ઇંગ્લૅન્ડ સામેની હાર બાદ હવે બાબરની ટીમ માટે ડબ્લ્યુટીસીની ફાઇનલમાં પહોંચવું મુશ્કેલ
ENG vs PAK
ફાઇલ તસવીર
ઇંગ્લૅન્ડ સામેની બે મૅચની ટેસ્ટ-સિરીઝ શરૂ થઈ એ પહેલાં પાકિસ્તાનને વર્લ્ડ ટેસ્ટ ચૅમ્પિયનશિપ (ડબ્લ્યુટીસી)ની ફાઇનલમાં સ્થાન મેળવવાની ઘણી આશા હતી, પરંતુ સોમવારે બેન સ્ટોક્સના બાહોશ ડિક્લેરેશન બાદ ઇંગ્લૅન્ડની ટીમે ૭૪ રનના તફાવતથી પહેલી ટેસ્ટ જીતી લીધી એ સાથે પાકિસ્તાનની ડબ્લ્યુટીસીની ફાઇનલની આશા ધૂળધાણી થવા માંડી છે.
ટેસ્ટ ચૅમ્પિયનશિપના રૅન્કિંગ્સમાં પાકિસ્તાન પાંચમા સ્થાને છે અને ઇંગ્લૅન્ડ તથા ન્યુ ઝીલૅન્ડ સામેની કુલ પાંચ ટેસ્ટમાંના પર્ફોર્મન્સ થકી બાબરની ટીમને ડબ્લ્યુટીસીની ફાઇનલમાં જવાની તક હતી, પરંતુ સોમવારે પરાજય થતાં હવે તો પાકિસ્તાન કરતાં ઑસ્ટ્રેલિયા અને ભારતના ચાન્સ વધી ગયા છે. તેઓ પોતાની આગામી સિરીઝના વિજયથી ફાઇનલમાં જઈ શકશે. ઇંગ્લૅન્ડ ફાઇનલ માટેની રેસમાંથી બહાર થઈ ગયું છે.
ADVERTISEMENT
6
સોમવારે રાવલપિંડીમાં ઇંગ્લૅન્ડની જીત સાથે પૂરી થયેલી મૅચમાં કુલ આટલા પ્લેયર્સે ટેસ્ટ ડેબ્યુ કર્યું હતું અને એમાં પાકિસ્તાનના રઉફ, મોહમ્મદ અલી, શકીલ, ઝહીદ તેમ જ ઇંગ્લૅન્ડના વિલ જૅક્સ અને લિવિંગસ્ટન સામેલ હતા.
રઉફ ઈજાને લીધે બહાર
પાકિસ્તાનના ટી૨૦ હીરો હૅરિસ રઉફે ટેસ્ટ-કરીઅરની શરૂઆત કરી ત્યાં તો તે ઈજાને કારણે સિરીઝની બહાર થઈ ગયો છે. મૅચના પહેલા દિવસે તે ફીલ્ડિંગ દરમ્યાન બૉલ પર જ પડ્યો હતો અને તેને પેટમાં તથા કમરમાં ઈજા થઈ હતી.