રાવલપિંડીમાં ઇંગ્લૅન્ડે નસીમ શાહ અને મોહમ્મદ અલીના ફાઇટબૅકને છેવટે નમાવીને પાકિસ્તાન સામેની પ્રથમ ટેસ્ટ જીતી લીધી
England Vs Pakistan
ઇંગ્લૅન્ડ ક્રિકેટ ટીમ
રાવલપિંડી શહેરમાં ગઈ કાલે બેન સ્ટોક્સના નેતૃત્વમાં ઇંગ્લૅન્ડે પાકિસ્તાનને બે ટેસ્ટની સિરીઝની પ્રથમ મૅચમાં ૭૪ રનથી હરાવીને સિરીઝમાં ૧-૦થી અપરાજિત સરસાઈ મેળવી લીધી છે. રવિવારે સ્ટોક્સે હિંમતભર્યા નિર્ણયમાં બીજો દાવ ૨૬૪/૭ના સ્કોર પર ડિક્લેર કરીને પાકિસ્તાનને ૩૪૩ રનમાં મૅચ જીતી લેવાનો પડકાર આપ્યો હતો. સઉદ શકીલે ૧૫૯ બૉલમાં ૭૬ રન અને મોહમ્મદ રિઝવાને ૯૨ બૉલમાં ૪૬ રન બનાવીને ટીમમાં રનની દૃષ્ટિએ સૌથી મોટું યોગદાન આપ્યું હતું, પરંતુ મૅચમાં કુલ પાંચ વિકેટ લેનાર આઠમા નંબરના બૅટર નસીમ શાહ (૬ રન, ૪૬ બૉલ, ૭૦ મિનિટ, એક ફોર) તથા અગિયારમા ક્રમના મોહમ્મદ અલી (૦ અણનમ, ૨૬ બૉલ, ૩૫ મિનિટ)ની જોડીએ બ્રિટિશરોને જબરદસ્ત લડત આપી હતી અને તેમની જીતને વિલંબમાં મૂકી હતી. છેવટે સ્ટોક્સની ટીમે ૭૪ રનથી વિજય મેળવ્યો હતો. મૅન ઑફ ધ મૅચ ઑલી રૉબિન્સન તથા ઍન્ડરસને ચાર-ચાર, જૅક લીચ તથા સ્ટોક્સે એક-એક વિકેટ લીધી હતી.
આ પણ વાંચો : બ્રિટિશ બૅટર્સનો રેકૉર્ડ બ્રેકિંગ પર્ફોર્મન્સ
ADVERTISEMENT
ઇંગ્લૅન્ડ ૧૭ વર્ષે પાકિસ્તાનમાં ટેસ્ટ રમ્યું. આ દેશમાં ફક્ત ત્રીજો ટેસ્ટ-વિજય મેળવ્યો અને ૨૦૦૦ની સાલના બૅડ લાઇટમાં મેળવેલા વિજય પછીનો પાકિસ્તાનમાં આ પ્રથમ વિજય હતો.
બેન સ્ટોક્સ પાકિસ્તાનની ધરતી પર ટેસ્ટ જીતનાર ટેડ ડેક્સટર (૧૯૭૧) અને નાસિર હુસેન (૨૦૦૦) પછીનો ત્રીજો કૅપ્ટન છે. સ્ટોક્સે ગઈ કાલના યાદગાર વિજય બાદ પત્રકારોને કહ્યું કે ‘હું વિદેશમાં આને ઇંગ્લૅન્ડનો ગ્રેટેસ્ટ ટેસ્ટ-વિજય ગણું છું.’ આ ટેસ્ટ પહેલાં ખુદ સ્ટોક્સ સહિત ઘણા બ્રિટિશ પ્લેયર્સને પેટની બીમારી હતી છતાં તેઓ રમ્યા અને છેવટે જીત્યા.
8
ગઈ કાલે બૅડ લાઇટના ભય વચ્ચે ડે લાઇટની લગભગ આટલી મિનિટ બાકી હતી ત્યારે ૯૭મી ઓવરમાં સ્પિનર જૅક લીચે નસીમ શાહની વિકેટ લેતાં ઇંગ્લૅન્ડે જીતીને રાહતનો શ્વાસ લીધો હતો.