી મૅચમાં ૮ વિકેટે જીતનાર મહેમાન ટીમ ઇંગ્લૅન્ડે બીજી મૅચમાં ૭ વિકેટે રોમાંચક જીત મેળવી છે. બીજી મૅચમાં વેસ્ટ ઇન્ડીઝે ગઈ કાલે ૮ વિકેટ ગુમાવીને ૧૫૯ રનનો ટાર્ગેટ આપ્યો હતો જેને ઇંગ્લૅન્ડે ૧૪.૫ ઓવરમાં ત્રણ વિકેટ ગુમાવીને ચેઝ કરી લીધો હતો.
પગના સ્નાયુઓની ઈજાને કારણે ઘણા સમય સુધી મેદાનથી દૂર રહેનાર ઇંગ્લૅન્ડના કૅપ્ટન જોસ બટલરે પહેલી મૅચમાં ડક થયા બાદ બીજી મૅચમાં ૮૩ રનની ધમાકેદાર ઇનિંગ્સ રમી હતી. ૧૮૪.૪૪ના સ્ટ્રાઇક-રેટથી બૅટિંગ કરીને તેણે ૬ છગ્ગા અને ૮ ચોગ્ગાની મદદથી ૪૫ બૉલમાં ૮૩ રન ફટકાર્યા હતા. રાજસ્થાન રૉયલ્સમાંથી હાલમાં જ રિલીઝ થયેલા બટલરે ગઈ કાલે બાર્બેડોસમાં ૧૧૫ મીટરની લાંબી સિક્સર ફટકારી IPL 2025 મેગા ઑક્શનમાં મોટી બોલી માટે પોતાની દાવેદારી નોંધાવી હતી.